માન્યામાં ન આવે એવી વાત છે કે કોરોનાના બહાને ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા-ચૂંટણી રદ થશે તો ભાજપ અંદર ખાને રાજી થશે ! ગુજરાત ચૂંટણી આયોગ અને કેન્દ્રીય ચૂંટણી પંચ કહેવાય સ્વતંત્ર પણ લાગે છે ભાજપાધીન રાજ્ય સરકારે કોરોના રોગચાળામાં તંત્ર વ્યસ્ત હોવાનું બહાનું કાઢી હાલ તુર્ત પેટ-ચૂંટણી ટાળવા અનુરોધ કર્યો પણ બહાનું કાઢી નબળું છે. વાસ્તવમાં શિક્ષા,  રોજગારી, સરકારી ભરતી, કોરોના, પાકવીમો અને આરોગ્ય ક્ષેત્રે ભયાવહ રીતે નિષ્ફળ ગયેલી સરકારથી પ્રજા અતિ નારાજ છે અને તેના પડઘા પેટ-ચૂંટણીમાં પડશે એવો ડર કદાચ શાસકોને સતાવી રહ્યો છે. આ સંજોગોમાં સરકાર ઈચ્છે છે કે ચૂંટણી જ ટળે. બંધારણીય જોગવાઈ પ્રમાણે 15 સપ્ટેમ્બર સુધીમાં ચૂંટણી કરવી અનિવાર્ય છે સરકારને પોતાની નાકામી ઉપરાંત હાર્દિક પટેલની કામયાબીનો બમણો ડર છે. હાર્દિક ફેક્ટર સૌરાષ્ટ્રની પાંચેક બેઠક પર ભાજપને ભારે પડી શકે તેમ છે. વાસ્તે, સરકાર ઈચ્છે છે કે થોડો ટાઈમપાસ થઇ જાય અને અનુકૂળતાએ ચૂંટણી યોજાય. ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ સોગઠા ગોઠવવામાં માહેર જરૂર છે પણ તેઓને પણ પર્યાપ્ત સમય જોઈએ છે. જોવાનું એ છે કે, ચૂંટણી પંચ ચૂંટણી ટાળશે ? તો ભાજપની ઘાત ટળશે અને કોરોના ફળશે ! આવતા સપ્તાહમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઇ જશે.