ખાસ-ખબર સંવાદદાતા
મોરબી પોલીસ હેડ ક્વાટર્સમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને દોડવીર એવા ભૂમિબેન ભૂત ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં છેલ્લા આઠ વર્ષથી મોરબીને ગૌરવ અપાવી રહ્યા છે ત્યારે આ વખતે પણ તેઓએ સ્પર્ધામાં સતત નવમી વખત ભાગ લીધો હતો અને માત્ર બે-ત્રણ સેક્ધડના ફેરફારને કારણે તેઓ બીજા ક્રમને બદલે ચોથા ક્રમે વિજેતા બન્યા હતા જોકે આમ છતાં તેઓ નેશનલ સ્પર્ધામાં ભાગ લેવા માટે ક્વોલિફાય થયા છે. પ્રતિવર્ષ જૂનાગઢ ખાતે ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન થાય છે ત્યારે રવિવારે યોજાયેલ રાજ્યકક્ષાની 37મી ગીરનાર આરોહણ સ્પર્ધામાં કડકડતી ઠંડીમાં રાજ્યભરમાંથી 1227 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં મોરબી પોલીસ હેડ ક્વાટર્સમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ભૂમિબેન દુર્લભજીભાઈ ભૂતે સતત નવમી વખત સિનિયર ગર્લ્સ કેટેગરીમાં ભાગ લીધો હતો જો કે પાછલી આઠ સ્પર્ધામાં સતત પ્રથમ નંબરે આવતા ભૂમિબેન આ વખતે બે ત્રણ સેક્ધડના ફેરફારને કારણે ચોથા નંબર પર આવ્યાં હતાં. તેઓએ 43.45 મિનિટમાં કઠિન ગણાતી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા પૂર્ણ કરી સિનિયર ગર્લ્સ કેટેગરીમાં ચોથા નંબરે વિજેતા બનતા હવે તેઓ નેશનલ રમવા ક્વોલિફાય થયા છે.