મહિલાઓએ ’પાણી નહીં તો વેરો અને મત નહીં’ના નારા લગાવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના જીવરાજ પાર્ક નજીક આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ફ્લેટધારકોએ પાણી મુદ્દે વિરોધ કર્યો હતો. આજે સતત બીજા દિવસે જીવરાજ પાર્કની મહિલાઓ દ્વારા ’પાણી નહીં તો વેરો અને મત નહીં’ના નારા સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
આ અંગે સ્થાનિક મહિલા ગીતાબેન સિનોજિયાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં લાંબા સમયથી પાણીની મુશ્કેલીઓ આવી રહી છે. 10 હજાર કરતા વધુ લોકો આ વિસ્તારમાં રહે છે. છતાં અમારી સમસ્યાનો ઉકેલ આવતો નથી.
જો કે, જ્યાં સુધી બોરમાં પાણી હતું ત્યાં સુધી અમે કોર્પોરેશન સમક્ષ કોઈ માગ કરી નથી, પરંતુ કાળઝાળ ગરમીને કારણે તેમાં પાણી ડુકી ગયું હોવાથી ભારે મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગઈકાલે આ અંગે રજૂઆત કરી ત્યારે આજે સવારે 8 વાગ્યે પાણી આવશે તેમ કહેવામાં આવ્યું હતું. છતાં પણ આજે પાણી નહીં આવતા મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે પાણી નહીં મળે તો અમે વેરા પણ નહીં ભરીએ અને મત પણ નહીં આપીએ.