આજકાલ બહુ ચર્ચામાં છે એ સંદેશખાલી વિવાદ શું છે!
મણિપુર અને પશ્ચિમ બંગાળ રમખાણ મામલે ભાજપ આચરી રહ્યું છે બેવડી નીતિ!
- Advertisement -
પશ્ચિમ બંગાળનો એક જિલ્લો, ઉત્તર 24 પરગણા આ નામનો પણ એક ઇતિહાસ છે. ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા બંગાળના નવાબ તરીકે સ્થાપિત કરાયેલા મીર જાફરે 15 જુલાઈ 1757થી 24 પરગણા અથવા તો 24 મહાલના (જમીનનો વિસ્તાર જેને અનેક પટ્ટાઓ દ્વારા વિભાજીત કરી તેમાંથી પ્રાપ્ત રાજસ્વ અલગથી નક્કી કરવામાં આવે છે.)અધિકાર કંપનીને સોંપી દીધો હતો.
સદીઓથી સામાજિક-ભૌગોલિક વિષમતાઓ વેઠતો તેમજ સંવેદનશીલ આંતરાષ્ટ્રીય સરહદ ધરાવતો 24 પરગણા વાસ્તવમાં એક જટિલ જિલ્લો છે, જે મેટ્રોપોલિટન કોલકાતાથી લઈને બંગાળની ખાડીના મુખ સુધી દૂરના નદી કિનારે આવેલા ગામો સુધી વિસ્તરેલો છે. તેના આશ્ચર્યજનક કદ અને વસ્તી ઉપરાંત, જિલ્લા વહીવટીતંત્રને પણ ચોક્કસ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શહેરી વિસ્તારમાં ઉચ્ચ વસ્તી ગીચતા અને ઓવરલોડેડ નાગરિક માળખાકીય સુવિધાઓ અને ગ્રામીણ વિસ્તારમાં તેનાથી વિપરીત, પરિવહન અને સંદેશાવ્યવહાર સુવિધાઓનો અભાવ તેમજ નબળી વિતરણ વ્યવસ્થા ધરાવે છે 84% વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે, જે પંચાયત સંસ્થાઓની દેખરેખમાં આવે છે. બાકીની 16% વસ્તીની દેખરેખ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાત નગરપાલિકાઓ દ્વારા કરવામાં આવે છે. અનુસૂચિત જાતિ કુલ વસ્તીના 39% છે અને ઇઙક પરિવારો વસ્તીના 37.21% છે.
બાંગ્લાદેશની સરહદે આવેલા પશ્ચિમ બંગાળના ઉત્તર ચોવીસ પરગણા જિલ્લામાં સ્થિત સંદેશખલી ગામનું નામ પાંચ જાન્યુઆરી પહેલા ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હશે પણ અહીં એવું કંઈક થયું કે સંદેશખલીનું નામ આજકાલ દરેક અખબારના પાના પર છે. આખરે સંદેશખાલીમાં એવું તો શું થયું કે રાતોરાત દેશભરમાં તેનું નામ ચર્ચાય છે! શા માટે ટીએમસીની હરીફ પાર્ટીઓ અને ખાસ કરીને ભાજપના નેતાઓ આ મામલે દીદીને માત આપવાના ફોર્મમાં છે અને અહીંના લોકો મમતા બેનર્જીથી નારાજ છે?
આખા વિવાદના મૂળમાં વાત જાણે એમ છે કે, 5 જાન્યુઆરી, 2024 ના રોજ જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ રાશન કૌભાંડ કેસની તપાસ માટે ટીએમસી નેતા શાહજહાં શેખના સંદેશખાલી નિવાસસ્થાન પર દરોડો પાડવા માટે પહોંચી તો ત્યાં ઊઉની ટીમ પર હુમલો કરીને તેને પરત ફરવાની ફરજ પાડવામાં આવી હતી. આ હુમલામાં કેટલાક અધિકારીઓ પણ ઘાયલ થયા હતા. તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખના સમર્થકો પર ઈડીની ટીમ પર પથ્થરમારો કરવાનો આરોપ છે અને તે દિવસથી શાહજહાં શેખ ફરાર છે. (શાહજહાં શેખને અહીં લોકો ભાઈ કહીને બોલાવે છે. શાહજહા શેખ સંદેશખલી યુનિટનો ટીએમસી પ્રેસિડેન્ટ છે આ ઉપરાંત લોકલ ફીશરી બોર્ડનો પ્રમુખ છે.)
