-સરળ કાયદા અને પારદર્શક નીતિને કારણે ભારત તરફ વિદેશી ઈન્વેસ્ટરોનો ઝુકાવ વધી રહ્યાનો દાવો

વિશ્વની ટોચની આઈફોન કંપની એપલે ભારતમાંથી પ્રથમ વખત એક મહિનામાં એક અબજ ડોલર કરતા વધુનાં ફોનની નિકાસ કરી છે અને આવતા મહિનાઓમાં આ સંખ્યા હજુ વધશે. વિશ્વમાં વેંચાતા આઈફોનમાંથી 25 ટકા ‘મેઈડ ઈન ઈન્ડિયા’ હશે તેવો દાવો કેન્દ્રીય વ્યાપાર મંત્રી પિયુષ ગોયેલે કર્યો છે.

તેઓએ કહ્યું કે એપલ ભારતમાં ઉત્પાદન વધારવા માંગે છે. પારદર્શક સરકારી નિતી અને સરળ કાયદાને કારણે વિદેશી ઈન્વેસ્ટરોનો ભારત તરફ ઝુકાવ વધી રહ્યો છે. એપલ કુલ ઉત્પાદનમાં 5 થી 7 ટકા ભારતમાં ઉત્પાદન કરે છે અને આ ટકાવારી વધારીને 25 ટકા કરવાનો તેનો લક્ષ્યાંક છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ભારતીય અર્થતંત્રને નવી પાંખો આપવા માટે રોકાણ ઈન્ફ્રાસ્ટ્રકચર સાર્વત્રીક વિકાસ અને આંતર રાષ્ટ્રીય આયોજનની નીતિ જાહેર કરી હતી.વિકસીત દેશો સ્લોડાઉનનો સામનો કરી રહ્યા છે ત્યારે સમગ્ર વિશ્વમાં ભારતનુ અર્થતંત્ર સર્વાધિક પ્રગતિ હાંસલ કરી રહ્યું છે.ભારત જેવડુ મોટુ માર્કેટ વિશ્વમાં અન્ય કયાંય નથી અને સૌથી વધુ તક ભારતમાં જ ઉપલબ્ધ છે.