તાલાલામાં ચાર દાયકા બાદ બાબા રામદેવપીરનો સવરા મંડપ યોજાશે:ભાવિકો આનંદવિભોર
સ્થંભને વધાવવા ભાવિકોનો પ્રવાહ ઉમટ્યો:તા.9 મી સવારે 7:15 કલાકે શુભ ચોઘડિયે મંડપ ખડો થશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.1
સોરઠના સાંસદ રાજેશ ચુડાસમા,ગીર પંથકના ધારાસભ્ય ભગવાન બારડ,તાલાલા નગરપાલિકા પ્રમુખ ઉષાબેન લક્કડ,જીલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર,તાલુકા પંચાયત પ્રમુખ અનિલાબેન બારડ વિગેરે અગ્રીમ મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ગીરના પાટનગર તાલાલા શહેરમાં ચાલીસ વર્ષ બાદ બાબા રામદેવપીરનો સવરા મંડપનું ભવ્ય આયોજન થતાં તાલાલા વિસ્તારના શ્રધ્ધાળુ ભાવિકો આનંદવિભોર થઈ ગયા છે.
તાલાલા શહેરમાં સહકારી મીલના વિશાળ પરીસરમાં આઠ દિવસનો ધાર્મિક મહોત્સવ ઉજવાશે જેના અંતર્ગત રવિવારે સ્થંભ નું આગમન થતાં તાલાલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી અગણિત શ્રધ્ધાળુ ભાવિકોએ સ્થંભ ને ઉમળકાભેર વધાવ્યો હતો.આ પ્રસંગે ભાવિકોનો પ્રવાહ ઉમટ્યો હતો.તા.2 જીને બુધવારે સંપૂર્ણ ધાર્મિક વિધી પુજા,મહા આરતી સાથે સ્થંભ ની સ્થાપના થશે ત્યારબાદ તા.9 મી એપ્રીલ બુધવારે સવારે 7:15 શુભ ચોઘડિયે અસંખ્ય શ્રદ્ધાળુ ભાવિકો રામદેવપીર મહારાજના જય જય ઘોષ સાથે મંડપ ખડો થશે.આઠ દિવસના રામદેવજી ના સવરા મંડપ મહોત્સવનાં મહાયજ્ઞ ઉત્સવ દરમ્યાન એક લાખ થી પણ અધિક શ્રધ્ધાળુ ભાવિકો સવરા મંડપના દર્શન કરી ધર્મલાભ પ્રાપ્ત કરશે.તા.8 મીને મંગળવારે રાત્રે સંતવાણી નો ભવ્ય કાર્યક્રમ યોજાશે.તા.9 મીએ સવારે મંડપ ખડો થવાનાં અવસરે શરૂ થનાર મહા પ્રસાદી ના કાર્યક્રમમાં પધારનાર તમાંમ ભાવિકો માટે 900 કિલો ઘી,ગોળ અને લોટ માંથી પાંચ હજાર કિલો સુખડીનો મહાપ્રસાદ તૈયાર થશે.તાલાલા નગર સભા સેવા સમિતિ તથા તાલાલા સમસ્ત ગામ આયોજીત યોજાનાર આઠ દિવસના ધાર્મિક મહોત્સવ મહાયજ્ઞ માટે મીલના ગ્રાઉન્ડમાં અલગ સ્ટોલ સાથે સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ગામના તમામ સમાજના અગ્રણીઓ,પદાધીકારીઓના માર્ગદર્શન સાથે અગણિત સ્વયંસેવકો,યુવાનો જબરી જહેમત ઉઠાવી રહ્યા છે.