યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી બુધવારે વોશિંગ્ટનની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છે અને વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને મળી શકે
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો કોઈ અંત નથી. આ તરફ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી બુધવારે વોશિંગ્ટનની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છે અને વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને મળી શકે છે. જોકે બંને દેશો દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી નથી.
- Advertisement -
ફેબ્રુઆરીમાં રશિયન આક્રમણ બાદ ઝેલેન્સકીની આ પ્રથમ વિદેશ યાત્રા હશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુલાકાત દરમિયાન સુરક્ષાની ચિંતાઓ પર ચર્ચા થઈ શકે છે. ઝેલેન્સ્કી પણ કોંગ્રેસને સંબોધશે તેવી અપેક્ષા છે. જોકે એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે,ઝાલેન્સકીના આગમનની યોજના અંતિમ નથી અને તે બદલાઈ શકે છે.
અહેવાલ અનુસાર વ્હાઇટ હાઉસે સંભવિત મુલાકાત અને નવી સુરક્ષા સહાયની જાહેરાતો પર બિડેનની જાહેરાત અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તો મુસાફરીને હજુ સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. હાઉસ સ્પીકર નેન્સી પેલોસી એ અહેવાલોની પુષ્ટિ નથી કરી કે, ઝેલેન્સકી બુધવારે કેપિટોલની મુલાકાત લેશે. તેમણે કહ્યું કે, મને ખબર નથી કે આવું થશે કે નહીં.
રશિયા લગભગ એક અઠવાડિયાથી યુક્રેન પર એક પછી એક ભીષણ મિસાઈલ અને ડ્રોન હુમલા કરી રહ્યું છે. સોમવારે સવારે થયેલા હુમલાથી યુક્રેનના શહેરોમાં અંધાધૂંધી અને ચીસો મચી ગઈ છે. શેરીઓમાં વાગતા સાયરન્સે લોકોને રશિયન હવાઈ હુમલાઓ વિશે ચેતવણી આપી હતી અને ગભરાટનું વાતાવરણ ઊભું કર્યું હતું. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, રશિયન રાષ્ટ્રપતિ પુતિન આ સમયે ગુસ્સે છે અને યુક્રેનને ઘૂંટણિયે લાવવા માંગે છે. તેમણે રશિયાના આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે.