પ્રેમમાં કેવી તાકાત હોય છે ? એ કોઈ માટે બરબાદ થઈ જવાનું ઝનૂન છલકાવી દે છે તો કોઈને તબાહ કરી દેવાનું ખૂન્નસ પણ ખોંખારો ખાઈને ઉભું કરાવી દઈ શકે છે પણ… હકિક્ત એ છે કે મહૌબ્બત મલ્ટીકલર હોય છે. આકર્ષણ, લગાવ, અધિકારભાવ, ખેંચાણ, ખોફ, ખુન્નસ, ત્યાગ઼.. મહૌબ્બત મેઘધનુષી હોય છે…
શાહનામા
– નરેશ શાહ
– નરેશ શાહ
તમે કોઈને ચાહો તો એ સમસ્યા હોય છે પણ કોઈ તમને ચાહે તો એ આફત બની શકે છે અને ચાહતનો એ ત્રીજો ખૂણો શક્તિમાન હોય તો મહામુસીબત માટે તૈયાર રહેવાનું ફરજિયાત બની જાય છે… યે કાલી કાલી આંખે સિરિઝ આ વાત નીચે ઘેરી લાલ લાઈન દોરી આપે છે. ટાઈટલ પરથી રોમાન્ટિક હોવાની છાપ છોડતી નેટફલિક્સની વેબ સિરિઝ યે કાલી કાલી આંખે ખરેખર તો લોહિયાળ લાગણીઓના રસ્તેથી પસાર થતી થ્રિલર રાઈડ છે, જેમાં રોમાન્સ યા પ્રેમનું ટોપિંગ ભભરાવેલું છે. એન્જીનીયરિંગ કરીને ભિલાઈના સ્ટીલ પ્લાન્ટમાં નોકરી મળી ગયાના જોબ લેટરની રાહ જોતો વિક્રાંત શીખાને પ્રેમ કરે છે અને તેની સાથે એક નવી દુનિયા બનાવવાનું ખ્વાબ જુએ છે કારણકે તેને પોતાના એકાઉટન્ટ પિતાજીની ચાકરી જેવી નોકરી અને પુજારી જેવી મેન્ટાલિટી સામે ચીડ છે. વિક્રાંતના પિતા ઉતરપ્રદેશના પાવર સેન્ટર ગણાતા પોલિટિશ્યન અખિરાજ અવસ્થીને પૂરી આસ્થાથી ભગવાન બરાબર ગણે છે પણ… માણસનો ભૂતકાળ જ તેનો વર્તમાન ઘડતો હોય છે, એ ન્યાયે વિક્રાંત માટે સોફટ કોર્નર ધરાવતી પૂર્વાની એન્ટ્રી થાય છે. પૂર્વા અખિરાજ અવસ્થીની એકમાત્ર લાડકી દીકરી છે પણ નાનપણમાં પોતાના ફ્રેન્ડ બનવાની ના પાડનાર વિક્રાંત પૂર્વાના ઈગો, દિલ અને દિમાગને ચોંટી ગયો છે. બસ, પછી તો એવું બને છે કે વિક્રાંતે અનિચ્છાએ પોતાની ગર્લફ્રેન્ડ શીખાને છોડીને પૂર્વા સાથે લગ્ન કરવા પડે છે. હવે શીખાને પામવા માટે એક જ રસ્તો છે, પૂર્વા યાને અખિરાજ અવસ્થીની પુત્રી અને પોતાની પત્નીનું મર્ડર.
યે કાલી કાલી આંખેનું કામણ
યે બાત કુછ અલગ હૈ. ઓનર કિલીંગ પરની કે પાગલપણુંભર્યા પ્રેમ (ડર) ની અનેક ફિલ્મો આપણે જોઈ ચૂક્યા છીએ પણ યે કાલી કાલી આંખે એ ફિલ્મોથી અલગ પડતી વેબસિરિઝ છે. એક તો તેમાં પ્રેમના ટાયલાવેડા નથી કે ઈરિટેટ કરતાં રોનાધોના નથી. પાંચ કલાક અને પચ્ચીસ મિનિટની લેન્થ ધરાવતી યે કાલી કાલી આંખે માં પ્રથમ એપિસોડથી એક કુતૂહલ સતત આળસ મરડીને બેઠું થતું રહે છે કે વિક્રાંત હવે કરશે શું ? તેની સાથે થશે શું? સરપ્રાઈઝ એ છે કે દરેક વખતે તેમાં દર્શકની ધારણાથી અલગ જ ટર્ન એન્ડ ટવિસ્ટ આવે છે અને આ કમાલ (ડિરેકટર) સિધ્ધાર્થ સેનગુપ્તા (સ્ટોરી રાઈટર) અનાહત મેનન અને (રાઈટર, આસિસ્ટન્ટ ડિરેકટર) વરૂણ બડોલાની છે. અમુક ફની સિક્વન્સમાં પણ તાજગી છે. પુર્વા જ લગ્નની ના પાડી દે એ માટે વિક્રાંત ગે હોવાથી લઈને સેક્સસંબંધ સુધીના પ્રયાસો કરે છે અને પુર્વાની હત્યા થઈ જાય પછી કઈ રીતે પતિ તરીકે સાચુકલું રૂદન કરવું એ શીખવાના શ્યો… વિક્રાંત તરીકે તાહિર રાજ ભસીનમાં તમને બાઝિગર, ડરનાં શાહરૂખ ખાનનો પડછાયો દેખાશે પણ એ પરફેકટ કાસ્ટીંગ છે, એમાં શંકા નથી. શ્ર્વેતા ત્રિપાઠી (શીખા) ના હિસ્સે જોકે પૂર્વા (અચલ સીંઘ) જેવા સેડ નથી આવ્યા છતાં બન્ને યથાયોગ્ય જ છે. ખરી કમાલ તો સૌરભ શુકલા (અખિરાજ અવસ્થી) એ કરી છે અને એ કોઈ નવી વાત નથી. એવું લાગે કે દીકરીને અનહદ ચાહતા પિતા અને દબંગ – તેમજ હિંસક આગેવાન તેમજ પ્રભાવશાળી રાજકારણી તરીકે સૌરભ શુકલા ન હોય તો યે કાલી કાલી આંખે ને અપાતા સ્ટાર અડધા થઈ જાય. વિક્રાંતના પિતા અને અખિરાજના એકાઉન્ટન્ટ તરીકે બિજેન્ કાલા પણ સિરિઝનો એક પ્લસ પોઈન્ટ છે.
