જૂનાગઢ નેત્રમ શાખાએ વધુ એકવાર સિદ્ધિ પ્રાપ્ત કરી: 4 વર્ષમાં 20 શ્રેષ્ઠ એવોર્ડ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવામાં જૂનાગઢ નેત્રમ શાખાને 15મી વખત પ્રથમ નંબરનો એવોર્ડ આપી કુલ 20માં એવોર્ડથી સન્માનીત કરતા ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે નેત્રમ શાખા પીએસઆઇ પ્રતીક મશરૂ અને તેમની ટીમે વધુ એક એકવાર સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જેને રેન્જ આઇજી નિલેશ જાંજડીયા અને ઇન્ચાર્જ એસપી ભગીરથસિંહ જાડેજાએ બિરદાવીને અભિનંદન આપેલ હતા.
- Advertisement -
જૂનાગઢ હેડ ક્વા. ડીવાયએસપી એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પ્રતિક મશરૂ અને 26 પોલીસ સ્ટાફ તથા એન્જીનીયરો 24*7 ફરજ બજાવે છે. અને અનેક એવા ભેદ ઉકેલવાની સાથે અરજદારોના ગુમ થયેલ કિંમતી સામાન અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે રોકડ રૂપિયા અને સોનુ – ચાંદી સહીત વસ્તુઓને ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી ઉત્કૃષ્ઠ કામગીરી બદલ રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્રારા નેત્રમ શાખાને 20મી વખત એવોર્ડ આપી સન્માનીત કર્યા હતા. વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત કુલ 15 વખત કામગીરીનું મૂલ્યાંકન કરી એવોર્ડ આપવામાં આવેલ છે જેમાં બનાવના ભેદ ઉકેલાવાની કેટેગરીમાં 15મી વખત પ્રથમ નંબરનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ તથા અગાઉ 14 વખત બનાવના ભેદ ઉકેલાવાની કેટેગરીમાં જૂનાગઢ નેત્રમ શાખાની સમગ્ર ટીમ દ્રારા ગુજરાતમાં પ્રથમ નંબર મેળવેલ છે તેમજ 3 વખત ઇ -ચલણની કામગીરીમાં નંબર મેળવેલ છે, અને 2 વખત ઇ-કોપ એવોર્ડ મેળવેલ છે અને જૂનાગઢ પોલીસને ગર્વ અપાવેલ છે.
વર્ષ એપ્રીલ – 2021 થી ડિસેમ્બર – 2024 સુધી સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી જૂનાગઢ પોલીસ દ્રારા કુલ 1898 કેસના બનાવનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે જે 1898 કેસો પૈકી 1844 કેસો જૂનાગઢ જિલ્લાના અને 54 જેટલા કેસો રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, દેવ ભુમી દ્રારકા, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને સુરતમાં બનેલ બનાવનો ભેદ જૂનાગઢ નેત્રમ શાખા દ્રારા ઉકેલાયેલ છે અને કુલ રૂ. 8,37,74,015/- (આઠ કરોડ સાડત્રીસ લાખ ચીમોતેર હજાર પંદર) નો મુદામાલ રીકવર કરી પ્રજાને સુપરત કરેલ છે.