ફોરટ્રેક રોડનું લોકાર્પણ થયુ નથી છતાં વાહનો પુરપાટ ઝડપે દોડે છે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં ગઇકાલે વંથલીથી વડાલના નવા બાયપાસ પર ડમ્પર અને ટેમ્પો ટ્રાવેલર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રાધેશ્યામ દયારામ ગુપ્તા (ઉ.વ.75)નું અકસ્માતમાં મૃત્યુ થયુ હતુ. અન્ય સાત લોકોને ઇજાઓ થવા પામી હતી. અકસ્માતના બનાવને લઇને વંથલી પોલીસ સ્ટેશનમાં રાધાબેન મહાવિરજી રાધેશ્યામ ગુપ્તા રહે.રાવત ભાટા રાજસ્થાનની મહિલાએ ડમ્પર ચાલક વિરૂઘ્ધ ગુનો નોંધવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ-વંથલીથી વડાલ સુધીનો નવા બાયપાસનું કામ ચાલી રહ્યુ હોય જેના લીધે છેલ્લા ર0 દિવસમાં પાંચ અકસ્માતો સામે આવ્યા છે. બહારથી અન્ય રાજયોના યાત્રીકો સોમનાથ દર્શન કરવા આવે છે ત્યારે નવા બાયપાસ રોડ પર વાહન લઇને નિકળે છે.
ત્યારે હજુ રોડનું કામ અધુરૂ હોય ત્યારે ડમ્પર ચાલકો રોંગસાઇડ ચાલતા હોય છે. જેના લીધે અકસ્માતો થઇ રહ્યા છે. કોયલીના સંજયભાઇ મેરૂભાઇ કોડવાલાએ જણાવ્યુ હતુ કે, હજુ નવો બાયપાસ શરૂ નથી થયો ત્યારે અન્ય ખાનગી વાહનોનો પ્રવેશ આપવાથી અકસ્માતો સર્જાય છે. હાલ ફોરટ્રેક રોડનું કામ ચાલી રહ્યું છે. જેના લીધે અજાણ્યા વાહન નવા બાયપાસ રોડ પર આવી ચડે છે. અને અકસ્માતો સર્જાય છે. આ ફોરટ્રેક રોડનું લોકાર્પણ થયુ નથી. છતાં અનેક વાહન ચાલકો પુરપાટ ઝડપે દોડતા જોવા મળે છે. જેના લીધે આસપસના ગામના ખેડૂતોને પણ ડર લાગે છે. જયાં સુધી વંથલી-વડાલ ફોરટ્રેક રોડનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી અન્ય વાહનોને પ્રવેશ આપવો ન જોઇએ.