સોરઠ પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલ સવાર મેઘરાજાની પધરામણી થઇ હતી અને મેઘરાજા દિવસ ભર મન મૂકીને વરસ્યા હતા. જિલ્લામાં સાર્વત્રિક 1 થી 6 ઇંચ વરસાદ વરસતા નદીઓમાં ઘોડાપુર જોવા મળ્યા હતા અને અનેક ડેમો ઓવરફ્લો સાથે નવા નીરની અવાક થઇ હતી.
- Advertisement -
જિલ્લાના માળીયા હાટીના, કેશોદ, વિસાવદર પંથકમાં 4 થી 6 ઇંચ વરસાદ પડતા જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. જયારે કેશોદના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી ગયા હતા જયારે નોળી અને ઓઝત નદીમાં પૂર આવ્યા હતા જેમાં એક મહિલા ઉતાવળી નદી પસાર કરતા એ સમયે તણાઈ હતી જયારે આ મહિલાનો વિડિઓ વાઇરલ થતા એનડીઆરફ ટિમ અને તંત્ર દ્વારા મહિલાની શોધખોળ શરુ કરી હતી. જયારે ગિરનાર અને દાતાર પર્વત પર ભારે વરસાદના કારણે પહાડો પરથી ઝરણાં શરુ થયા હતા અને સીડી પર ધસમતા પાણી જોવા મળ્યા હતા અને પહાડો પર નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો.
આમ જૂનાગઢ જિલ્લા સહીત સોરઠ પંથકમાં ભારે વરસાદના લીધે આંબાજળ, ધ્રાંફડના 1-1, ઓઝત-2ના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. જયારે ઓઝત શાપુરના 10, ઓઝત વંથલીના 12 દરવાજા ખુલ્લા છે. આ ઉપરાંત ઓઝચત વિયર આણંદપુર, ઉબેણ વિયર કેરાળા અને ઓઝત વિયર ટિકકર ઓવરફલો થતા હેઠવાસના 42 ગામના લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા.