ગુજરાતનું ગૌરવ વધાર્યું : ક્વોલિફાઇ થનારી અમદાવાદની માના પટેલ દેશની પ્રથમ મહિલા બેકસ્ટ્રોક સ્વિમર બની
21 વર્ષની માનાને 2019માં ઘૂંટણમાં ઈજા પહોંચી હતી અને આ વર્ષે જ તેણે કમબેક કર્યું
માના પટેલ ઉપરાંત અન્ય બે પુરુષ સ્વિમર ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ
માના ઉપરાંત ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ થનારા અન્ય બે સ્વિમર શ્રીહરિ નટરાજ અને સજન પ્રકાશ છે. યુનિવર્સિટી ક્વોટા એક પુરુષ અને એક મહિલા પ્રતિસ્પર્ધીને ઓલિમ્પિકમાં ભાગ લેવાની મંજૂરી આપે છે. પોતાના સિલેક્શન વિશે ઓલિમ્પિક્સ.કોમ સાથે વાત કરતાં માના જણાવે છે કે હું ખૂબ જ આનંદ અનુભવી રહી છું. મેં મારા સાથી સ્વિમર્સ પાસેથી ઓલિમ્પિક્સ વિશે સાંભળ્યું છે અને ટીવી પર જોયું છે અને ઘણા ફોટો જોયા છે, પરંતુ આ વખતે ત્યાં રહીને દુનિયાના બેસ્ટ સ્વિમર્સ સાથે સ્પર્ધા કરવાની વાતથી મારા રૂંવાડાં ઊભાં થઈ જાય છે.
કેન્દ્રીય સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજિજુએ ટ્વિટ કરી શુભેચ્છા પાઠવી
ગુજરાતની જાણીતી 21 વર્ષીય આંતરરાષ્ટ્રીય સ્વિમર માના પટેલે દેશભરમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તે આગામી ટોક્યો ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. મૂળ અમદાવાદની માના પટેલ જાપાન ઓલિમ્પિકમાં 100 મીટર બેકસ્ટ્રોકમાં ભાગ લેશે, જ્યાં તે દેશનું નામ રોશન કરશે. માના પટેલ અગાઉ 2015માં ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ પણ મેળવી ચૂકી છે. માના પટેલ અત્યારસુધી એક ગોલ્ડ મેડલ અને ચાર સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ચૂકી છે. માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરનાર દેશની પ્રથમ મહિલા બની ગઈ છે. આ સિવાય તે એવી માત્ર ત્રીજી ભારતીય છે જેને ઓલિમ્પિક માટે આ રમતમાં કેટેગરીમાં ક્વોલિફાઇ કર્યું છે. ભારતની બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલે ભારતીય મહિલાઓના સ્તર પર મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતના સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજિજુએ પણ માના પટેલની આ ઉપલબ્ધિ અંગે ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યાં છે.