તું જ છે આઠે પ્રહરની આરઝુ, ને મને થોડી ઘડી તું સાંપડે.
વ્હાલી જિંદગી,
તું મારો એ વિચાર છે જેને વિચારતા વિચારતા મારી આખી જિંદગી ખરચી કાઢું. તું મારાં હૈયામાં વંટોળની જેમ સતત બધી જ બાજુ ફેલાયેલી અને વીંટળાયેલી રહે છે. તારાથી થોડી ક્ષણની પણ દૂરતા હું સહી નથી શકતો કારણ કે તું મારાં આત્માની દિવ્યતાનું જ બીજું નામ છે. તું મારાં હૈયાનાં હીંચકા પર ઝૂલતા અરમાનોનું, સપનાઓનું અને આશાઓનું એ કિરણ છે જે મને સતત જીવાડે છે. આ રીતે સતત સાથે રહી વૃદ્ધત્વ માણી લેવાના સપના પણ મને બહું મીઠાં લાગે છે. એક દિવસ બંને લાકડીના કે એકબીજાના હાથના ટેકે દૂર દૂર સુધી ચાલવા જતાં હોઈશું… સહેજ સ્મરણશક્તિના અભાવે અને થોડાં દિવસ પહેલાની વિતેલી સામાન્ય વાતો વિચારી, શ્રવણશક્તિના અભાવે ઊંચા અવાજે બોલવામાં પણ કેવી મીઠાશ હોય છે એ પણ માણીશું. મારો ધ્રૂજતો હાથ તારો સ્પર્શ પામતા જ એકદમ શાંત થઈ તારા સ્પર્શમાં રમમાણ થઈ જશે… ઝાંખપવાળી આંખો ભલે ઓછું, આછું કે સાવ ધૂંધળું જોઈ શકતી હશે પણ તારા ચહેરાને, તારા રૂપને આકંઠ પીધાં પછી એ ચહેરાની બધી જ કરચલીઓને ઉકેલી શકાશે. જિંદગી! હું તને ખૂબ જ પ્રેમ કરું છું કારણ કે તું મારો જીવનધર્મ છે. ધર્મ ધારણ કરવાનો હોય કાં તો ધર્મ જ આપણને ધારણ કરે પણ મારું કઈંક સાવ નોખું છે. હું તને એ દરજ્જે ચાહું છું કે તને ધારણ કરી શકું એવી શક્તિ નથી. એનું ય એક કારણ કે હું પૂર્ણપણે તારાથી જ ભરાયેલો છું. પ્રેમ તો છૂટ્ટા હાથે, લહેરથી નિરંતર આપવાનું નામ છે. તારામાં ચૂર થઈ ખોવાઈ જવાનું અને અહમ્ સાથે સ્વને ઓળખવાનું નામ છે. હું એટલો લીન છું કે મને સારું – નરસું, સુખ – દુ:ખ, પીડા- આધિ- વ્યાધિ આ બધું જ રૂપાળું અને રમણીય લાગે છે. તારી સાથેની દરેક પળને પી પીને મારે આખો જન્મારો સુધારવાનો છે. જિંદગી! તું મારાં આત્માના અજવાળાનું એ તેજ છે મને હંમેશા પ્રકાશિત કરે છે. તારા હૈયાં પર બંધાયેલી હીરની દોરી મને નવજીવન તરફ દોરી જાય છે. હું દુનિયાનો સૌથી સુખી અને સફળ પુરુષ છું કારણ કે મારી અંદર, બહાર બધે જ તારા પ્રેમની દિવ્ય જયોત પ્રકાશી રહી છે. વહેલી સવારે તું મારાં કપાળ પર ચાંલ્લો કરે છે ત્યારે એક આછું લખલખું પસાર થઈ મને ભીંજવી દે છે. તારા પ્રત્યે મારી શ્રદ્ધા વધારે ઘેઘૂર બનતી જાય છે મારું સમર્પણ એક સામટું તારા હૃદય પર ચડી બેસવા માટે અધીરું થઈ જાય છે. તારા એક આછા સ્મિથી મારી બધી જ સવાર જાણે કે સોનેરી બનીને સાંજ સુઘી મહેકતી રહે છે. હું સાવ ભર્યો ભાદર્યો તારામાં રમમાણ રહું છું કારણ કે તારા પ્રત્યેની મારીનિષ્ઠા મને જીવન જીવવાની ગુરુચાવી આપી જાય છે. મારી દૃષ્ટિએ પ્રેમ એ તારા આનંદના સરનામાનું નામ છે. હું તારી પાસેથી એ ક્યારેય નહીં છીનવું. તારા પ્રેમના દરિયામાં હું સતત પ્રેમ, સત્ય, સમર્પણ અને શ્રદ્ધાનું તર્પણ કરી ટીપું ટીપું ઉમેરતો જઈશ, પછી એક દિવસ તો એ આખો દરિયો આપણાં આનંદનું અસીમ સ્વર્ગ બની બંનેને આનંદ કરાવશે.
તને સતત શ્વસતો…
જીવ.
(શીર્ષકપંકિત:- ભરત વિંઝુડા)