કેરળમાં દક્ષિણ-પશ્ચિમના ચોમાસાનું આવતા સપ્તાહે આગમન
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં તાપમાનનો મિજાજ બદલ્યો છે. બિહારમાં અચાનક વરસાદ પડયો હતો અને આંધી ઉઠી હતી. બિહારના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ અને આંધીમાં 28 લોકોનાં મોત થયા હતા. અસંખ્ય વૃક્ષો ધરાશાયી થયા હતા. ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારમાં તેમ જ દિલ્હીમાં ગાજ-વીજ સાથે વરસાદી ઝાપટાં પડતાં ગરમીમાં રાહત મળી છે.બિહારના પટણા, ભાગલપુર, મુઝફ્ફરપુર, વૈશાલી, મુંગેર, જમુઈ, કટિહાર, કિશનગંજ, જહાનાબાદ, સારણ, નાલંદા જેવા જિલ્લાઓમાં વરસાદ પડયો હતો અને આંધી ઉઠી હતી. આ વરસાદી તોફાનમાં આ જિલ્લાઓમાં 29 લોકોનાં મોત થયા હતા. આંધીમાં અસંખ્ય વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. કેટલાય મકાનોને નુકસાન થયું હતું. રેલવે ટ્રેક અને અને વાહનોના માર્ગ પર વીજળીના તાર તેમ જ વૃક્ષો તૂટી જતાં ઘણાં રસ્તા બંધ થઈ ગયા હતા. ઘણી ટ્રેનને અટકાવવાની ફરજ પડી હતી. ઉ.પ્રદેશમાં પણ વરસાદને લગતી ઘટનાઓમાં જાનહાની થયાના અહેવાલો છે.દક્ષિણ અને પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદની આગાહી છે, તેના કારણે દેશભરમાં તાપમાન નીચું આવશે. ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારો ઉપરાંત દિલ્હીમાં ઝરમર વરસાદ પડયો હતો, તેના કારણે તાપમાનનો પારો નીચો આવ્યો હતો અને લોકોને ગરમીથી રાહત મળી હતી. દિલ્હીમાં અમુક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી હતું, તો અમુક વિસ્તારોમાં તાપમાનનો પારો 28 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયો હતો.

- Advertisement -
કાશ્મીર, ઉત્તરાખંડમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ : વરસાદ-વાવાઝોડાની આગાહી
હવામાન વિભાગના કહેવા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટરબન્સની અસર હેઠળ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વરસાદ અને તોફાનની શક્યતા છે. તેના કારણે ઉત્તર ભારતના વાતાવરણમાં પણ ભેજ અને ઠંડકનો અનુભવ થશે. આગામી બે દિવસ હળવાથી ભારે વરસાદની શક્યતા છે. આ રાજ્યો ઉપરાંત ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, દિલ્હીમાં તેજ હવા ફૂંકાશે.


