ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.2
હવે, ક્રિકેટ અને સટ્ટાનો સાથ ચોલી-દામન જેવો છે. ટ્વેન્ટી-20-20ના ફટાફટ ક્રિકેટ સાથે ફટાફટ સટ્ટાની બોલબાલા વધવા સાથે છેલ્લા 10 વર્ષમાં અકલ્પનિય બદલાવ આવ્યો છે. એક સમય હતો કે જ્યારે ક્રિકેટ સટ્ટો લેન્ડલાઈન ફોન ઉપર જ રમાતો હતો. બુકીઓ રેડિયો કોમેન્ટ્રી આધારે સટ્ટાના ભાવ નક્કી કરતાં હતાં અને કોઈ રહેણાંક કે ઓફિસમાં લેન્ડલાઈન ફોનની લાઈનો ઉપર નિશ્ચિત સટ્ટાશોખિનો માટે જ સટ્ટો બુક કરતાં હતાં. મેચ સમયે અને સિરિઝ પત્યા પછી શહેરના નિશ્ચિત સ્થળોએ એકત્ર થતાં અને હિસાબ કરતાં બુકીઓ પણ હવે સંપૂર્ણ ઓનલાઈન થઈ ગયાં છે.
વિતેલા 40 વર્ષથી ભારત બદલ્યું તે સાથે જ સટ્ટો પણ બદલ્યો છે. લેન્ડલાઈનથી ઓનલાઈન બનેલાં સટ્ટામાં 10 જ વર્ષમાં 500 ગણો વધારો થયો છે. અમદાવાદના જાણકાર બુકીઓ કહે છે કે, 2014માં કલગી યુગ ખતમ થયો તે સમયગાળો ઓનલાઈન સટ્ટાના આરંભનો હતો. આ પછી સતત બદલાવ વચ્ચે હાલમાં મોબાઈલ ફોન એપ્લિકેશનથી ક્રિકેટ સટ્ટો અનલિમિટેડ બની ગયો છે. એક સમયે અમદાવાદ અને મુંબઈના બુકીઓની સટ્ટા બજારમાં બુમ હતી. એ અરસામાં પણ સટ્ટાનું સંચાલન દુબઈ અને પાકિસ્તાનથી થતું હતું તેમ જુના બુકી અંદરખાને સ્વિકારે છે. ભારતમાં અંગ્રેજો આવ્યાં ને 1721ના અરસામાં ક્રિકેટ લાવ્યાં હતાં તેવું ઈતિહાસ કહે છે. જો કે, પહેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ 1844 પછી રમાઈ હતી. ભારતમાં અંગ્રેજો, ક્રિકેટ અને રજવાડાના વખતમાં ક્રિકેટની પણ અનેક કહાનીઓ છે. પરંતુ, ભારતમાં પહેલી ટેસ્ટ મેચ 1932માં રમાઈ હતી. પણ ભારતમાં ક્રિકેટ સટ્ટાની આયોજનપૂર્વકની શરૂઆત 1950 પછી થઈ હોવાનું બૂકી બજારના સૂત્રો ટાંકે છે. એ સમયે ગુજરાત અને મુંબઈ ક્રિકેટ સટ્ટાના મુખ્ય કેન્દ્ર હતાં. એ સમય એ હતો કે જ્યારે, ક્રિકેટ સ્કોરની જાણકારી માટે રેડિયોને આધિન રહેવું પડતું હતું. ભારત કે પાકિસ્તાનમાં મેચ હોય તો ઓલ ઈન્ડિયા રેડિયો, ઈંગ્લેન્ડમાં હોય તો બીબીસી પકડવું પડતું, ઓસ્ટ્રેલિયા સ્ટેશન ઉપર પણ રનિંગ કોમેન્ટ્રી આવતી હતી. બુકીઓ આ રીતે ટેસ્ટ મેચ ક્રિકેટના સ્કોર જાણતાં હતાં અને સટ્ટો રમાડતાં હતાં. સટ્ટો રમનારાં નિશ્ચિત સંખ્યાના અને નિયમીત ગ્રાહકો ફોન કરે એટલે બુકી ભાવ અને સ્કોર આપતાં હતાં તેના ઉપર વિશ્વાસ કરવો પડતો હતો.
આ ટેલીફોન લાઈન ક્રિકેટ સટ્ટાનો યુગ હતો.
