ડો. સુધીર શાહ, ઍડ્વોકેટ
H-1B વિઝા ન મળે તો તેઓ અમેરિકન સિટિઝન જોડે લગ્નગ્રંથિથી જોડાઈને એમના સ્ટુડન્ટ સ્ટેટસનું ઈમિગ્રન્ટ સ્ટેટસમાં રૂપાંતર કરાવવાની યોજના ઘડે છે
- Advertisement -
અમેરિકામાં આવેલ યુનિવર્સિટીઓમાં ભણવાની ઈચ્છા ધરાવતા ભારતીય વિદ્યાર્થીઓ ત્રણ પ્રકારના હોય છે. પહેલા પ્રકારમાં એવા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જેઓ અમેરિકાની યુનિવર્સિટીઓમાં ફક્ત ને ફક્ત ભણવાનો જ ઈરાદો ધરાવતા હોય છે. અમેરિકાની યુનિવર્સિટીઓમાં પ્રાપ્ત થતું શિક્ષણ ઉચ્ચ કક્ષાનું હોય છે આથી તેઓ ત્યાં જવાનું પસંદ કરે છે. આવા વિદ્યાર્થીઓની સંખ્યા માંડ દસ ટકા જેટલી હોય છે.
બીજા પ્રકારના વિદ્યાર્થીઓ અમેરિકામાં પ્રાપ્ત થતું ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઈચ્છા તો ધરાવતા હોય છે, પણ જ્ઞાનપ્રાપ્તિનો એમનો ઉદ્દેશ એ જ્ઞાન અમેરિકામાં એમને ઊંચું મહેનતાણું મળે એ હોય છે તેઓ ભણવામાં હોશિયાર હોય છે, પણ એમના જીવનનો ઉદ્દેશ ભણી રહ્યા બાદ સારું કમાવવાનો હોય છે. આથી જ તેઓ અમેરિકાની યુનિવર્સિટીઓમાં ભણવા જવાનું વિચારે છે. આવા વિદ્યાર્થીઓ બેન્ક લોન મેળવે છે, એમની કમ્યુનિટીના ટ્રસ્ટમાંથી ભણવા માટેનું જે ફંડ હોય છે એમાંથી અમેરિકાની યુનિવર્સિટીમાં આપવી પડતી ખૂબ ઊંચામાંની ફી માટે નાણાં મેળવે છે, અડોશી-પડોશી, સગાવહાલા અને તેમન અમેરિકામાં રહેતા હિતેચ્છુઓ પાસેથી લોન મેળવે છે. અમુક તો અમેરિકાની બેન્કો અને ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂશનોમાંથી પણ નાણાંકીય સહાય પ્રાપ્ત કરે છે. એટલે ભણી રહ્યા બાદ એ ઉછીના લીધેલા નાણાં પાછાં આપવા માટે તેઓ અમેરિકામાં સારી નોકરી મેળવવાની ઈચ્છા ધરાવે છે. આમ આ બીજા પ્રકારના વિદ્યાર્થીઓના અમેરિકા ભણવા જવા પાછળનો ઉદ્દેશ ‘ત્યાં ભણશું તો ઊંચા પગારની નોકરી મળશે’ એ હોય છે, આવા વિદ્યયાર્થીઓ અમેરિકા ભણવા જતા ભારતીયો વિદ્યયાર્થીઓમાંના પચાસથી સાઠ ટકા જેટલા હોય છે.
ત્રીજા પ્રકારના વિદ્યાર્થીઓનો અમેરિકાની યુનિવર્સિટીઓમાં ભણવા જવાનો મુખ્ય ઉદ્દેશ એ બહાને અમેરિકાના નોન-ઈમિગ્રન્ટ શ્રેણીના ‘એફ-1’ સંજ્ઞા ધરાવતા સ્ટુડન્ટ વિઝા મેળવવાનો હોય છે, જેથી તેઓ સ્ટુડન્ટ વિઝા મેળવીને ભણવાના બહાને અમેરિકામાં પ્રવેશી શકે અને ત્યાં બેથી ચાર વર્ષ કાયદેસર રહી શકે. એ દરમિયાન તેઓ અમેરિકામાં રહેતાં એમનાં સગાંવહાલાંની મોટેલ, હોટેલ, રેસ્ટોરાં, ફાસ્ટ ફૂડ, ગેસ સ્ટેશન, કન્વિનિયન સ્ટોર તેમ જ લીકર સ્ટોરમાં કામ કરવાનો ઈરાદો ધરાવે છે. સ્ટુડન્ટ વિઝાની મુદ્દત પૂરી થાય, એમનો ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પિરિયડ પૂરો થાય ત્યાર બાદ તેઓ એચ-1બી વિઝા મેળવવાના પ્રયત્નો કરે છે. એ માટે એમના સગાવહાલાં, જેઓ અમેરિકામાં જુદા જુદા પ્રકારના બિઝનેસમાં સંડાયેલા હોય છે તેઓ એમને પ્રમોટ કરે છે. જો એચ-1બી વિઝાની લોટરીમાં એમનું નસીબ જોર ન કરે અને એમને એચ-1બી વિઝા ન મળે તો તેઓ અમેરિકન સિટિઝન જોડે લગ્નગ્રંથિથી જોડાઈને એમના સ્ટુડન્ટ સ્ટેટસનું ઈમિગ્રન્ટ સ્ટેટસમાં રૂપાંતર કરાવવાની યોજના ઘડે છે. જો કાયદેસર અમેરિકામાં રહેવા માટે કોઈ પણ 2સ્તો ન જડે તો ત્યાં ગેરકાયદેસર રહી જાય છે અને પકડાય તો અસાયલમની માગણી કરે છે. આવા ભારતીય વિદ્યાર્થીઓ લગભગ ત્રીસથી ચાલીસ ટકા જેટલા હોય છે.
