જ્યારે હું ટીનેજર હતો, ત્યારે એક ઘટના મારી જાણમાં બની હતી. એક સંપન્ન માણસ ગરીબ બની ગયો અને તેણે પોતાનું મકાન વેચવા કાઢ્યું. બીજા માણસે તે ખરીધ્યું. મકાન જર્જરિત હોવાથી રહેવા લાયક ન હતું. નવા મકાન માલિકે જૂનું મકાન તોડીને પાયામાંથી નવું બાંધકામ કરવાનો નિર્ણય કર્યો. જૂનું મકાન તોડતા તોડતા જ્યારે મજૂરો પાણિયારા સુધી પહોંચ્યા અને ત્યાં તોડવાનું શરૂ કર્યું તો પાણિયારાના પથ્થર નીચે એક પોલાણ હતું, જેમાંથી ચાંદીના સિક્કાઓ ભરેલો એક ચરુ મળી આવ્યો. નવો મકાન માલિક ત્યાં હાજર હતો. તેણે સિક્કાઓ ગણ્યા, તો તેની આંખો પહોળી થઈ ગઈ. ચાંદીના સિક્કાઓની કુલ કિંમત તે મકાનની કિંમત કરતા વધારે થતી હતી. આખું મકાન તેને મફતમાં પડ્યું. જૂનો મકાન માલિક દાયકાઓથી એ જ ઘરમાં રહેતો હતો. ઘરના સભ્યો દિવસમાં 50 વખત પાણિયારા પાસે આવતા હશે, પાણી પીને ચાલ્યા જતા હશે, પરંતુ તેમના પૂર્વજોએ પાણિયારા ના પથ્થર નીચે આટલો મોટો ખજાનો દાટ્યો છે, એ વાતનું તેમને ભાન જ ન હતું. આપણા બધાની હાલત જૂના મકાન માલિક જેવી જ છે. આપણે આપણા અંત:કરણમાં રહેલા અવ્યક્ત આકાશમાં છુપાયેલા ચિદાનંદ રૂપી મહાસાગરને જાણતા નથી, માટે તેને અનુભવતા નથી. પેલા ગરીબ મકાન માલિકની જેમ આપણે સંસારના ત્રિવિધ તાપથી રિબાયા કરીએ છીએ. જો આપણે અજ્ઞાનનો પથ્થર સહેજ ઊંચો કરીને આપણી અંદર રહેલા પોલાણમાં જોઈશું, તો ચાંદી કે સોનાના સિક્કા કરતા પણ મોટો ચિદાનંદનો ચરુ મળી આવશે.
આપણે આપણા અંત:કરણમાં રહેલા અવ્યક્ત આકાશમાં છુપાયેલા ચિદાનંદ રૂપી મહાસાગરને જાણતા નથી
You Might Also Like
Follow US
Find US on Social Medias