હવે, આ ઘટનાના એક મહિના પછી, નોર્થ ચોવીસ પરગણાના ગામ સંદેશખલીમાં 7ફેબ્રુઆરીના રોજ તૃણમુલ કોંગ્રેસ તરફથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તો સામે પક્ષે ભાજપ દ્વારા પણ આ દિવસે જ રેલીનું આયોજન થયું હતું. આ દરમ્યાન બંને પક્ષ વચ્ચે સંઘર્ષ ઉભો થયો અને ત્યાંના રહેવાસીઓ સડકો પર ઉતરી આવ્યા તો તંત્ર દ્વારા અહીંયા ધારા 144 અને ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
જેમાં ખાસ કરીને મહિલાઓએ ટીએમસી સામે સખત વિરોધ દર્શાવ્યો હતો, ટીએમસીના નેતા શાહજહાં શેખ ઉપર અનેક પ્રકારના આરોપો લગાવ્યા હતા. મહિલાઓ સાવરણી અને ડંડા લઈને વિરોધ કરવા પર ઉતરી આવી પોલીસ સ્ટેશન પર જઈ રહી હતી. અહીં જોવાનું એ છે કે તેમનો વિરોધ ફક્ત ટીમેસી કર શાહજહાં શેખ પૂરતો જ નહીં પરંતુ પોલીસ સામે પણ હતો. કારણ કે પોલીસ તેમને આ સ્થાનિક નેતાઓના અત્યાચાર સામે કોઈ જ રક્ષણ કે કશી મદદ કરતી ન હતી, લોકોની ફરિયાદને ગણકારતી ન હતી. સંદેશખાલીની સ્થાનિક મહિલાઓએ શાહજહાં શેખ અને તેના સમર્થકો વિરુદ્ધ રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું. અને આ વિરોધ પ્રદર્શન વિવાદ ત્યારે વધી ગયો જ્યારે 9 ફેબ્રુઆરીએ વિરોધ કરી રહેલી મહિલાઓએ શાહજહાં શેખના સમર્થક શિવકુમાર હાઝરાની માલિકીના ત્રણ પોલ્ટ્રી ફાર્મમાં આગ લગાવી દીધી. મહિલાઓનો આરોપ છે કે આ ખેતરો ગ્રામજનો પાસેથી બળજબરીથી છીનવી લેવામાં આવેલી જમીન પર બાંધવામાં આવ્યા છે. 8 ફેબથી, લગાતાર સતત દેખાવો થઈ રહ્યા છે. નોંધનીય છે કે ઊઉ દ્વારા સમન્સ મોકલવા છતાં હાજર ન રહેનાર શાહજહાં શેખ ક્યાં છે તેની કોઈને ખબર નથી.
TMCના આ ગુંડાછાપ નેતાની ટોળી, પોલીસ પર સ્થાનિકોએ ઘણા આરોપો લગાવ્યા છે
મહિલાઓએ શાહજહાં શેખ અને તેના સમર્થકો પર જાતીય સતામણીનો સંગીન આરોપ લગાવ્યો છે
- Advertisement -
મહિલાઓએ આરોપ લગાવ્યો છે કે સ્થાનિક નેતાઓ દ્વારા તેમની જમીન પડાવી લેવામાં આવે છે તે ઉપરાંત તેઓ લોકોને માનસિક ટોર્ચર કરે છે. લોકોનો આરોપ છે કે પોલીસ આ ગુંડા છાપ નેતા સાથે ભળેલી છે. લોકો તો ત્યાં સુધી કહે છે કે શાહજહા શેખ ગામમાં જ છે પોલીસ તેના નિયમિત સંપર્કમાં છે છતાં તેને પકડતી નથી.
સ્થાનિક મહિલાઓ જણાવે છે કે સંદેશખાલીમાં શાહજહાં શેખ અને તેના સાગરીતોનું ખુલ્લો ગુંડા રાજ છે તેઓની સામે હરફ ઉચ્ચારવાની કોઈની હિંમત નથી. આ લોકો ગામડાના લોકોની જમીન દબાણપૂર્વક ખરીદે છે અને તેની કિંમત પણ આપતા નથી. શ્રમિકો પાસે કામના કલાકો ઉપરાંત ગજા બહારનું કામ કરાવવાની ફરજ પાડવામાં આવે છે અને જ્યારે શ્રમિકોએ કામનું વળતર માંગે તો એ પણ મળતું નથી ઉલટું તેમને મારવામાં આવે છે.
