જૂનાગઢ SOGનો સપાટો : 3 ગોડાઉનમાંથી દરોડા પાડ્યાં હતા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ એસઓજીની ટીમે વધુ એક વખત સપાટો બોલાવી દીધો છે. જૂનાગઢનાં બિલખામાં આવેલા 3 ગોડાઉનમાં એસઓજીની ટીમે દરોડા પાડ્યાં હતાં અને અહીંથી 41807 કિગ્રા ચોખા, 14890 કિગ્રા ઘઉંનો જથ્થો મળી કિંમત રૂપિયા 10,35,490નો બીનઅધિકૃત અનાજનો જથ્થો પકડી પાડ્યો હતો અને ગોડાઉનનાં માલીક સામે કાર્યવાહી કરી હતી. જૂનાગઢ એસઓજીએ તાજેતરમાં બાંટવામાંથી બીનઅધિકૃત અનાજનો જથ્થો પકડ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં અનાજનું ગેરકાયદેસર વેચાણ કરતા શખ્સો સામે કાર્યવાહી કરવા એસપી રવિ તેજા વસામસેટ્ટીએ સુચના આપી હતી.જેના પગલે એસઓજીનાં પીઆઇ એ.એમ.ગોહિલ અને પીએસઆઇ જે.એમ.વાળા અને સ્ટાફ દ્વારા બીનઅધિકૃત અનાજનું વેચાણ કરતા શખ્સોને પડકી પાડવા કવાયત હાથ ધરી છે. ત્યારે એસઓજીનાં શૈલેન્દ્રસિંહજી સિસોદીયા અને સ્ટાફને બાતમી મળી કે બિલખાનાં બગસરા રોડ પર ભલગામ માધવમીલનાં ગોડાઉન, નવાગામ જૂનાગઢ રોડ પર છેલૈયા ધામ પાસે આવેલા ગોડાઉન અને ઉમરાળા રોડ જામા મસ્જીદ પાસે આવેલા યા અલ્લા લખેલા ગોડાઉનમાં બીનઅધિકૃત અનાજનો જથ્થો રાખેલો છે. બાતમીનાં આધારે એસઓજીની ટીમે દરોડા પાડ્યાં હતાં. ત્યારે અમીન જીકરભાઇ ચોટલીયા અને ઇમ્તીયાઝ જીકરભાઇ ચોટલીયાનાં ગોડાઉનમાંથી ચોખાનો જથ્થો 37607 કિગ્રા, ઘઉંનો જથ્થો 2925 કિગ્રા, મયુર હરેશભાઇ સોલંકીનાં ગોડાઉનમાંથી ચોખાનો જથ્થો 75600 કિગ્રા, ઘઉંનો જથ્થો 5400 કિગ્રા તથા સાજીદ રજાકભાઇ ચૌહાણનાં ગોડાઉનમાંથી ઘઉંનો જથ્થો 6565 કિગ્રા મળી આવ્યો હતો. એસઓજીની ટીમે કુલ ચોખાનો જથ્થો 41807 કિગ્રા અને ઘઉંનો જથ્થો 14890 કિગ્રા મળી કુલ કિંમત રૂપિયા 10,35,490નો બીલ વગરનો બીનઅધિકૃત અનાજનો જથ્થો પડકી પાડ્યો હતો.અને બીલખા પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.