માણાવદરમાં રાષ્ટ્રિયકક્ષાના સેમિનારમાં શૈક્ષણિક અગ્રણીઓએ વિચારો રજૂ કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને માણાવદર કેળવણી મંડળના સંયુક્ત ઉપક્રમે નવી રાષ્ટ્રિય શિક્ષણ નિતી અને ભારતીય સાહિત્ય વિષય ઉપર રાષ્ટ્રિયકક્ષાનો સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે શૈક્ષણિક જગતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી પોતાના વિચારો વ્યક્ત કર્યા હતાં. આ સેમિનારમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડો.ચેતન ત્રિવેદીએ જણાવ્યુ હતું કે નવી રાષ્ટ્રિય શિક્ષણ નિતીનો હેતુ નવા સંશોધન કરવાનો છે. નવો અભ્યાસક્રમ એટલે એવી શિક્ષણ નીતિ કે જેમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવી છે. આ તકે માણાવદર કેળવણી મંડળના પ્રમુખ જેઠાભાઈ પાનેરાએ જણાવ્યુ હતું કે નવી રાષ્ટ્ર શિક્ષણ નીતિથી વિદ્યાથી જગતનો આર્થિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રે વિકાસ થશે. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. લલીત પટેલે નવી રાષ્ટ્રિય શિક્ષણ નિતીનો હેતુ શિક્ષણને ગુણવત્તાયુક્ત બનાવવાનો અને બધા માટે સમાન તકો સર્જવાનો હોવાનું જણાવ્યુ હતું. આ સેમિનારમાં વલ્લભવિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટીના પો.ડો.દિલીપ મહેરા, ડો.સુભાષ મહિલા કોલેજ જૂનાગઢના પ્રો.ડો.બલરામ ચાવડા, લોકસાહિત્યકાર અમુદાન ગઢવી સહિતના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં અને તેઓએ રાષ્ટ્રિય શિક્ષણ નિતી તેમજ ભારતીય સાહિત્ય અંગે વક્તવ્યો આપ્યા હતાં.