વિદ્યાર્થીઓમાં ભારે રોષ
વેકેશનમાં નિયમ વિરુદ્ધ જે પણ શાળાઓ ચાલુ હશે ત્યાં હલ્લાબોલ કરી બંધ કરાવીશું: રોહિતસિંહ રાજપુત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની ખાનગી સ્કૂલોને સરકારે જાહેર કરેલી જાહેર રજાઓમાં શૈક્ષણિક કાર્યો બંધ રાખવાના કોઈ નિયમોનુ પાલન કરાવવાવાળા કોઈ અધિકારી નથી તેમ સંચાલકો પોતાના મનઘડત નિયમોથી ગમે તે વાર-તહેવાર કે મહાપુરુષોની જન્મજયંતિ અને જાહેર રજાઓમાં સ્કૂલો રાખી પોતાની મનમાની ચલાવવાનું શીલશીલો ચાલુ થઇ ગયો હતો. શહેરની નામાંકિત ધોળકિયા સ્કૂલે 21 દિવસની જગ્યાએ 10 દિવસનું વેકેશન કરતા કોંગ્રેસે હોબાળો મચાવ્યો છે. વિદ્યાર્થી નેતા અને કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વેકેશનમાં નિયમ વિરુદ્ધ જે પણ શાળાઓ ચાલુ હશે ત્યાં હલ્લાબોલ કરી બંધ કરાવીશું.
બોર્ડના ધો.10 અને 12ના બાળકોને નજીકમાં પરીક્ષાઓ હોય તો તેનું શૈક્ષણિક કાર્ય ચાલુ રહે તેમાં કોઈ વિરોધ નથી
હાલ દિવાળી તહેવારો નિમિતે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે રાજ્યની તમામ શાળાઓમાં 9 નવેમ્બરથી દિવાળી વેકેશન રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરાયેલા શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે દિવાળી વેકેશન 9 થી 29 નવેમ્બર એટલે કે 21 દિવસનું રહેશે. વેકેશન અંગેનો સરકારનો પરિપત્ર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીથી સ્કૂલોને જાણ કર્યા બાદ પણ અનેક ખાનગી શાળાઓએ માત્ર 10 દિવસનું વેકેશન જાહેર કરતા વિદ્યાર્થીઓમાં અને તેમના વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને આ અંગે વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતને ફરિયાદ કરતા તેઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ રજુઆત કરી હતી. વિદ્યાર્થીનેતા અને કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે આ અંગે વિશેષ જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલા જ અમે જાહેર રજાઓમાં ચાલુ સ્કૂલોને બંધ કરાવી હતી અને તે બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી તમામ સ્કૂલોને શો કોઝ નોટિસ ફટકારી હતી. દિવાળીના વેકેશન અંગે અમને વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની ફરિયાદ મળી છે કે દિવાળી વેકેશન ટૂંકાવીને માત્ર દસ દિવસનું જાહેર કર્યું અને તે બાબતે તમે અમને મદદ કરો. ઉલ્લેખનીય છે હાલના સમયમાં નાની વયના બાળકોમાં માનસિક તણાવમાં આવવાના, માનસિક બીમારીઓ અને આત્મહત્યાના કિસ્સાઓ વચ્ચે શિક્ષણવિભાગ દ્વારા જાહેર કરેલ વેકેશનના ઘણા ફાયદારૂપ કારણો હોય છે. મનોવૈજ્ઞાનિકો દ્વારા પણ તારણ કાઢવામાં આવ્યું છે કે બાળકોની માનસિક સ્વાસ્થ્ય માટે રૂટિન કાર્યો વચ્ચે નિયત સમયે બ્રેક લેવો જરૂરી છે તેમજ સાથો સાથ પરિવારજનો વચ્ચે સમય વિતાવવો ખુબ હિતકારક છે.
