વિશ્વના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર અને દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ‘રોન ડ્રેપર’નું નિધન થઈ ગયું છે. 28 ફેબ્રુઆરીએ તેમણે 98 વર્ષ અને 63 દિવસની વયે અંતિમ શ્વાસ લીધો. તેમના પરિવારએ તેમના અવસાનની જાણકારી આપી હતી. તેઓ ટોચના ક્રમના બેટ્સમેન હતા અને સાથે સાથે વિકેટકીપરની ભૂમિકા પણ ભજવતા.
ડ્રેપરે પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કૅરિયર દરમિયાન ફક્ત 2 ટેસ્ટ મેચ રમી હતી. આ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમાઈ હતી અને તેઓ ફક્ત 25 રન જ બનાવી શક્યા હતા. નોંધનીય છે કે, ડ્રેપર અત્યાર સુધી જીવિત રહેલા સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર હતા. આ પહેલા પણ દક્ષિણ આફ્રિકાના જ બે ખેલાડીઓ સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર રહ્યા હતા – નોર્મન ગોર્ડન, જેમનું 2016માં 103 વર્ષની વયે અવસાન થયું, અને જૉન વૉટકિન્સ, જેમનું 2021માં 98 વર્ષની વયે નિધન થયું. હવે આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નીલ હાર્વેના નામે થઈ ગયો છે, હાલ હાર્વેની વય 96 વર્ષ અને 144 દિવસ છે.
- Advertisement -
19 વર્ષની ઉંમરે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ
રોન ડ્રેપરે ભલે ફક્ત 2 ટેસ્ટ મેચ રમી હોય, પરંતુ તેઓ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ઇતિહાસમાં મહત્વનો હિસ્સો રહ્યા છે. 24 ડિસેમ્બર 1926ના રોજ જન્મેલા ડ્રેપરે ફક્ત 19 વર્ષની ઉંમરે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે ઓરેન્જ ફ્રી સ્ટેટ સામે ઈસ્ટર્ન પ્રોવિન્સ માટે પોતાની પહેલી ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હતી. 1950ના દાયકામાં તેઓ ઓસ્ટ્રેલિયા સામે આંતરરાષ્ટ્રીય ટેસ્ટમાં પ્રવેશ્યા હતા.
ડ્રેપર 1960ના દાયકાથી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમતા રહ્યા. આ દરમિયાન તેમણે 41.64 ની સરેરાશથી 3290 રન બનાવ્યા હતા, જેમાં 11 સદી અને 11 અડધી સદીનો સમાવેશ થાય છે. તેમણે 32 કેચ અને 10 સ્ટમ્પિંગ પણ કર્યા હતા. નોંધનીય છે કે, ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ડ્રેપરે લંચ પહેલા ચાર વખત સદી ફટકારી હતી. તેઓ કારી કપ મેચમાં 2 સદી ફટકારનાર પ્રથમ ખેલાડી પણ હતા.
- Advertisement -
ડ્રેપર vs હાર્વે
ડ્રેપરે 1949-50ની સિઝનમાં ઓસ્ટ્રેલિયાની ટીમ દક્ષિણ આફ્રિકા પ્રવાસે આવી ત્યારે તેમણે ઈસ્ટર્ન પ્રોવિન્સ માટે 86 રન બનાવ્યા હતા. આ પ્રદર્શનને કારણે તેમને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીના અંતિમ 2 ટેસ્ટ માટે દક્ષિણ આફ્રિકા ટીમમાં સ્થાન મળ્યું. આ 2 ટેસ્ટમાં 3 ઇનિંગ્સ રમી, પરંતુ ફક્ત 25 રન જ બનાવી શક્યા. પરિણામે, તેમને ક્યારેય આંતરરાષ્ટ્રીય મેચ રમવાની બીજી તક ન મળી.
બીજી તરફ, હવે જીવિત સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર બનેલા નિલ હાર્વેનો કૅરિયર ઉત્તમ રહ્યો. તેઓ 1949-50 ની આ જ સિરીઝમાં માત્ર 21 વર્ષના હતા, પણ દક્ષિણ આફ્રિકા સામે અંતિમ બે ટેસ્ટમાં સદી ફટકારી હતી. હાર્વે ઓસ્ટ્રેલિયા માટે 79 ટેસ્ટ મેચ રમ્યા હતા, જેમાં 48ની સરેરાશથી 6149 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે 24 અડધી સદી અને 21 સદી ફટકારી હતી.