- Advertisement -
ક્રિકેટ સટ્ટાનું વાર્ષિક ટર્નઓવર 3 લાખ કરોડથી વધુનો અંદાજ
નવી ટેકનોલોજી સાથે ઈલેક્ટ્રોનિક બની ચૂકેલા સટ્ટામાં કેટલી એપ્લિકેશનો છે તેનો હિસાબ માંડવો જ મુશ્કેલ છે. તો, કેટલા રમનારાં હશે તે બાબત તો આભમાં તારા ગણવા જેવી છે. છતાં, બુકી બજાર કહે છે કે, આઈપીએલની દરેક મેચ ઉપર 500 કરોડથી વધુનો સટ્ટો રમાય છે અને ભારતમાં ક્રિકેટ સટ્ટાનું વાર્ષિક ટર્નઓવર 3 લાખ કરોડથી વધુનું અંદાજવામાં આવે છે. અબજો રૂપિયાના ખેલવાળા સટ્ટાબજારની અમુક જુની વાતો પણ મજાની છે.
બુકીઓ પ્રાઈવેટ સેટ-ટોપ બોક્સ મેળવતાં હતાં
1990 પહેલાંના અરસામાં ટી.વી.ની પૂર્ણરૂપે એન્ટ્રી થતાં લાઈવ ટેલિકાસ્ટની શરૂઆત થઈ ચૂકી હતી. એક સમયે ધાબા ઉપર વિશાળ ડીશ લગાવીને મેચ જોનારો એક વર્ગ હતો. ફ્રી – ટુ – એર મેચ જોવા માટે 16 ફૂટ વ્યાસની સૌથી મોટી ડીશ, સ્પેશિયલ પિલર મુકીને નાંખવી પડતી હતી. આ પછી સેટ-ટોપ બોક્સનો જમાનો આવ્યો હતો. ઈએસપીએન અને સ્ટાર સ્પોર્ટસ- કેબલવાળાની એન્ટ્રી પડી હોવાથી 50-100 કનેક્શન છે તેવું બતાવીને પણ બુકીઓ પ્રાઈવેટ સેટ-ટોપ બોક્સ મેળવતાં હતાં. આ રીતે મેચ લાઈવ જોઈને સટ્ટો બૂક કરતાં બુકીઓ માલમાલ થયાં હતાં. આ પછી, ઈન્ટરનેટનો જમાનો આવ્યો. ડીશ-ટીવી ગયાં. એચ.ડી. વર્ઝનમાં પ્રસારણ એક-બે બોલ મોડું આવતું હોવાથી ગ્રાઉન્ડ લાઈનની એન્ટ્રી થઈ. ગ્રાઉન્ડ ઉપરથી બુકીનો ખાસ માણસ મોબાઈલ ફોન દ્વારા સ્કોર- કોમેન્ટ્રી આપતો હતો. લાઈવ સ્કોર આપનાર વ્યક્તિ બુકીના ક્ધટ્રોલ રૂમથી પણ કનેક્ટ રહેતો હતો અને ક્ધટ્રોલ રૂમ સાથે સટ્ટો નોંધવા માટેની ફોનલાઈનો ધમધમતી. હવે તો, એક પણ ક્ષણના વિલંબ વગર મેચ જોવા માટે બુકીઓ સ્પેશિયલ લાઈન મેળવીને સીધું જ લાઈવ ટેલિકાસ્ટ જોઈને સટ્ટો બુક કરતાં થયાં છે. બુકીઓ એવી ચાલાકી કરે છે કે, લાઈવ દરમિયાન પોતાના માટે નુકસાનીની સ્થિતિ દેખાય તો થોડો સમય માટે સટ્ટાબુકીંગ ટાળે છે.
ક્રિકેટ સટ્ટાના ફોરમેટમાં પણ ધરમૂળથી બદલાવ આવી ગયો
બુકી બજાર વિતેલા પાંચ દાયકામાં લેન્ડલાઈન ટેલિફોન, ઈન્ટરનેટ, ડીશ ટીવી પછી હવે મોબાઈલ ફોન એપ્લિકેશનના યુગમાં છે. ટેસ્ટ મેચો પછી 1971થી વન-ડે મેચો બાદ વર્ષ 2003થી 20-20 મેચો અને 2008થી આઈપીએલ શરૂ થઈ ત્યારથી ક્રિકેટ સટ્ટાના ફોરમેટમાં પણ ધરમૂળથી બદલાવ આવ્યો છે. ખાસ ક્રિકેટ સટ્ટા એપ્લિકેશનની આઈડીથી મોબાઈલ ફોન, લેપટોપ, ટેબલેટ, મોબાઈલ ફોનથી લાઈવ સટ્ટો રમાવા લાગ્યો છે. ફટાફટ એટલે કે 20-20 ક્રિકેટ સાથે ફટાફટ સટ્ટાનો યુગ આવ્યો છે. ખાસ તો વર્ષ 2014માં કલગી યુગ ખતમ થયો તે પછી સટ્ટાનું સુકાન બદલાવા સાથે ઓનલાઈન સટ્ટો અનલિમિટેડ બન્યો છે. આથી જ, 2014થી 2024ના વિતેલા એક જ દશકામાં ક્રિકેટ સટ્ટામાં 500 ગણો વધારો થયો હોવાનું બુકી બજારના સૂત્રો કહે છે.