વિજયભાઈને જાણતા – અજાણતા લોકો પણ અવસાદમાં સરી ગયા છે, કારણ સ્પષ્ટ છે વિજયભાઈમાં રહેલા કરુણા, વિનમ્રતા, જીવદયા, સાદગી, સદભાવ, સમર્પણ જેવા સદ્દગુણો
અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થતા 250થી વધુ લોકો મૃત્યુ પામ્યા. આ આઘાતજનક અકસ્માતથી સ્વર્ગથ વિજયભાઈ રૂપાણીનો આત્મા પણ દુ:ખી હશે. તેઓ પ્રજાના દુ:ખે દુ:ખી થનારા અને પ્રજાના સુખે સુખી રહેનારા નેકદિલ ઈન્સાન હતા, પ્રાણ સાથે પ્રકૃતિ છૂટી જાય તેવો તેમનો આત્મા નહતો. તેમનો આત્મા જ્યાં પણ હશે ત્યાં હતપ્રભ હોવો જોઈએ. વિજયભાઈને જાણતા – અજાણતા લોકો પણ અવસાદમાં સરી ગયા છે. કારણ સ્પષ્ટ છે વિજયભાઈમાં રહેલા કરુણા, વિનમ્રતા, જીવદયા, સાદગી, સદભાવ, સમર્પણ જેવા સદ્દગુણો.
વિજયભાઈ રૂપાણીની વિદાઈ બાદ આંખ સામેથી અનેક ઘટનાઓના ધૂંધળા દ્રશ્યો પસાર થતા જાય છે, કેટલાય સંસ્મરણો અતિતની ઊંડાઈમાંથી ડોકિયા કરવા લાગ્યા છે. વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે પોતાનું પીઆર વર્ક લેખક-પત્રકાર કિન્નર આચાર્યને સોંપેલું. કિન્નર આચાર્ય મારફતે મને પણ વિજયભાઈ વિશે જાણવા-લખવાનો મોકો મળેલો. જ્યારે વિજયભાઈ રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે કેટલાંક આવારા તત્વો અને વ્યક્તિગત સંગઠનોના કારણે આપણા રાજ્યમાં થોડીઘણી અરાજકતા ફેલાયેલી હતી પરંતુ મુખ્યમંત્રીનો કાંટાળો તાજ પહેરતાની સાથે જ વિજયભાઈએ નિર્ણાયક, પારદર્શક, પ્રગતિશીલ અને સંવેદનશીલ સરકાર ચલાવી. તેઓ કહેતા, હું જે ખુરશી પર બેસી રહ્યો છું એ ખુરશીને ક્યારેય મારી ઉપર નહીં બેસવા દઉં. મારે સત્તાને સેવાનું સાધન બનાવવું છે. બસ આ વાતને તેઓ વળગી રહ્યા અને કહેવાયા સંવેદનશીલ મુખ્યમંત્રી. અરવિંદભાઈ મણીઆર, પ્રવીણકાકા મણીઆર, કેશુભાઈ પટેલ, વજુભાઈ વાળા, નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ જેવા શ્રેષ્ટિઓના શિષ્ય વિજયભાઈ રૂપાણીને કહી શકાય. રાજકીય-સામાજિક ગુરુના વડપણ હેઠળ યુવાવસ્થાએથી જ સંઘના કેમ્પ કે શિબિર હોય કે પછી વિદ્યાર્થીઓની સંઘર્ષ સમિતિ દ્વારા ચલાવાતી નવનિર્માણની ચળવળ હોય.. અન્યાય સામે ન્યાયની લડત ચલાવવા આગેવાની ઉઠાવનાર વિજયભાઈએ જીવનમાં ક્યારેય પાછું વળીને જોયું નથી. ખૂબ જ નાની ઉંમરમાં આરએસએસ અને એબીવીપીથી જોડાયેલા વિજયભાઈએ ઈમરજન્સી દરમિયાન ભૂજ અને ભાવનગરની જેલોમાં મિસા હેઠળ 11 મહિના માટે જેલવાસ ભોગવ્યો. વિદ્યાર્થી નેતા બનવાની સાથે વકીલાત પૂર્ણ કરી. ભાજપના સક્રિય કાર્યકર બની કોર્પોરેટર, મેયર, કેબિનેટ મંત્રી, સાંસદ, પ્રદેશ મહામંત્રી, પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીના પદ પર રહ્યા.