- Advertisement -
અગાઉ અલ્ટ બાલાજી માટે અપહરણ (સબ કા કટેગા) જેવી રોમાંચક વેબસિરિઝ બનાવી ચૂકેલાં સિધ્ધાર્થ સેનગુપ્તા અને (રાઈટર) વરૂણ બડોલાએ યે કાલી કાલી આંખે નો અંત બેશક, એવા ટવિસ્ટ પર છોડયો છે કે નવી સિઝનનો ઈંતઝાર રહે પણ એ ય ખરું કે પ્રથમ સિઝનના આઠેય એપિસોડ પણ એકદમ દિલફરેબ બન્યાં છે. અણધારી ઘટનાઓ અને તેની પાછળ ઘૂંટાતી આતુરતા યે કાલી કાલી આંખે ની સૌથી મોટી સફળતા છે.
જુવેનાઈલ જસ્ટીસ બાળસુધારનો બગાડો
કોરિયન ફિલ્મો અને વેબસિરિઝને ખુદ બોલીવુડ સિરિયસલી લેતું આવ્યું છે, તેવી તેનામાં ચમત્કૃતિ હોય છે. નેટફલિક્સ પરની જુવેનાઈલ જસ્ટીસ પણ આવી જ ઈન્ટરેસ્ટીંગ વેબસિરિઝ છે પરંતુ એ સ્પષ્ટતા કરવાની કે અહીં વાત બાળસુધાર ગૃહની હરગીઝ નથી. વિષય નાની યા તરૂણ વયે થતા ક્રાઈમ અને તેની તપાસમાંથી પ્રગટ થતાં સત્યની છે. એક ટીનએજ બચ્ચું જુવેનાઈલ કોર્ટમાં સામે ચાલીને આવી જઈ કબુલ કરે છે કે તેણે પોતાનાથી પણ ઘણાં નાના એક બાળકની હત્યા કરીને ટૂકડા કરી નાખ્યા છે.
- Advertisement -
જુવેનાઈલ કોર્ટમાં આસીસ્ટન્ટ જજ તરીકે આવેલી શીમ યુન સૂકને બાળગુનેગારો માટે મનોમન ધિક્કાર છે, તેની સમક્ષ જ આ (અને એક પછી એક નવા નવા) ક્રાઈમ કેસ આવે છે. પોતાના ઉપરી જજના અસહકાર વચ્ચે પણ એ અને તેનો સાથી આસિસ્ટન્ટ જજ દરેક ગુનાની સચ્ચાઈ સુધી પહોંચે છે અને દશેક કલાકની આ વેબસિરિઝ સતત તમને નેકસ્ટ એપિસોડ જોવા ઉશ્કેરતી રહે છે. બાળગુનેગારો માટે નફરત ધરાવતી જજનું પાત્ર ભજવનારી કિમ હેપ સુ-એ અહીં કમાલ કરી છે પણ જીભના લોચા વળે એવા કોરિયન કલાકારોના નામ કે અન્ય વિગતો લખીને હોંશિયારી દેખાડવામાં (અન્ય લેખકડાની જેમ) મને રસ નથી. એ રીતે વાચકોને ઈમ્પ્રેશ કરવા માટે શાહનામા લખાતું પણ નથી. કશુંક ડિફરન્ટ છતાં દિલકશ જોવામાં રસ હોય તો નેટફલિક્સ પર હિન્દી ભાષામાં પણ ઉપલબ્ધ જુવેનાઈલ જસ્ટીસ વેબસિરિઝ બેસ્ટ છે. ટીનએજ ક્રાઈમની આ દુનિયા પહેલી વખત જોવા મળી રહી છે.