જો બંને ઉદ્યોગપતિઓ અમને પૈસા આપશે તો અમે ચૂપ રહીશું
કોંગ્રેસનાં નેતા અધિરરંજને આવું ચોંકાવનારું નિવેદન કરીને પોતાની પાર્ટીને જ ફિક્સમાં મુકી દીધી
ખાસ-ખબર ન્યૂઝ બહેરામપુર, તા.13
કોંગ્રેસ નેતા અને બહેરામપુરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ બેફામ નિવેદન કરીને નવો વિવાદ સર્જ્યો છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે અદાણી અને અંબાણી પાસેથી પૈસા નહીં મળવાને કારણે કોંગ્રેસે આ ઉદ્યોગપતિઓને બદનામ કરવાનું અભિયાન ચલાવ્યું છે. કોંગ્રેસનાં નેતા અધીર રંજને આવું ચોંકાવનારું નિવેદન કરીને પોતાની પાર્ટીને જ ફિક્સમાં મુકી દીધી છે. તેમણે કહ્યું કે દેશની સૌથી જૂનામાં જૂની પાર્ટીને આ ઉદ્યોગપતિઓ દ્વારા પૈસા નહીં આપવામાં આવતા તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે. જો આ ઉદ્યોગપતિઓ પૈસા ભરેલી બેગો કોંગ્રેસને મોકલશે તો પાર્ટી તેમની વિરુદ્ધ ચૂપ થઈ જશે અને બદનામ કરતો ખોટો પ્રચાર કરશે નહીં. તેલંગણામાં એક રેલીને સંબોધતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે પીએમ મોદીએ રાહુલ ગાંધી સામે ઉદ્યોગપતિઓ સામે રાખેલા મૌન અંગે સવાલ કર્યો હતો.
- Advertisement -
તેમણે કહ્યું હતું કે અદાણી અને અંબાણી પાસેથી કોંગ્રેસને કેટલું કાળું નાણું મળ્યું છે? પીએમ મોદીની આ ટિપ્પણી અંગે કોંગ્રેસ નેતાએ કહ્યું કે, જો કાળું નાણું આવ્યું હોત તો ઘણું સારું હતું. અમારે વધુ પૈસાની જરૂર છે. હું એક BPL સાંસદ છું. અને મારે પણ પૈસાની ખૂબ જ જરૂર છે. એક બીપીએલ સાંસદ હોવાના નાતે મારી પાસે ચૂંટણી લડવા પૈસા નથી. જો અદાણી એક બોરી પૈસા મોકલી આપે તો મારા માટે તે પૂરતા છે. તેમણે દાવો કર્યો કે બીપીએલ સાંસદ છે કારણ કે તેમને દાનમાં એક પણ પૈસો મળતો નથી. અધીર રંજનને જ્યારે ઉદ્યોગપતિઓ વિરૂદ્ધ બદનામીનું અભિયાન શા માટે શરૂ કરવામાં આવ્યું તેવું પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે અમે પૈસાની માંગણી કરીએ છીએ કારણ કે તેઓ અમને પૈસા નથી આપી રહ્યા. જો તેઓ પૈસા આપે તો અમે તેમની સામે ચૂપ રહીશું. જો કે તેમણે વિવાદીત નિવેદન પછી તરત જ સ્પષ્ટતા કરી હતી કે પહેલા અદાણી અને અંબાણીને પૈસા મોકલવા દો પછી કોંગ્રેસ નક્કી કરશે કે તેણે ચૂપ રહેવું કે નહીં.
ઈડી અને સીબીઆઈની તપાસનાં સંદર્ભમાં જ્યારે અધીર રંજનને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ઈડી – સીબીઆઈની તપાસથી કશો ફરક નથી પડતો. ઈડી મૂર્ખ છે જે પીએમ મોદીની દિશામાં દોડી રહ્યું છે.