અર્થામૃત
એ ત્રણ જો શરણે આવ્યા હોય તો પોતાની વિષમ સ્થતિમાં પણ તેમનો ત્યાગ કરવો નહીં.
- Advertisement -
બોધામૃત
વિશ્વાસ અમૂલ્ય છે, એને તૂટવા ન દેવો. જ્યારે કોઈ માણસ પૂર્ણ ભરોસા સાથે આપણી પાસે આવ્યો હોય, ત્યારે જો આપણી ક્ષમતા હોય તો એનો ભરોસો તૂટવા ન દેવો.
કથામૃત: ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીએ એમના શાસનકાળ દરમ્યાન પ્રજાના જાન-માલની રખેવાળી માટે એક નિયમ બનાવેલો હતો. ભાવનગર રાજ્યના કોઈ નાગરિકને ત્યાં ચોરી થાય, તો ચોરને પકડીને ચોરીનો માલ નાગરિકને પરત અપાવવામાં આવે અને ચોરને કડક સજા કરવામાં આવે. પૂરતા પ્રયત્નો પછી પણ જો ચોર ન પકડાય, તો જે માલની ચોરી થઈ હોય એના મૂલ્ય જેટલી રકમ નાગરિકને રાજ્યની તિજોરીમાંથી ચૂકવી આપવામાં આવતી. ભાવનગરની પ્રજાને હૈયે ધરપત રહેતી કે એમની કોઈ વસ્તુઓની ચોરી નહીં થાય અને જો કદાચ ચોરી થશે તો પણ વસ્તુ પરત મળશે અથવા વસ્તુનું મૂલ્ય મળશે. ભારત જ્યારે આઝાદ થયું, ત્યારે અખંડ ભારતના નિર્માણ માટે મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીએ સૌ પ્રથમ ભાવનગર રાજ્ય અર્પણ કર્યું હતું. મહારાજાનું આ ઋણ તો કોઈ રીતે ચૂકવી ન શકાય પરંતુ મહારાજાની સેવા અને સજ્જનતાનો લાભ પ્રજાને મળે એટલે આઝાદી બાદ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીને મદ્રાસના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. મહારાજાએ ગવર્નર તરીકે સેવા આપવા પોતાની સંમતિ આપી પરંતુ પગાર લેવાનો ઇનકાર કર્યો હતો અને ગવર્નરના પદનું સન્માન જાળવવા માત્ર એક રૂપિયો માનદવેતન લેતા હતા. આઝાદી બાદ ભાવનગર રાજ્યના એક ગામડાના કોઈ ખેડૂતના બળદ ચોરાઈ ગયા. ભોળો ખેડૂત તો ફરિયાદ નોંધાવવા માટે ભાવનગરના રાજદરબારમાં પહોંચ્યો. એને બિચારાને તો એ ખબર પણ નહોતી કે હવે શ્રી કૃષ્ણકુમારસિંહજી ભાવનગરના મહારાજા નથી. ખેડૂતને ખબર પડી કે મહારાજા હવે મદ્રાસ રહે છે એટલે એ તો જેમ તેમ વ્યવસ્થા કરીને ફરિયાદ કરવા માટે છેક મદ્રાસનાં ગવર્નર હાઉસ સુધી પહોંચી ગયો. મહારાજાને સમાચાર મળ્યા કે ભાવનગરથી કોઈ ખેડૂત એમને મળવા આવ્યો છે, એટલે બધા કામ બાજુએ રાખીને મહારાજાએ એને મળવા બોલાવ્યો. ખેડૂતે પોતાની વ્યથા રજૂ કરી અને પોતાના બળદ ચોરાઈ ગયા હોવાથી હવે વાવણી કેમ વાવશે એ ચિંતા રજૂ કરી. મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીએ એક પિતા દીકરાને સાંત્વના આપે એમ સાંત્વના આપતા કહેલું કે, ભાઈ તારી વ્યથા હું સમજી શકું છું. પરંતુ તું કોઈ જાતની ચિંતા ન કર. આપણા રાજ્યના નિયમ પ્રમાણે સારા બળદ ખરીદી શકે એટલી રકમ અને અહીં આવવા-જવાનો ખર્ચ તને ચૂકવી આપીશ. મહારાજાએ ખેડૂત પાસે એવી કોઈ સ્પષ્ટતા ન કરી કે હવે ભાવનગર રાજ્યની મારી કોઈ જવાબદારી નથી. એમણે તો ખેડૂતને રકમ આપીને મહારાજાનું કર્તવ્ય બજાવ્યું અને ખેડૂતને રાજી કર્યો.