ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રની ખ્યાતનામ બી. ટી. સવાણી કિડની હોસ્પિટલના સફળતાપૂર્વક 21 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે હેમુ ગઢવી હોલમાં એક સમારંભનું આયોજન કરવામાં હતું. સમારંભના મુખ્ય મહેમાન રમેશભાઈ ટીલાળા (ધારાસભ્ય રાજકોટ 70) હતા અને આ પ્રસંગે મોલેશભાઈ ઉકાણી, અરવિંદભાઈ પટેલ, કેતનભાઇ મારવાડી, હરેશભાઈ વોરા, પ્રભુદાસભાઈ પારેખ, ડો. ભરત કાકડીયા અતિથિ વિશેષરૂપે હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મેનેજિંગ ટ્રસ્ટી ડો. વિવેક જોશીએ હોસ્પિટલના 21 વર્ષની ઉપલબ્ધિઓ વિસ્તારપૂર્વક વર્ણવી. અદ્યતન ડાયાલિસિસ વિભાગ, આધુનિક લેબોરેટરી અને કિડની ટ્રાન્સપ્લાન્ટ વિભાગ ખાસ ધ્યાન ખેંચે તેવા રહ્યા. 22માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે ટૂંકા ગાળામાં 22 કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂરા કર્યાની જાણકારી પણ આપી હતી. ડો. વિવેક જોશીએ જણાવ્યું કે બી. ટી. સવાણી હોસ્પિટલ ગુજરાત અને ભારતમાં નામના ધરાવતું શૈક્ષણિક સંકુલ બની રહ્યું છે જેમાં યુરોલોજી, નેફ્રોલોજી, નર્સિંગ કોલેજ વગેરે જેવી શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ છે. બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ ભારતમાં હોસ્પિટલ માટેની સર્વોચ્ચ ધારાધોરણ એન. એ. બી. એચ. ધરાવતી એકમાત્ર ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ છે. સંસ્થાના હાલના ચેરમેન જયંતીભાઈ ફળદુએ હોસ્પિટલનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ કિડની ટિવન ટાવર વિશે માહિતગાર કર્યા અને જણાવ્યું કે આ પ્રકારનું વિશ્ર્વભરનું એકમાત્ર બિલ્ડીંગ બનશે જેનો ઉપયોગ હેલ્થ એજ્યુકેશન, કિડનીના રોગો અને તમામ રોગોનો રોકધામ (પ્રિવેનશન) અને સંશોધન (રિસર્ચ) માટે કરવામાં આવશે જેના માટે 11 કરોડ રૂપિયાનું માતબર પણ મળ્યું છે.
સમારંભના અધ્યક્ષ રમેશભાઈ ટીલાળાએ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓમાં અભિનંદન આપી અને હોસ્પિટલમાં ઉત્થાન માટે અંગત રીતે અમને સરકાર તરફથી મદદની ખાતરી આપી હતી. આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ એવા સાંઈરામ દવેએ ઉપસ્થિત લોકોને મધરાત સુધી પેટ પકડીને મુક્તમને હસાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો. વિશાલ ભટ્ટ અને સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
રાજકોટની બી.ટી. સવાણી કિડની હોસ્પિટલના સફળતાના 21 વર્ષ પૂર્ણ: સમારંભ કાર્યક્રમ યોજાયો



