સર્વોચ્ચ અદાલત આગામી સુનાવણી 24 મેના રોજ હાથ ધરશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.18
- Advertisement -
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પૂર્ણ થયાના 48 કલાકની અંદર મતદાનના આંકડા ચૂંટણી પંચની વેબસાઇટ પર અપલોડ કરવાની માગ કરતી એક એનજીઓની અરજી અંગે ચૂંટણી પંચને સાત દિવસની અંદર જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ જે બી પારડીવાલા તથા ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બનેલી ખંડપીઠે એનજીઓ એસોસિએશન ફોેર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ની અરજી પર સાંજે 6.30 વાગ્યે સુનાવણી કરી હતી.
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચને આ અરજીનો જવાબ આપવા માટે યોગ્ય સમય આપવો જરૂરી છે. ખંડપીઠે આ કેસની આગામી સુનાવણી 24 મેના રોજ નક્કી કરી છે. ઉલ્લેખનીય છે કે 25 મેના રોજ લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન થવાનું છે. આ અગાઉ દિવસ દરમિયાન એડીઆર વતી હાજર થયેલા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે આ અરજીની તાત્કાલિક સુનાવણીની માગ કરી હતી.ગયા સપ્તાહે એનજીઓએ પોતાની 2019ની પીઆઇએલ અંગે એક વચગાળાની અરજી દાખલ કરી હતી.અરજીમાં માગ કરવામાં આવી હતી કે તમામ મતદાન મથકોના ફોર્મ નંબર 17 સી (મતદાનના આંકડાની વિગતોે દર્શાવતું પત્રક) ચૂંટણી પૂર્ણ થયા પછી તાત્કાલિક સ્કેન કરી અપલોડ કરવામાં આવે.