તેં સ્પર્શેલી હથેળીને હું ઉઠતાંવેંત ચૂમું છું રટણમાં તું, ઋચામાં તું, પરમમાં તું,
વ્હાલી જિંદગી,
- Advertisement -
તારા શ્વાસની સુગંધથી મારામાં પારિજાતના તાજા ફુલ ખીલી ઊઠે છે. તારા નીતરતા ભીના વાળમાં મારું જીવતર જાણે મુખ સંતાડી, અંગડાઈ લઈ, સુગંધિત થઈ ઝૂમી ઊઠે છે. તારા જમણા કાનની નીચે, ડોકની પાછળ- બોચીમાં, હડપચીની બિલકુલ નીચે રહેલા લાલ તલ પર હું કોઈ નાનું બાળક ચોકલેટ જોઈ પાગલ થઈ જાય એમ જ મારી જીભને ફેરવી તારા ગળચટ્ટા સ્વાદને ચાખતો રહું છું. તારા ગળામાં રહેલું સોનાનું પેન્ડલજ્યારે જ્યારે બહાર હોય છે
ત્યારે હું મારા ડાબા હાથથી એ પેન્ડલને તારી છાતીમાં છૂપાવી દઉં છું પછી મારું હૃદય અંદરથી ઉછળી પડે છે. તને ચુંબનથી નવડાવી દઈ હું ભર્યોભર્યો થઈ જાઉં છું. પ્રથમ વરસાદ પછી માટીમાં જે રીતે તિરાડ પડે અને ફાટી જાય એમ તારા હોઠ સૂકાઈ જાય છે તો હું ફરીથી મારા હોઠને તારા હોઠ સુધી લઈ જઈ ધોધમાર વરસાદ વરસાવું છું. ફાટી ગયેલી માટી ફરીથી ભીની થઈ તાજી થઈ જાય છે. તારી અણીયાળી અને પાણીદાર માદક આંખોનો નશો મને ક્યારેય નથી ઉતરતો. તારી પાંપણ પરથી, આંખોની ભીતરથી હિલ્લોળા લેતો પ્રેમનો દરિયો મારા તરફ લંબાતો જાય છે. પાંપણના દરેક પલકારા તારી પ્રતિક્ષામાં આકુળ વ્યાકુળ થયાં કરે છે. આંખો સપના જોવાથી સહેજ પણ થાકતી નથી કે સપનાનો ભાર ઝીલવામાં ગભરાતી નથી.
હરખના આંસુ પાંપણને ભીંજવીને પાવન કરે છે. એ આંસુ તારા હોવાનો તરજૂમો છે, જેને વારેવારે વાંચવો, ઘૂંટવો, બોલવો મને બહુ ગમે છે. હું તારામાં ઓતપ્રોત થઈ સતત તને જીવી રહ્યો છું. જીવવું અને જીવી જવું આ બંનેમાં ઘણો તફાવત છે. હું હંમેશા જીવી રહ્યો છું અને તારો હંમેશનો સાથ મળશે તો હું ચોક્કસ જીવનના છેલ્લા શ્વાસ સુધી જીવી જઈશ. તારા નેઇલ પોલિશ કરેલા નખ મને ત્યારે વધારે સુંદર લાગે છે જ્યારે નેઇલ પોલિશનો અડધો કલર ઉતરી જાય. સ્નિગ્ધ કૌમુદી જેમ તારા વધેલા નખનો રળિયામણો હિસ્સો મને તારી નજીક આવવા લલચાવે છે.
- Advertisement -
મારી ત્વચાને પણ તારા નખ સાથે ગોઠી ગયું છે. આખો ચહેરો ઢાંકી દઈ, ફક્ત એક અધઢાંકેલી આંખથી તારું મારી સામે સતત તાકી રહેવું મને વશીકરણવિદ્યા જેવું લાગે છે. તારી આંખોના એ અતળ ઊંડાણમાં હું ડૂબી જાઉં છું. હું બહુ સારી રીતે જાણું છું કે મારું એ ડૂબી જવું ખરા અર્થમાં તો તરી જવું જ છે. તારા દેહના સઘળા વળાંકો પર હું હળવેથી અટકી જઈ, વળાંકની કોઈ નાવિન્યસભર સૃષ્ટિમાં ગુમ થઈ જાઉં છું… પછી હું ક્યારેય મને ફરીથી મળી શકતો નથી. આંગળીઓની લયાત્મકતા, આંખોના કામણ, કમરની નાજુક નમણાશ, છાતીના પર્વતો વચ્ચે રહેલું ભીનું ભીનું પોલાણ આ બધું જ મારા અસ્તિત્વની સૃષ્ટિનો એક ભાગ છે. જિંદગી! હું તને ભરપૂર જીવી રહ્યો છું… માણી રહ્યો છું… સતત તને જીવતો…
જીવ.
(શીર્ષકપંક્તિ:- દિક્ષિતા શાહ)