- Advertisement -
વિજયભાઈએ ‘રાજકોટ કા બેટા’, ગુજરાતનાં નેતાનું બિરુદ મેળવી રાજકોટનું નામ રોશન કર્યું
વર્તમાનમાં પક્ષ-વિપક્ષના કેટલા નેતા પાસે વિજયભાઈ જેટલો બહોળો રાજકારણ અને જાહેરજીવનનો અનુભવ છે કે કેમ તે તપાસનો વિષય. તેથી આજ પછીથી રાજકારણ અને જાહેરજીવનમાં વિજયભાઈના આવડત-અનુભવની ખોટ વર્તાતી રહેવાની.વિજયભાઈ અને અંજલિબેનના પહેલા દીકરા પૂજીતનું માત્ર સાડાત્રણ વર્ષની ઉંમરે મૃત્યું થયેલું. પછી એક દિવસ રાજકોટના રસ્તાઓ ઉપર કચરો વિણવાનું કામ કરતા છોકરાઓ જોઈ વિજયભાઈને લાગ્યુ કે આ બાળકોની દરકાર કરવી જોઈએ અને તેમણે સ્વર્ગસ્થ દીકરા પૂજીતના નામ પરથી પૂજીત રૂપાણી ટ્રસ્ટ બનાવી ગરીબ બાળકોને ભણાવવાની શરૂઆત કરી. આજે પૂજીત રૂપાણી ટ્રસ્ટ અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં શિરમોર સંસ્થા છે. દીકરા પૂજીતના જન્મદિવસે વિજયભાઈ અને તેમના પત્ની અંજલિબેન સ્લમ એરિયામાં વસતા બાળકો સાથે રેસકોર્ષ-ફનવર્લ્ડમાં રાઇડ્ઝની મજા માણતા, બાળકો સાથે બાળક બની પંગતમાં બેસી ભોજન લેતા. પોતાના હાથે બાળકોને આગ્રહ કરીને ભરપેટ જમાડતા. તેમની પાસે આવેલો નાનામાં નાનો માણસ પણ ક્યારેય નિરાશ થઈ પરત ન જાય તેની કાળજી રાખતા. પૂરગ્રસ્ત વિસ્તારમાં અસરગ્રસ્ત લોકો વચ્ચે જન્મદિવસ ઉજવવાનો હોય કે સરહદ પર સૈનિકો સાથે તહેવારોની ઉજવણી હોય કે પછી અકસ્માતમાં મૃત્યુ પામનારાઓને સહાય આપવાની કે કોઈના મૃત્યુ પર પીડિત પરિવારજનને સાંત્વના પાઠવવાની હોય કે પછી પોતાના સુરક્ષા કાફલામાં ફરજ બજાવતા જવાનને સ્વયં સાથે વિમાનમાં લઈ આવ્યા હોય કે પછી રસ્તા પરથી પસાર થતા સમયે કોઈપણ નાનો-મોટો અકસ્માત જોતાની સાથે જ પોતાના કાફલાને થંભાવી ખુદની કારમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને બેસાડી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાના હોય.. જીવદયામાં માનતા અને પ્રત્યેક જીવમાત્ર પ્રત્યે કરુણા દાખવતા વિજયભાઈ રૂપાણી તેમની સેવાકીય ભાવના માટે લોકપ્રિય બની ગયેલા. દીકરા ઋષભ અને દીકરી રાધિકાને પણ તેઓ સંઘના સંસ્કાર આપતા વિજયભાઈ રૂપાણીએ રાજકોટ કા બેટા, ગુજરાતનાં નેતાનું બિરુદ મેળવી રાજકોટનું નામ રોશન કર્યું. રાજકોટ સવિશેષ વહાલું હોય જાણે રાજકોટ પર વિજયભાઈએ વહાલનો વરસાદ વરસાવ્યો. અટલ સરોવર, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, એઈમ્સ, બસપોર્ટ, ઓવરબ્રીજ, અંડરબ્રીજ વગેરે.. વગેરે.. પાણીવાળા રૂપાણીએ રાજકોટને આપેલી ભેટનું લિસ્ટ લાબું છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ગુજરાતના રાજ સિંહાસનમાં ખોટ પૂરવી અશક્ય જણાતી હતી ત્યારે નરેન્દ્રભાઈ મોદીનાં નક્શે કદમ ચાલીને વિજયભાઈ રૂપાણીએ પોતાનાં પક્ષ અને પ્રજા પ્રત્યેનાં પ્રેમને વફાદારીપૂર્વક સાબિત કરતા તમામ જવાબદારીઓ પારદર્શકતાથી પ્રસંશનીયરૂપે અદા કરેલી. કોરોનાકાળમાં એમની અસલી કસોટી થયેલી. તેઓ કહેતા હું અડધી પીચ પર આવીને બેટિંગ કરું છું અને ટી-ટવેન્ટી રમવા આવ્યો છું. કોઈને કલ્પના ન હતી, તેઓ રાજકીય પીચ પર રનઆઉટ થઈ જશે, એક દિવસ મોવડીમંડળની સૂચના આવી કે, તેમણે મુખ્યમંત્રીના પદ પરથી પળભરમાં રાજીનામું ધરી દીધું. આખી કેબિનેટ બદલાઈ ગઈ. એ પછી પણ તેમનાંમાં કોઈ પરિવર્તન ન આવ્યું, મુખ્યમંત્રી બન્યા પછી કે કોઈ હોદ્દા પર ન હતા ત્યારે પણ તેઓ બદલાયા નહતા.
તેઓ મીડિયા ફ્રેન્ડલી હતા, મીડિયાનું મહત્વ જાણતા. મીડિયામેનને પોતાનો પરિવાર સમજતા. તેમના પીએ શૈલેષભાઈને નાના ભાઈથી વિશેષ માનતા. કોઈ ફોટો પડાવવા કે મળવા આવે તો ના ન પાડતા. ફિલ્મ, સંગીત, સાહિત્ય, કલા, રમતગમત અને અવનવી વાનગીઓના શોખીન. ઉત્તરાયણ, ધૂળેટી, દશેરા, દિવાળી જેવા તહેવારો પરિવાર અને મિત્રો સાથે મળી ઉજવે. કોઈને ત્યાં ગણેશ સ્થાપન કર્યું હોય કે સત્ય નારાયણની કથા રાખી હોય.. વિજયભાઈને નિમંત્રણ હોય એટલે અચૂક આવે. એમની કેટલીક આદત અને અધૂરપને કારણે ટિકા-મશ્કરીઓ થતી જોકે તેઓ તમામ બાબતો હસી કાઢવામાં માનતા. છેલ્લા કેટલાક વર્ષોમાં તેઓને પક્ષમાંથી સાઈડલાઈન કરવામાં આવ્યું હોવાનું ચર્ચાતું પરંતુ એ સમયમાં પણ તેમના નિકટના સ્વજનો-સ્નેહીઓએ તેમનો સાથ છોડ્યો નહતો. ક્યારેક લાગે તેઓ રાજકારણના વ્યક્તિ નહતા. ક્યારેક થાય તેમના જેવા રાજકારણી મળવા હવે મુશ્કેલ.
કાળા માથાનાં માનવમાત્ર રહી પ્રત્યેક વ્યક્તિની લાગણી-માંગણી સમજવી-સ્વીકારવી તેમજ સૌની કાળજી લેતા-કરતા તેઓને બખૂબી આવડતી. વિજયભાઈ રૂપાણીનું પાંચ દાયકા ઉપરાંતનું જાહેર જીવન સંગઠન, સમર્પણ, સેવા અને કર્મઠતાની સાધના સમાન રહ્યું. ડાઉન ટુ અર્થ પર્સનાલિટી ધરાવતા વિજયભાઈનું આઉટ ટુ અર્થ.. આપણા વચ્ચેથી એક્ઝિટ થવું આવકાર્ય નથી. આપણી ખુશકિસ્મતી વિજયભાઈ આપણને મળ્યાં.. અને આપણી બદકિસ્મતી વિજયભાઈ આમ અચાનક જ ચાલ્યા ગયા.