મહાકુંભ જઈ રહેલાં છત્તીસગઢના 10 શ્રદ્ધાળુનાં મોત
પ્રયાગરાજમાં બોલેરો બસ સાથે અથડાઈ, મૃતદેહો કાઢવામાં અઢી કલાક લાગ્યા, 19 ઘાયલ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પ્રયાગરાજ
યુપીના પ્રયાગરાજમાં શુક્રવારે ગઈ મોડીરાત્રે લગભગ 2.30 વાગ્યે બોલેરો એક બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત, 19 ઘાયલ થયા હતા. જીવ ગુમાવનારા તમામ લોકો બોલેરો કારમાં સવાર હતા. તેઓ છત્તીસગઢના કોરબા જિલ્લામાંથી મહાકુંભમાં જઈ રહ્યા હતા. આ અકસ્માત પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઈવે પર મેજા વિસ્તારમાં થયો હતો. બધા મૃતકો બોલેરોમાં મુસાફરી કરી રહ્યા હતા, જ્યારે બસના મુસાફરો ઘાયલ થયા હતા. બસ પ્રયાગરાજથી મધ્યપ્રદેશ જઈ રહી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બોલેરોનો આગળનો ભાગ તૂટી ગયો. ભક્તો રસ્તા પર ફેંકાઇ ગયા. કોઈનો હાથ ભાંગી ગયો હતો તો કોઈનું માથું ફાટી ગયું હતું. ઘણા લોકો બોલેરોમાં ફસાઈ ગયા. બોલેરોમાંથી મૃતદેહો કાઢવામાં અઢી કલાક લાગ્યા હતા. કમિશનર તરુણ ગાબા અને ડીએમ રવિન્દ્ર કુમાર મંધડ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. એસપી યમુનાપર વિવેક યાદવે જણાવ્યું હતું કે બોલેરોમાં સવાર બધા મુસાફરો પુરુષો હતા. બોલેરોની ગતિ ખૂબ જ વધારે હતી. બસના ડ્રાઈવરે બ્રેક લગાવી, પણ બોલેરો ટ્રક સાથે સામસામે અથડાઈ ગઈ. મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. ઘાયલોને રામનગર સીએચસીમાં દાખલ કરવામાં આવ્યા છે. કારને ગેસ કટરથી કાપવામાં આવી હતી. ત્યાર બાદ જ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ઘણા મૃતદેહોને ખરાબ રીતે નુકસાન થયું હતું. પોલીસે બેગમાંથી મળેલા આધાર કાર્ડ પરથી બે મૃતદેહોની ઓળખ કરી હતી, ઈશ્ર્વરી પ્રસાદ જયસ્વાલ અને સોમનાથ દરી તરીકે તેમની ઓળખ થઈ છે.
કુંભમાંથી પરત ફરી રહેલાં ગુજરાતીઓને કાળ ભેટ્યો: પતિ-પત્ની સહિત 4નાં મોત
- Advertisement -
લીમખેડા હાઇવે પર ઊભેલી ટ્રક સાથે ટ્રાવેલર અથડાઈ, 5થી વધુ ઈજાગ્રસ્ત
ખાસ-ખબર ન્યૂઝ દાહોદ
લીમખેડાના પાલ્લી ગામ નજીક હાઈવે પર શુક્રવારે(14 ફેબ્રુઆરી) મોડીરાત્રે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રયાગરાજ કુંભમેળામાંથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ટાટા વિંગર ટ્રાવેલર ગાડી (GJ-05-CW-2699) રસ્તા પર ઊભેલી ટ્રક (UP-53-FT-0167) સાથે ધડાકાભેર અથડાતાં અંકલેશ્ર્વર અને ધોળકા વિસ્તારના ચાર શ્રદ્ધાળુનાં કરુણ મોત નીપજ્યાં છે, જેમાં પતિ-પત્નીનો પણ સમાવેશ થાય છે. જ્યારે પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં દેવરાજસિંહ લાખાભાઇ નકુમ (ઉં.વ. 47. રહે, સાંઇનાથ રેસિડેન્સી જી.આઇ.ડી.સી. અંકલેશ્ર્વર), જશુબા દેવરાજભાઇ નકુમ (ઉં.વ. 49. રહે, સાંઇનાથ રેસિડેન્સી જી.આઇ.ડી.સી. અંકલેશ્ર્વર), સિદ્ધરાજસિંહ જિતેન્દ્રસિંહ ડાભી (ઉં.વ. 32. રહે, જવારજ, ધોળકા), રમેશગિરિ પ્રતાપગિરિ ગોસ્વામી (ઉં.વ. 47. રહે, નાની બોરુ, ધોળકા)નો સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિયલમાં ખેસડાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે તથા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીમખેડા ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાને કારણે મૃતકોનાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આધ્યાત્મિક યાત્રાથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુ પરિવારો માટે આ ઘટના અત્યંત દુ:ખદ બની રહી છે.