- Advertisement -
હાલના સમયમાં મોટાભાગના બાળકો ’ડે સ્કૂલ સિસ્ટમ’માં અભ્યાસ કરતા હોય જેથી રાત્રે થાક્યા પાક્યા જ વહેલા ઊંઘી જતા હોય અને જેથી માતાપિતા કે પારિવારિક સભ્યો સાથે સમય વિતાવતા જ નથી હોતા તેમજ દિવાળીના વાર-તહેવારો નિમિતે વિદ્યાર્થીઓને પરિવાર સાથે બહાર ફરવા જવાનું હોય, કુટુંબી તેમજ પરિવારજનો બાળકો વેકેશન નિમિતે એકબીજા ઘરે અરસપરસ આવતા જતાં હોય,નોકરિયાત વાલીઓના બાળકોને પારિવારિક હૂંફ સહીતની બાબતોને ધ્યાનમાં રાખતા સ્કૂલ સંચાલકોએ જ સ્વેચ્છાએ ધો.1 થી 9 ના બાળકોને પૂર્ણ વેકેશન આપવું જોઈએ. વધુમાં જણાવ્યું હતું બોર્ડના ધો.10 અને 12 ના બાળકોને નજીકમાં પરીક્ષાઓ હોય તો તેનું શૈક્ષણિક કાર્ય ચાલુ રહે તેમાં અમારો કોઈ વાંધો કે વિરોધ નથી. અમે વિદ્યાર્થીઓની દિવાળી વેકેશન અંગેની ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારીને બે દિવસ પહેલા જ ધ્યાન દોર્યું હતું કે જાહેર રજાઓ,વેકેશન અંગેનો શાળાઓ માટે પરિપત્ર તમે જાહેર કરો અને તેમાં ઉલ્લેખ કરો કે નિયમ ઉલાળિયો કરનાર સામે કેવા પ્રકારની કાર્યવાહી કરશો જેથી કોઈ ફરિયાદ જ આવે પરંતુ હજુ સુધી કોઈ પગલાં ના લેવાતા તે સ્પષ્ટ થયું કે ખાનગી શાળાઓ ઉપર શિક્ષણ અધિકારીનો કોઈ અંકુશ છે જ નહિ ! સરકારે સમગ્ર રાજકોટની શૈક્ષિણિક બાબતોની જેના પર જવાબદારીઓ સોંપી હોય તેવા શિક્ષણ અધિકારી જો ફરજનું વહન કરવા સક્ષમ ના હોય તો રાજીનામુ ધરી દેવું જોઈએ.અમે તમામ સ્કૂલ સંચાલકોને પણ વેકેશન અંગે સકાત્મારક વિચારણા કરવા અપીલ કરીયે છે નાના બાળકોને પૂર્ણ વેકેશન આપવું જોઈએ તેમ છતાં જો દિવાળીના વેકેશન બાબતે જે શાળાઓ નિયમ વિરુદ્ધ ચાલુ રાખશે ત્યાં અમે કોંગ્રેસના યુવા અને વિદ્યાર્થી કાર્યકરોની ટીમ સ્કૂલ પર હલ્લાબોલ કરી બંધ કરાવીશું અને જરૂર પડ્યે આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ તાળાબંધી પણ કરાવીશું તેવું અંતમાં જણાવ્યું હતું.
ખાનગી શાળાઓએ સ્વેટરના પણ પૈસા ઉઘરાવી લીધાં!
રાજકોટ શહેર એનએસયુઆઈના પ્રમુખ બ્રિજરાજસિંહ રાણા સહિતના કાર્યકર્તાઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પાઠવ્યું હતું કે, ખાનગી શાળાઓએ 21 દિવસના બદલે ફક્ત 10 દિવસનું વેકેશન જાહેર કર્યું છે. જ્યારે પ્રોજેક્ટ વર્ક પણ આપી દેવાયું છે. જ્યારે કેટલીક શાળાઓએ શિયાળામાં સ્કૂલમાંથી જ સ્વેટર લેવું અને પહેરવું તેવુ દબાણ કરી તેના પૈસા ઉઘરાવી લેવાયા છે.