તમે મળ્યાં ને હૃદય લીલું લીલું ઝૂલે છે,
અસલ આ ભોંય હતી સીમની-ખરાબાની
પારાવાર પ્રિય જિંદગી,
પતંગિયામાં રહેલાં સઘળા રંગોની સુંદરતા, કોયલનાં ટહુકામાં વેરાયેલાં પ્રેમનાં પ્રગટીકરણનાં એંધાણ, દિલમાં પ્રગટતા દીવડાઓનો તેજ પ્રકાશ, સ્પર્શથી અનુભવાતા કરોડો સૂરજમુખીનાં ફૂલની પાંખડીઓની અણિયાળી માદકતાનો કેફ તથા આંખમાં આંજી દીધાં બાદ પણ લાખોની સંખ્યામાં બાકી બચેલાં સપનાઓનો સરવાળો એટલે તું… તારી હૈયાની હાટડીનો હિસાબ માંડું છું ત્યારે અનુભવું છું કે હું કેટલો હર્યોભર્યો છું! નરસિંહ મહેતાની મીઠી સજાગતા જેમ જ ” જાગીને જોઉં તો જગત જિંદગીમય અને ઊંઘમાં પણ તારા અનર્ગળ પ્રેમનો ઉજાસ જ ઉજાસ… લાગણીઓની લહેરો લાગલગાટ મારી અંદર તરંગો જેમ લહેરાય છે.
જિંદગી! તું સૂર્યનાં પહેલાં કિરણનું સૌમ્ય તેજ છે… તું મારાં મધ્યાહનના ધોમધખતા તાપમાં તલ્લકછાંયામાં લહેરાતી પવનની લહેર છે અને તું જ સાંજના આછેરા અંધારે ઉતરી મારી ભીતર ઓગળતી ઉષાની લાલિમા છે. તારા કપાળ પર શોભતી નાનકડી બિંદીમાં હું મારાં ચહરાને અને મારાં હોવાપણાને ખોળવા મથું છું એ જ ઘડીએ હું મને તારા ઉપરના બે દાંત વચ્ચેની ખાલી જગ્યામાં મળી આવું છું, પછી મને જિંદગીનામનો અર્થ સમજાઈ જાય છે. જિંદગી! તું મારાં હૃદયની હૂંફ છે.
અકળામણનાં ઠંડા પવન જયારે મારાં ઉપર આક્રમણ કરી બેસે છે ત્યારે તારું મારામાં હોવું મને અતિશય હૂંફાળી શીતળતા આપી જાય છે. તું મને વારે વારે સપનાઓની કુંજગલીમાં લઈ જાય છે અને પ્રેમથી બોલે છે; “આ બધાં અઢળક પડેલાં સપનાઓને આપણે જીવવાના છે અને સાચા પાડવાના છે. ” ત્યારે હું આનંદથી છળી પડી, હરખથી આંખો ભીની કરી મારાં ભગવાનની આ દિવ્ય લીલાથી અભિભૂત થઈ, લીન થઈ જાઉં છું. ટચાક દઈ દુ:ખની કમર મચકોડી તું મને સુખના આગમનની એંધાણી બતાવે છે ત્યારે મને તારા ઓવારણાં લેવાનું, તારા ચરણને ચૂમવાનું મન થઈ આવે છે.
ઓવારણાં લેવા અને ચરણ ચૂમવા એ મારાં સમર્પણનું અંતિમ ચરણ છે. જિંદગી! તારા માટે લખાયેલાં એકેએક અક્ષર મારાં માટે તો સાક્ષાત્ બ્રહ્મ છે. હું એ અક્ષરોને, શબ્દોને ખોળામાં બેસાડી વહાલ કરું છું… એની સાથે ગોઠડી માંડી તને જીવવાની અને જીતવાની તરકીબ શીખું છું… કારણ કે હવે મને તારા કે મારામાં કશો જ ભેદ નથી લાગતો. સઘળું જિંદગીમય છે, તેજોમય છે. મને આ તેજનું સરનામું પણ તારા થકી જ પ્રાપ્ત થયું છે. તારા સાંનિધ્યથી જ મારામાં જે રીતે વીજળી ગતિ કરે એમ પ્રેમ ગતિ કરી રગરગમાં રોશની ફેલાવે છે. મારી પાસે તને ભેટ આપવા માટે નિર્મળ પ્રેમ અને સમર્પણ સિવાય બીજું કશું જ નથી. તું એનો પ્રેમથી સ્વીકાર કરી આનંદિત થઈ ઊઠે એટલે મને જીવવા જેવું લાગે છે. જિંદગી! તું મારાં શ્વાસનું સરનામું છે… તું મારાં હૈયે ઝૂલતું સુંવાળું મોરપિચ્છ છે જેના આધારે હું પ્રેમને પામી શકું છું…
તને સતત શ્વસતો…
જીવ.
(શીર્ષકપંકિત:- મનોહર ત્રિવેદી)