અમદાવાાદના નવા નરોડા વિસ્તારમાં રહેતા શિક્ષક સાથે થઇ આબાદ છેતરપીંડી

અમદાવાદઃ અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલા રાધેગોવિંદ ટેનામેન્ટમાં રહેતા 54 વર્ષીય શિક્ષક સાથે ઓનલાઇન આબાદ છેતરપીંડી થઇ હોવાની ચોંકાવનારી ઘટના બની છે. સરસપુરમાં આવેલી સરસ્વતી સ્કુલમાં છેલ્લાં 28 વર્ષથી નોકરી કરતા શિક્ષક હરીભાઇ પટેલ તેમના પરિવાર સાથે રહે છે . તે એક્સીસ બેંકમાં એકાઉન્ટ ધરાવે છે. ત્યારે ગત 20મી તારીખે બપોરના સમયે ફોન આવ્યો કે તમારા એક્સીસ બેંકના એકાઉનટમાં રિવોર્ડ પોઇન્ટ પેટે રુપિયા 8500 જમા કરાવવાના છે. માટે તમારા મોબાઇલ ફોન પર લીંક મોકલી છે. તે લીંક ખોલ્યા બાદ તમારા મોબાઇલ ફોન પર ઓટીપી આવશે. જે મને આપજો પછી આઠ હજાર પાંચસો રુપિયા સીધા તમારા એકાઉન્ટમાં જમા થઇ જશે. જેથી લાલચમાં આવીને હરીભાઇએ તેમના મોબાઇલ નંબર પર આવેલો ઓટીપી કોલ કરનાર વ્યક્તિને લખાવ્યો હતો. જો કે તેણે ઓટીપી ખોટો છે. બીજો આવે તે આપજો તેમ કહીને એક પછી એક છ ઓટીપી મોકલ્યા હતા. બાદમાં કોલ કરનારે કોલ કટ કરી દીધો હતો. આ દરમિયાન એકસીસ બેંકમાંથી તેમના પર કોલ આવ્યો હતો કે તમારા ક્રેડીટ કાર્ડના એકાઉન્ટમાંથી એકપછી એક છ ટ્રાન્ઝેક્શન તમે કરો છો? ત્યારે ખબર પડી હતી તેમના ક્રેડીટ કાર્ડથી રુપિયા 2 લાખ 16 હજારની ખરીદી થઇ ચુકી છે. ત્યારે તેમણે તાત્કાલિક તેમણે કાર્ડ બ્લોક કરાવીને તેમના કાર્ડથી થયેલા ટ્રાન્ઝેશનક રદ કરાવવા માટે અરજી કરી હતી. પણ બેંક દ્વારા આ અરજી માન્ય રાખવામાં આવી નહોતી. આ અંગે હરીભાઇ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસીની કલમ 406, 420, ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66-સી અને 66-ડી હેઠળ ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યુ કે કોઇ પણ બેંક ઓટીપી કે કાર્ડ પાછળ રહેલો સીવીવી નંબર પુછતી નથી માટે આ પ્રકારનો કોલ આવે તો પોલીસને જાણ કરો અથવા કોલને રીજેક્ટ કરો.