ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજયની સહકારી મંડળીઓ અને સભાસદોને માત્ર જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોમાં જ ખાતા ખોલાવવા ફરમાન જારી કરતાં રાજયના જિલ્લા સહકારી રજિસ્ટ્રાર દ્વારા જારી પરિપત્રને પડકારતી રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાઇ છે.
- Advertisement -
રિટ અરજીમાં એવા મુદ્દા ઉપસ્થિત કરાયા છે કે, જિલ્લા સહકારી રજિસ્ટ્રારનો આ પરિપત્ર ગુજરાત કો.ઓપરેટીવ સોસાયટીઝ એકટ-1961ની જોગવાઇઓથી વિરુધ્ધનો છે. સરકારના આ પરિપત્રથી બંધારણની કલમ-43નો પણ ભંગ થતો હોઇ તે રદબાતલ થવાપાત્ર ઠરે છે.
કાયદાકીય જોગવાઇ, આરબીઆઇ ગાઇડલાઇન્સ કે બંધારણીય જોગવાઇથી ઉપરવટ જઇને સરકાર કે સત્તાવાળાઓ આવો કોઇપણ પરિપત્ર જારી કરી શકે નહી.
ચોક્કસ પ્રકારની બેંકોમાં જ ખાતુ ખોલાવવા માટે સરકારના સત્તાવાળાઓ ફરજ પાડી શકે નહી. આમ કરવાની તેઓને કોઇ સત્તા જ નથી. વળી, અગાઉ માધુપુરા બેંક જેવી અનેક બેંકો ફડચામાં જતાં હજારો થાપણદારોની મહેનત પરસેવાની કમાણી ડૂબી ગઇ છે. આ સંજોગોમાં જો સહકારી મંડળીઓના નાણાં એક જ મધ્યસ્થ સહકારી બેંકમાં મૂકવામાં આવે અને આવી બેંકો ફડચામાં જાય કે ડૂબી જાય તો, સહકારી મંડળીઓના રોકાણકારોની લાખો કરોડોની ડિપોઝીટોની સલામતી અને આર્થિક સુરક્ષાને લઇ ગંભીર પ્રશ્ર્નો ઉભા થાય.
આ સંજોગોમાં જિલ્લા સહકારી રજિસ્ટ્રારનો પરિપત્ર ગેરકાયદે અને ગેરબંધારણીય હોઇ રદબાતલ ઠરાવવો જોઇએ. રિટ અરજીમાં આ વિવાદીત પરિપત્રની કાયદેસરતાને પડકારી સરકારનો આ પરિપત્ર આરબીઆઇની માર્ગદર્શિકાની વિરુધ્ધનો હોઇ તેને રદબાતલ ઠરાવવા દાદ મંગાઇ છે.