અનંત અંબાણી દ્વારા સ્થાપિત યુનિવર્સિટી ભારતને વન્યજીવ શિક્ષણના વૈશ્ર્વિક હબ તરીકે પ્રસ્થાપિત કરશે; પ્રાચીન નાલંદાના આધુનિક ગુરુકુળ મોડેલ પર નિર્માણ
કરુણા, વિજ્ઞાન અને સંરક્ષણનો ત્રિવેણી સંગમ: અંડરગ્રેજ્યુએટથી લઈને ફેલોશિપ સુધીના વિશિષ્ટ અભ્યાસક્રમો અને હાંસિયામાં ધકેલાયેલા વર્ગો માટે શિષ્યવૃત્તિની જાહેરાત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જામનગર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી અનંત અંબાણી દ્વારા જામનગર, ગુજરાત ખાતે વિશ્વની પ્રથમ સંકલિત ગ્લોબલ વન્યજીવ યુનિવર્સિટી ’વનતારા’ની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી છે. 10 એપ્રિલ 2026ના રોજ યોજાયેલા એક ભવ્ય શિલાન્યાસ સમારોહ સાથે આ અનોખી યુનિવર્સિટીનો પાયો નાખવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરાઓ અને આધુનિક પ્રાણીચિકિત્સા વિજ્ઞાનનો સમન્વય કરી વન્યજીવ સંરક્ષણ માટે ભવિષ્યના નેતૃત્વને તૈયાર કરવાનો છે.
શ્રી અનંત અંબાણીએ આ યુનિવર્સિટીને એક ’આધુનિક ગુરુકુળ’ તરીકે વર્ણવી છે, જે પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના સિદ્ધાંતોથી પ્રેરિત છે. શિલાન્યાસ વિધિમાં ભારતની ભૌગોલિક સમૃદ્ધિના પ્રતીક સ્વરૂપે હિમાલય, જંગલો, વેટલેન્ડ્સ અને દેશના વિવિધ ખૂણેથી લાવવામાં આવેલા માટી, પાણી અને પથ્થરનું સ્થાપન કરવામાં આવ્યું હતું. શ્રી અંબાણીએ જણાવ્યું હતું કે, “આ યુનિવર્સિટી દરેક જીવમાત્રનું રક્ષણ કરવા નિશ્ચયબદ્ધ નવી પેઢીને તૈયાર કરવા પ્રતિબદ્ધ છે.”
વનતારા યુનિવર્સિટીમાં વન્યજીવ ઔષધિ, શસ્ત્રક્રિયા, પ્રાણી પોષણ, આનુવંષિકતા, અને રોગશાસ્ત્ર જેવા વિવિધ વિષયોમાં અંડરગ્રેજ્યુએટ, પોસ્ટ-ગ્રેજ્યુએટ અને ફેલોશિપ પ્રોગ્રામ્સ ચલાવવામાં આવશે.
યુનિવર્સિટીનું માળખું માત્ર વર્ગખંડો પૂરતું સીમિત ન રહેતા વાસ્તવિક ફિલ્ડ વર્ક અને ઓપરેશનલ અનુભવો સાથે જોડાયેલું હશે. વન્યજીવ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે ’વનતારા યુનિવર્સિટી સ્થાપક ફેલો’ અને સામાજિક રીતે પછાત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ’એવરી લાઇફ મેટર્સ’ શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરવામાં આવી છે.
યુનિવર્સિટીને અત્યાધુનિક લેબોરેટરીઓ, ક્લિનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આંતરરાષ્ટ્રીય સ્તરના રહેણાંક કેમ્પસનો સહયોગ મળશે. અહીં ’ઇન-સિટુ’ (કુદરતી આવાસમાં) અને ’એક્સ-સિટુ’ (આવાસની બહાર) સંવર્ધન પદ્ધતિઓ પર સંશોધન કરવામાં આવશે. વનતારા પહેલેથી જ વન્યજીવોના બચાવ, પુનર્વસન અને આરોગ્યસંભાળમાં પાયાનું કાર્ય કરી રહ્યું છે, ત્યારે આ યુનિવર્સિટી સ્થાપિત થવાથી સંરક્ષણ વિજ્ઞાન અને પ્રજાતિઓના પુન:સ્થાપનમાં તે આંતરરાષ્ટ્રીય સ્તરનું ઉત્કૃષ્ટ કેન્દ્ર બનશે.



