વિદ્યાર્થીનીના પિતાએ સી.ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ હાજીયાણી બાગ પાસે આવેલ સુરજ ફન વર્લ્ડમાં વિદ્યાર્થીઓનો પ્રવાસ આવ્યો હતો અને વિવિધ રાઇડોમાં બેસી આનંદ માણતા હતા ત્યારે ફન વર્લ્ડની એક રાઈડમાં વિદ્યાર્થીનીનો પગ દોરીમાં ફસાઈ જતા 10 ફૂટ ઉપર થી પડી જતા મૃત્યુ નીપજ્યું હતુ.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં આવેલ સુરજ ફન વર્લ્ડમાં પોરબંદર જિલ્લાના બાપોદર પ્રાથમિક શાળાનો પ્રવાસ આવ્યો હતો આ પ્રવાસમાં પાલીબેન માણસુરભાઇ રહે.બાયોદર, રાણાવાવની વિદ્યાર્થીની પણ આવી હતી જયારે સ્કૂલ પ્રવાસના વિદ્યાર્થીઓ અલગ અલગ રાઇડ માં બેસીને પ્રવાસનો આનંદ માણતા હતા ત્યારે પાલીબેન માણસુરભાઇ નામની વિદ્યાર્થીનીનો સુરજ ફનવર્ડમાં આવેલ મોન વોટર સ્લાઇડના રોપ (દોરડામાં) પગ ફસાઇ જતા દશેક ફુટ ઉપરથી નીચે પડતા માથાના ભાગે ગંભીર ઇજા થતા વિદ્યાર્થીનીનું મોત નિપજતા પરિવાર અને શાળાના વિદ્યાર્થીઓમાં શોક ફેલાયો હતો જે ઘટના સંદર્ભે વિદ્યાર્થીનીના પિતા માણસુરભાઇ નાથાભાઇ ટાપરીયાએ જૂનાગઢ સી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.