ધોરણ 1 અને 2માં કોઈ ગૃહકાર્ય જ નહીં તેમજ ધોરણ 3થી 5માં અડધો કલાકનું જ ગૃહકાર્ય આપવા સૂચના
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય સરકારે શિક્ષણ વિભાગ માટે જાહેર કરવામાં આવેલા પરિપત્ર અંગે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. જેમાં આજે વિધાનસભા ગૃહમાં પૂછવામાં આવેલા પ્રશ્નમાં બાળકોની શાળાના બેગનું વજન તેમના વજનથી 10 ટકાથી વધુ ન હોવું જોઇએ તેમ જણાવ્યું છે. તેમજ શિક્ષણ વિભાગને પણ સમય પત્રક અનુસાર જ કામ કરવા માટે સૂચના આપવામાં આવી છે.
આજે વિધાનસભા સત્ર દરમિયન સરકારને કોંગ્રેસ તરફથી સવાલ કરવામાં આવ્યો કે, બાળકોના બેગનું વજન કેટલું હોવું જોઇએ અને તેમજ તેમના ગૃહકાર્ય અંગે શું જોગવાઈ કરવામાં આવી છે ? જેના જવાબમાં સરકારે જણાવ્યું કે, શિક્ષણ વિભાગે બેગ ના વજન બાબતે 2018માં ઠરાવ કર્યો છે. જેના અનુસાર, બેગનું વજન પોતાના વજનથી 10 ટકાથી વધુ ન હોવું જોઈએ.
આ ઉપરાંત શાળાના બાળકોના ગૃહકાર્ય અંગે પણ સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો કે, ધોરણ 1 અને 2માં કોઈ ગૃહકાર્ય ન આપવું જોઇએ. તેમજ ધોરણ 3થી 5માં અડધો કલાક ગૃહકાર્ય આપવા સૂચના આપવામાં આવી છે. જ્યારે ધોરણ 6 અને 7 માં એક કલાકનું ગૃહકાર્ય આપવા સૂચના અપાઈ છે. જેના અનુરૂપ શાળાએ પણ કાર્ય કરવું જોઇએ.
જ્યારે શાળામાં બાળકો અંગેના સમય પત્રક અંગે સરકારે જણાવ્યું કે, માન્યતાવાળી પ્રિન્ટેડ સામગ્રીનો ઉપયોગ કરવા અને સમય પત્રક પ્રમાણે કામ કરવા શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. વ્હીલ સ્કૂલ બેગને મંજૂરી હોવી જોઈએ નહીં. જેના અંગે પણ સરકારે સ્પષ્ટતા કરી છે.