રાજકોટનો કચરો સાચવનારા ગામ પ્રત્યે તંત્ર ઉદાસીન, જઈના ડાયરેક્શનનું પણ પાલન નહીં; ગ્રામજનોમાં રોષ
નાકરાવાડી છેલ્લા 20 વર્ષથી રાજકોટનો કચરો સાચવે છે !
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાંથી ડોર ટુ ડોર એકત્ર કરવામાં આવતા કચરાનો નાકરાવાડી ડમ્પીંગ યાર્ડ ખાતે મનપા દ્વારા નિકાલ કરવામાં આવે છે. આ સાઇટ પર વરસાદ વચ્ચે કચરાનું પ્રદુષણ ઉભરાઇને બહાર આવતું હોવાને લઈ તાજેતરમાં ગ્રામજનોએ વિરોધ કર્યો હતો અને કચરાનાં ડમ્પરો અટકાવી દીધા હતા. જેને પગલે ગઈકાલે ઉચ્ચ અધિકારીઓએ દોડી જઇ સમજાવટથી થાળે પાડ્યો હતો. આ અંગે ગ્રીન ટ્રીબ્યુનલ સુધી જનારા એડવોકેટ શૈલેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટનો કચરો સાચવનારા ગામની સુવિધામાં તંત્રને રસ નથી, સમસ્યા નહીં ઉકેલાય તો ગ્રામજનોનો રોષ ભડકી ઉઠશે.
એડવોકેટ શૈલેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, નાકરાવાડી ખાતે કલેક્ટર દ્વારા 200 એકર જગ્યા કચરાનાં નિકાલ માટે મનપાને ચોક્કસ શરતોને આધીન ફાળવવામાં આવી છે. ત્યારે આ જગ્યા અને સ્થાનિકોનાં આરોગ્યની જવાબદારી કોર્પોરેશનની છે. પરંતુ જ્યારથી જગ્યા ફાળવી ત્યારથી મનપા દ્વારા શરતોનું પાલન કરવામાં આવતું નથી અને તેને કારણે પર્યાવરણ અને આરોગ્યનાં સવાલો ઉભા થાય છે. આ અંગે અમે ગ્રીન ટ્રીબ્યુનલ અને સુપ્રીમ કોર્ટ સુધી લડીને ચોક્કસ ડાયરેક્શન પણ લાવ્યા હતા.
જોકે, મહાનગરપાલિકા તંત્ર દ્વારા જે શરતોને આધીન જગ્યા મળી છે, તેનું પાલન થતું નથી. હાલમાં ચોમાસાને લઈ ગંદુ પાણી છોડી દેવામાં આવતા આસપાસના બધા જળાશયો પ્રદુષિત થતા અનેક ગામનાં લોકોને હાલાકી ભોગવવી પડી હતી. મનપાને માત્ર શહેરના કચરાને જ સાચવવાની ચિંતા છે. પણ જે ગામ આખા શહેરનો આ કચરો સાચવે છે. તેની ચિંતા નથી. ગ્રામજનોએ આ અંગે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા બે દિવસ પૂર્વે ગ્રામજનોએ કચરાનાં ડમ્પર માત્ર 10 કલાક માટે અટકાવી દેતા અધિકારીઓએ દોડી આવવું પડ્યું હતું.
- Advertisement -
નાકરાવાડી છેલ્લા 20 વર્ષથી રાજકોટનો કચરો સાચવે છે તો તે કેટલી ગંદકી સહન કરે છે. તે વિચારવા જેવી બાબત છે. ત્યારે આ ગામ અને આસપાસના ગામોને હાલાકી ન પડે તેવા પગલાં મનપાએ લેવા જરૂરી બન્યા છે. ગ્રામજનોની મુશ્કેલી દૂર કરવાની જવાબદારી હાલ રાજકોટ મનપાની છે. બીજું કે વેસ્ટ ટુ એનર્જીનાં ખાસ પ્લાન્ટનું કામ મનપાને 2018માં સોંપવામાં આવ્યું હતું. જે 2020માં પૂર્ણ કરવાનું હતું, પરંતુ આજે 2024માં પણ આ કામ પૂર્ણ થયું નથી. આ બધા મુદ્દે આવતીકાલે મ્યુ. કમિશનરને રજૂઆત કરવામાં આવનાર છે. જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગ્રામજનોનો રોષ ભડકી ઉઠશે તે નિશ્ચિત છે.