એપલ હાલમાં એપ સ્ટોર પરથી ઘણી એપ્સને બેન કરી રહી છે. આ બેનમાં સૌથી વધુ ચેટિંગ એપ્સનો સમાવેશ થાય છે. એપલે તેના એપ રિવ્યૂ ગાઇડલાઇન્સમાં સુધારો કર્યો છે અને એના હેઠળ હવે તે રેન્ડમ અથવા અનૉનિમસ ચેટ કરવા દેતી એપ્સને દૂર કરી રહ્યું છે. કંપની કહે છે કે આ પગલું યુઝર સેફ્ટી વધારવા માટે છે. એમાં ખાસ કરીને હેરાસમેન્ટ, બુલિંગ અને હાનિકારક કન્ટેન્ટના વધતા જોખમોને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે.
ટેક્નિકલ અને સેફ્ટીને લઈને ચિંતા
- Advertisement -
અનૉનિમસ ચેટ એપ્સની ઘણાં લાંબા સમયથી અસુરક્ષિત ઇન્ટરએક્શનને પ્રોત્સાહન આપવા બદલ ટીકા કરવામાં આવી રહી હતી. એપલના નવા નિયમો અનુસાર આ એપ્સ હવે પોર્નોગ્રાફી, ધમકી અને બુલિંગ સાથે જોડાયેલી સર્વિસીસની કેટેગરીમાં આવી રહી છે. નવી અપડેટેડ માર્ગદર્શિકા હેઠળ આ પ્રકારની એપ્સને હવે કોઈ પૂર્વ સૂચના વિના દૂર કરી શકાય છે. યુઝર્સને હવે આકસ્મિક ઓનલાઈન ખરાબ અનુભવ મળે એની સામે હવે આ દ્વારા કડક વલણ ધરાવવામાં આવી રહ્યું છે.
એપલનું આ પગલું ભરવાનું કારણ શું?
એપલ દ્વારા આ નિર્ણય બે સ્પષ્ટ કારણોને લીધે લેવામાં આવ્યું છે. બાળકોની સુરક્ષા પર વધુ ભાર મૂકવો અને એપ રિમૂવલ અંગેની ભૂતકાળની ગૂંચવણ ટાળવા માટે આ નિયમમાં બદલાવ કર્યો છે. ICEBlock (ઇમિગ્રેશન એનફોર્સમેન્ટ ટ્રેક કરવા માટેની એપ)ને દૂર કરવા માટે લોકોએ વિરોધ કર્યો હતો. એ સમયે એપલના નિયમો લોકોને અસ્પષ્ટ લાગ્યા હતા. આ સાથે જ નેપાળ અને ઇરાનમાં જ્યારે વિરોધપ્રદર્શન થઈ રહ્યું હતું ત્યારે પ્રદર્શનકારીઓ દ્વારા અનૉનિમસ ચેટ એપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આથી આ બે ઘટના બાદ એપલ નિયમ કડક કરી રહ્યું છે અને એ દર્શાવે છે કે એપલ હવે કોઈ ઢીલ રાખવા માગતું નથી.
- Advertisement -
ડેવલપર્સ અને યુઝર્સ પર થશે અસર
ડેવલપર્સ માટે આ બદલાવનો અર્થ એ થયો કે તેમણે નિયમોને વધુ કડક રીતે પાળવા પડશે. યુઝર-જનરેટેડ કન્ટેન્ટ પર આધારિત એપ્સમાં હવે ખૂબ સુરક્ષિત રિપોર્ટિંગ ટૂલ્સ અને ફિલ્ટરિંગ મિકેનિઝમ્સ પૂરા પાડવા પડશે. આ સાથે જ મુખ્યત્વે અનૉનિમસ અથવા રેન્ડમ ચેટ પર આધારિત પ્લેટફોર્મ્સને હવે એપ સ્ટોરમાં મંજૂરી નહીં મળે. આથી એપલના નિયમ દર્શાવે છે કે કંપની અનૉનિમસ ઇન્ટરએક્શનની ફીચર કરતાં સુરક્ષાને વધુ પ્રાથમિકતા આપી રહી છે.
વિશ્વભરની સરકાર દ્વારા પ્રેશર
એપલનું આ પગલું દુનિયાભરના દેશોની સરકાર દ્વારા કરવામાં આવી રહેલું પ્રેશર હોવાનું પણ કહેવામાં આવે છે. એપલ પર OmeTV જેવી એપ્સને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. પરિણામે એને બાળકોની સુરક્ષાના મુદ્દે એપલ અને ગૂગલ બંનેના સ્ટોર્સમાંથી દૂર કરવામાં આવી હતી. એપલનું આ પગલું આંતરરાષ્ટ્રીય ડિજિટલ સેફ્ટી અપેક્ષાઓ સાથે પોતાના પ્લેટફોર્મને વધુ સુરક્ષિત રાખી રહ્યું છે. તેમ જ વિવાદોને અટકાવવા માટે કાર્ય પણ કરી રહ્યું છે.
પ્રતિબંધની અસર
આ પ્રતિબંધ iOS પરના સોશિયલ એપ માટે નવેસરથી શરૂઆત કરવા માટે ડેવલપર્સને મજબૂર કરી રહ્યું છે. આ પ્રતિબંધનો વિરોધ કરતાં લોકો દલીલ કરે છે કે આ નિર્ણય અભિવ્યક્તિની સ્વતંત્રતા અને એપ ડિઝાઇનમાં પ્રયોગને મર્યાદિત કરી શકે છે. જોકે મોટાભાગના લોકોનું માનવું છે કે આ ઓનલાઈન હેરાસમેન્ટ રોકવા માટે જરૂરી પગલું છે. આ નવા નિયમ પરથી એપલ એ પણ જણાવી રહ્યું છે કે એપ સ્ટોરમાં શું રહે છે તેના પર એપલની સત્તા છે.