આ ઉપરાંત, વિરોધ કરી રહેલી મહિલાઓએ શાહજહાં શેખ અને તેના સમર્થકો પર જાતીય સતામણીનો સંગીન આરોપ લગાવ્યો છે. એવો દાવો કરવામાં આવે છે કે શાહજહાં શેખના સાગરીતો રાત્રે આવતા હતા અને સ્ત્રીઓને બળજબરીથી ઉપાડી જતા હતા આખી રાત આ સ્ત્રીઓનું ઉત્પીડન કરવામાં આવતું અને સવારે છોડી મુકતા હતા.પીડિત મહિલાઓ કેમેરા સામે આવતાં ડરતી હતી. અલબત્ત, તેમણે પોલીસ ફરિયાદ કરી પરંતુ ત્યાંથી કે સરકાર પાસેથી, ક્યાંયથી તેમને કોઈ જ મદદ મળતી નહોતી. વિરોધ કરી રહેલી મહિલાઓનો આરોપ છે કે તૃણમૂલ કોંગ્રેસના લોકો ગામમાં ઘરે-ઘરે જઈ સર્વે કરે છે. જે કોઈ ઘરમાં કોઈ સુંદર સ્ત્રી કે છોકરી દેખાય તો તેને પાર્ટી ઓફિસ લઈ જવામાં આવે છે. ત્યારપછી મહિલાને દિવસો સુધી ત્યાં રાખવામાં આવે છે!
ઇવન, ટીમેસી વુમન બુથ પ્રેસિડેન્ટ કહે છે કે આખરે સ્થાનિકોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવવાની હિંમત કેળવી! આજ સુધી તેઓ ડરતા હતા અત્યાચાર સહન કરતા હતા. કારણ, નેતાઓ દ્વારા ધમકી આપવામાં આવે છે કે જો મોઢું ખોલશો તો મારી નાખીશું.
અલબત્ત, શાહજહાં શેખના નજીકના શિબુ હઝરાએ સ્પષ્ટતા આપી છે કે મહિલાઓના જાતીય સતામણીના તમામ આરોપો ખોટા છે. તેને ષડયંત્રમાં ફસાવવામાં આવ્યાનો સીપીએમ અને ભાજપ પર આરોપ લગાવ્યો છે!! આ દરમિયાન રેપિડ એક્શન ફોર્સ, પોલીસને તહેનાત તો કરવામાં આવી પણ સ્થાનિક લોકોમાં ટીમેસી સામે હજુપણ એવો જ આક્રોશ છે. લોકોની માંગ એ છે કે ફક્ત શાહજહાં શેખ જ નહીં પરંતુ તેના બે સાગરિત શિબુ હાજરા અને ઉત્તમ સરદાર જે ટીએમસીનો પંચાયત પ્રેસિડેન્ટ છે તેના પર કાર્યવાહી કરવામાં આવે. બે ચાર દિવસ પહેલા જ ખબર આવી છે કે ઉત્તમ સરદારની ધરપકડ કરવામાં આવી છે.
પશ્ર્ચિમ બંગાળના રાજ્યપાલે સંદેશખાલીની મુલાકાત લીધી હતી
આ બધા વચ્ચે અનુસૂચિત જાતિ આયોગ તેમજ વિપક્ષો દ્વારા, બગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાડવાની માંગ વારંવાર ઉઠી રહી છે. ટીએમસીની વિરુદ્ધમાં અનુસૂચિત જાતિ આયોગે સુપ્રીમ કોર્ટને પોતાની રિપોર્ટ સોપ્યો દીધો છે જેમાં જણાવાયું છે કે બંગાળની હાલત એટલી ખરાબ છે કે અહીંના શોષિત વંચિત વર્ગને તેની પરિસ્થિતિમાંથી ઉગારવા તમારે કંઈક અસરકારક પગલું લેવું જ પડશે.
