હળવે હૈયે
– જગદીશ આચાર્ય
અયોધ્યામાં રામ મંદીર માટે ભૂમિપૂજન થતાં દેશ આખો ભાવવિભોર બન્યો તેની સાથે કમનસીબે કેટલાંક વિવાદ પણ થયા.આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રપતિને આમંત્રણ કેમ ન મળ્યું એવો સવાલ કરીને સરકારને દલિત વિરોધી માનસિકતા ધરાવતી ગણાવી.એ રાજકીય ખટપટો ને ધ્યાનમાં ન લઈએ તો પણ પ્રખર રામભક્ત મોરારીબાપુને આમંત્રણ ન મળતાં દેશ વિદેશના એમના લાખો ચાહકો,ભાવકો અને ફ્લાવર્સના હૃદયને ઠેસ પહોંચાડી છે એ વાતનો ઇનકાર થઈ શકે તેમ નથી.આવું કેમ બને?રાજકોટમાંથી સ્વામી પરમાત્માનંદજી સહિત ગુજરાતમાંથી ચાર સંતોને આ અવસર પર બોલાવવામાં આવ્યા.પણ જેમણે રામકથાના માધ્યમથી દેશ વિદેશના ઘર ઘરમાં,એક એક હૃદયમાં પ્રભુ રામની ભક્તિની સરિતા વહાવી,જેમણે જળ,જમીન અને આસમાનમાં રામ કથા દ્વારા સમગ્ર બ્રહ્માડને રામ રંગે રંગયું એ મોરારીબાપુ જ કેમ ભુલાયા?
દેખીતી રીતે જ એમની ઉપેક્ષા આઘાતજનક હતી.અને હજુ પણ તેના માટેના કારણોની ચર્ચા અટકવાનું નામ નથી લેતી.એક મત એવો છે કે એકાદ વર્ષ પહેલાં એક કથા દરમિયાન મોરારી બાપુએ ખૂબ ભારપૂર્વક,મુઠ્ઠી પછાડીને એવો મત વ્યક્ત કર્યો હતો કે રામ મંદીરનું શીલાપુજન કોઈ રાજકારણીના હસ્તે તો ન જ થવું જોઈએ.બાપુના એ વક્તવ્યની વિડીયો કલીપ આ સમય દરમિયાન જોરદાર વાયરલ થઈ હતી.
- Advertisement -
એક કારણ એ પણ માનવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણ ના પરિવાર અંગે બાપુએ આપેલા મંતવ્યો નડી ગયા.એ મંતવ્યો અંગે વિવાદ થયા બાદ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના યાદવ સમાજે મોરારીબાપુ સામે રોષ પ્રગટ કરી એ રાજ્યોમાં તેમના પ્રવેશ સામે પ્રતિબંધ ફરમાવ્યો હતો.જન્મભૂમિ પૂજન વખતે મોરારીબાપુને અમંત્રણ આપવામાં આવે તો કદાચ વિરોધ થાય અને એક શુભ પ્રસંગે અનિચ્છનીય વિવાદ ઉભો થઇ શકે અથવા તો યાદવ વોટબેંકની નારાજગી વ્હોરવી પડે એ સંભાવનાને નિહાળી તેમને કદાચ બાકાત રાખવામાં આવ્યા હોય એવો પણ એક મત છે.
આ અગાઉ મોરારીબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે પણ વિવાદ થયો હતો.મોરારીબાપુને આમંત્રણ આપવાથી સ્વામિનારાયણ સંપ્રદાયના કરોડો ભાવિકો કદાચ નારાજ થાય એ ડરથી પણ બાપુને આમંત્રણ આપવાનું ટાળવામાં આવ્યું હોય તેવું પણ એક વર્ગ માને છે.મોરારીબાપુ પહેલેથી રામ મંદીર નિર્માણના સમર્થક રહ્યા હતા.એ માટે એમણે 10 કરોડ કરતાં વધારે રકમનું દાન પણ મોકલ્યું. કોઈ એક સંસ્થાએ આપેલું આ મોટામાં મોટું દાન છે.મોરારીબાપુનું સમગ્ર જીવન રામ રંગે રંગાયેલું છે. તેમની અવગણના આઘાતજનક છે. જો કે બાપુએ માત્ર એટલું જ કહ્યું કે મંદીર નિર્માણ માટે મારી આંતરિક ઉર્જાનું જે પ્રદાન છે એટલું કદાચ બીજા કોઈનું નથી.બાપુની એ ઉર્જા એટલે એમનો રામ પ્રેમ,એમની રામ ભક્તિ.એ ભક્તિ હોય તેના તો હૃદયમાં જ મંદીર હોય.એટલે જ મોરારિબાપુએ નિસ્પૃહભાવ ધરી કોઈ કડવી પ્રતિક્રિયા નથી આપી.પણ ક્યા માપદંડ અને કયા નવતર ધારાધોરણ હેઠળ બાબા રામદેવને આમંત્રણ અપાયું અને મોરારીબાપુને ભૂલી જવાયા એ કોઈ આજે પણ સમજી શક્યું નથી.