“તમે આ શું કરો છો ? સામાન મને આપો અથવા કોઈને બોલાવી લો, દેશના વડાપ્રધાન આ રીતે સામાન ઉપાડે એ મને યોગ્ય નથી લાગતું” શાસ્ત્રીજી એ હસતાં હસતાં કહ્યું, “મામાજી, હું વડાપ્રધાન તો પછી બન્યો પણ તમારો ભાણેજ તો પહેલેથી જ છું, મને આ સેવા કરવાની તક આપો.”
-શૈલેષ સગપરિયા
ભારતનાં ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીના જીવનનો આ પ્રસંગ છે. શાસ્ત્રીજીના મામા પુરુષોત્તમલાલ એકવાર શાસ્ત્રીજીના મહેમાન બન્યા હતા. શાસ્ત્રીજી એ વખતે ભારતના વડાપ્રધાન હતા. મામાજીને વડાપ્રધાને એમના નિવાસસ્થાન પર જ રાખ્યા હતા. મથુરામાં જન્માષ્ટમીના તહેવારની અતિ ભવ્યતાથી ઉજવણી થાય છે. પુરુષોત્તમલાલને કૃષ્ણજન્મોત્સવનો લાભ લેવા માટે મથુરા જવું હતું.
- Advertisement -
દિલ્હીથી મથુરા જવા માટે વહેલી સવારની ટ્રેન હતી. પુરુષોત્તમલાલના બહેન એટલે કે લાલબહાદુર શાસ્ત્રીજીના માતા રામદુલારીજીએ એમના ભાઈ માટે ફળિયામાં ખાટલો ઢળાવ્યો હતો કારણ કે ભાઈને ખુલ્લામાં સુવું વધુ ગમતું હતું. પુરુષોત્તમલાલ તો વહેલી સવારે જાગી ગયા. બંગલામાં જઇને ફટાફટ તૈયાર થવાનું હતું પણ હજુ બીજુ કોઈ જાગ્યું નહોતું. પુરુષોત્તમલાલને ચિંતા થતી હતી કે હજુ કોઈ જાગ્યું જ નથી તો તૈયાર થઈને હું રેલવે સ્ટેશન કેવી રીતે પહોંચીશ.
બહેન રામદુલારી જાગી ગયા હતા. પુરુષોત્તમલાલે પોતાની ચિંતા બહેન આગળ વ્યકત કરી એટલે બહેને કહ્યું, “ભાઈ ચિંતા ન કરો તમારો ભાણેજ છે ને.” રામદુલારી લાલબહાદુર શાસ્ત્રાૃના રૂમ તરફ ગયા. શાસ્ત્રીજી માતા સાથી મામા પાસે આવ્યા અને કહ્યું, “તમે ફટાફટ તૈયાર થઈ જાવ હું ગાડીની વ્યવસ્થા કરાવું છું.” મામાજી તૈયાર થઈને રૂમમાં આવ્યા ત્યાં સુધીમાં શાસ્ત્રીજીએ મામાનો બધો જ સામાન પેક કરીને તૈયાર રાખ્યો હતો. મામા તૈયાર થઈને આવ્યા એટલે મામાનો સામાન શાસ્ત્રીજીએ જાતે ઉપાડયો અને ગાડી તરફ ચાલતા થયા.
દેશના વડાપ્રધાનને પોતાનો સામાન ઉપાડેલા જોઇને પુરુષોત્તમલાલને સંકોચ થયો. એમણે શાસ્ત્રીજીને કહ્યું, “તમે આ શું કરો છો ? સામાન મને આપો અથવા કોઈને બોલાવી લો. દેશના વડાપ્રધાન આ રીતે સામાન ઉપાડે એ મને યોગ્ય નથી લાગતું.” શાસ્ત્રીજી એ હસતાં હસતાં કહ્યું, “મામાજી, હું વડાપ્રધાન તો પછી બન્યો પણ તમારો ભાણેજ તો પહેલેથી જ છું. મને આ સેવા કરવાની તક આપો.”
- Advertisement -
આપણી પાસે પદ, પ્રતિષ્ઠા કે પૈસો આવે એ બહુ સારી વાત છે પણ એ આવતા પહેલાના જે સંબંધો હોય એ પદ, પૈસો કે પ્રતિષ્ઠાની પ્રાપ્તિ બાદ એવાને એવા જ રાખી શકીએ તો જીવનની મજા કંઈક જુદી જ છે. પોતાના લોકો પાસે હોદ્દાની ‘પાઘડી’ને ‘પા-ઘડી’ હેઠે મૂકતા શીખવું.