- Advertisement -
‘અમેરિકામાં ભણવું છે?’ આ શીર્ષક હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવેલ પાછલા બે લેખોમાં સ્ટુડન્ટ વિઝા કેમ કરતાં મેળવી શકાય, ઈન્ટરવ્યૂમાં કેવા સવાલો પૂછવામાં આવે છે? આ સઘળી માહિતી આપવામાં આવી હતી. તમે જો અમેરિકામાં ખરેખર ભણવા જવા ઈચ્છતા હોવ અને પ્રથમ તેમ જ બીજા પ્રકારના વિદ્યાર્થીઓ હોવ તો જરૂરથી તમને બરાબર તૈયારી કરતાં અને અમેરિકાની સારી યુનિવર્સિટીમાં પ્રવેશ મળતાં તેમ જ સ્ટુડન્ટ વિઝાના ઈન્ટરવ્યૂમાં દેખાડી આપતાં કે તમે ખરેખર અમેરિકામાં ભણવા માટે જ જવા ઈચ્છો છો અને એ માટે તમારી પાસે પૈસાનો પ્રબંધ છે તેમ જ તમે અમેરિકામાં કાયમ રહેવા નથી ઈચ્છતા તો તમને જરૂરથી ‘એફ-1’ સંજ્ઞા ધરાવતા નોન-ઈમિગ્રન્ટ કેટેગરીના સ્ટુડન્ટ વિઝા મળી શકશે. પણ જો તમે ત્રીજા પ્રકારના વિદ્યાર્થી હોવ તો મહેરબાની કરીને અમેરિકામાં ભણવાના બહાને ‘એફ-1’ વિઝા ઉપર ઘૂસવાનો વિચાર ન કરતા. છેલ્લા થોડા સમયથી અને ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી બીજી વાર અમેરિકાનું પ્રેસિડન્ટ પદ સંભાળ્યું છે ત્યારથી આવા ભણવાના બહાને અમેરિકામાં પ્રવેશવા અને ત્યાં કાયમ રહેવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ પ્રત્યે અમેરિકાની સરકાર બહુ જ કડક વલણ અખત્યાર કરવા લાગી છે. અમેરિકા ખૂબ જ સારો દેશ છે. ત્યાંની યુનિવર્સિટીઓમાં પ્રાપ્ત થતું શિક્ષણ ખૂબ જ ઉચ્ચ કક્ષાનું હોય છે, પણ જો ભણવાના બહાને અમેરિકા જવા ઈચ્છતા હશો તો હવેથી તમારા એ ઈરાદાઓ બર નહીં આવે. જો તમારા સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવશે, તમને અમેરિકા બહાર મોકલી દેવામાં આવશે, જો થોડા સમય માટે અમેરિકા બહાર ગયા હોય તો ફરી પાછા અમેરિકામાં પ્રવેશવા દેવામાં નહીં આવે. સ્ટુડન્ટ વિઝા ઉપર ભણતાં ભણતાં ગેરકાયદેસર કામ કરતાં પકડાશો તો તમને સજા પણ કરવામાં આવી શકે છે. જો આવું તમારી જોડે કરવામાં આવે તો તમારું ભવિષ્ય ધૂળધાણી થઈ જશે. અમેરિકાએ એક વાર તમને રિજેક્ટ કર્યા હશે તો પછી વિશ્ર્વના અન્ય દેશો પણ તમને સ્વીકારશે નહીં. એટલે ‘ખાસ ખબર’ના વાચકો, જો તમે ખરેખર અમેરિકામાં ભણવા જવા ઈચ્છતા હોવ અને પ્રથમ યા બીજા પ્રકારના વિદ્યાર્થી હોવ તો જ સ્ટુડન્ટ વિઝા મેળવવાની અરજી કરજો.