આ મુદ્દે રાજનૈતિક પાર્ટીઓ પોતપોતાની ખીચડી પકવી રહી છે નૈતિકતાનાં પરાજય સમાન સંદેશખાલીના મુદ્દાએ હવે રાજનૈતિક રંગ પકડ્યો છે. ભાજપ અને ટીએમસી એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે ટીએમસી સરકાર મહિલા સુરક્ષા બાબતે નિષ્ફળ છે. તો ટીએમસીએ ભાજપ પર રાજકીય લાભ માટે વિવાદ ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. પીડિત મહિલાઓના સમર્થનમાં ભાજપના નેતાઓ પણ રસ્તા પર ઉતરી આવ્યા છે. બંગાળના ગવર્નર સંદેશખલી જવા માગતા હતા પણ તેઓને અધરસ્ત જ રોકી દેવામાં આવ્યા. કારણમાં જણાવવામાં આવ્યું કે કેન્દ્ર તરફથી રાજ્યને મદદ મળતી નથી! આ ઉપરાંત અધિરરંજન ચૌધરીને તેમજ અન્ય વિપક્ષી નેતાઓને રોકવામાં આવ્યા. ત્યારબાદ, વિવાદ વધ્યા બાદ પશ્ચિમ બંગાળના રાજ્યપાલે 12 ફેબ્રુઆરીએ સંદેશખાલીની મુલાકાત લીધી હતી. અહીં મહિલાઓને મળ્યા બાદ રાજ્યપાલે મીડિયાને કહ્યું, ’મેં સંદેશખાલીની માતાઓ અને બહેનોની વાત સાંભળી. મને વિશ્વાસ નહોતો કે રવીન્દ્રનાથ ટાગોરની ભૂમિમાં આવું બની શકે!
પોલીસે બીજેપી ઓબ્ઝર્વેર વિકાસસિંહની ધરપકડ કરી છે પોલીસનું કહેવું છે કે આ સમગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન વિકાસ સિંહે લોકોને ભડકાવવાનું કામ કર્યું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિધાનસભામાં સંદેશાખાલી પર બોલતા કહ્યું કે, અમે સમગ્ર મામલે કાર્યવાહી કરી છે. ભાજપ બહારથી લોકોને આમંત્રણ આપીને વાતાવરણ બગાડી રહ્યું છે. ભાજપના લોકો આ મામલે નિવેદન આપી રહ્યા છે. સંદેશખાલી આરએસએસનું બંકર બની ગયું છે.
ભારતના બે રાજ્યો સંદર્ભે ભાજપની બેવડી નીતિ
મણિપુર હિંસા અને ત્યાં મહિલા પર જાતીય હિંસા તેમજ અત્યાચારો પર મોઢું સીવીને બેઠેલ ભાજપે ગનીમત છે કે અહીં પોતાનું ભેદી મૌન તોડ્યું છે! જો કે આ મૌન શું કામ તોડ્યું છે એ પણ સર્વવિદિત છે. આ મામલે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા બે કેન્દ્રીય મંત્રી અને ચાર સાંસદની કમિટી બનાવી છે જે સંદેશખાલી બોર્ડર પર પહોંચી ત્યાં જ હંગામો શરૂ થઈ ગયો હતો. પોલીસે તેઓને સંદેશખલીમાં પ્રવેશતા રોક્યા છતાં તેઓએ આગળ વધવાની નાકામ કોશિશ કરી હતી કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીની લિડર શિપમાં પાંચ મહિલાએ વિનંતી કરી કે તેઓ ધારા 144નું પાલન કરશે. છતાં પણ તેમને જવા દેવામાં ન આવ્યા ત્યારે અન્નપૂર્ણા દેવીનું ઋજુ હૃદય અહીંની પીડિત મહિલાઓની પીડા અંગે દ્રવી ઉઠ્યું હતું! હા, ભાજપનું એ જ હૃદય કે જે મણિપુર મામલે પથ્થર હતું. ખેર, આ મામલાના એક દિવસ અગાઉ ટીએમસી છોડીને ભાજપમાં ભળેલા શુભેન્દુ અધિકારીને પણ સંદેશખલી જતા રોકવામાં આવ્યા હતા. જો કે વેસ્ટ બેંગાલ વુમન કમિશને અહીં પીડિત મહિલાઓની મુલાકાત લીધી છે હવે જોઈએ આગળ શું થાય છે. સતત હિંસા તેમજ રકતરંજીત રાજનીતિના સમર્થક દીદી વધુમાં કહે છે કે, અહીં પહેલા પણ રમખાણો થયા છે પણ મેં ક્યારેય કોઈની સાથે અન્યાય થવા દીધો નથી અને થવા દઈશ નહીં! લો બોલો!