39 આર્ટિસ્ટે ઉત્સાહભેર ભાગ લીધો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટે ’પ્લાસ્ટિક મુક્ત ગિરનાર’ થીમ પર વોલ પેઇન્ટિંગ સ્પર્ધાના પ્રથમ દિવસે 39 આર્ટિસ્ટે ઉત્સાહભેર પ્લાસ્ટિક મુક્ત ગિરનારના સંદેશ આપતા કલાત્મક અને રંગબેરંગી ચિત્રો કંડાર્યાં હતા.
- Advertisement -
વોલ પેઇન્ટિંગ સ્પર્ધામાં ભાગ લઈ રહેલા સ્પર્ધકોએ ગિરનારની નવી સીડી સુદર્શન તળાવ રોપ-વે પાર્કિંગના સહિતના સ્થળોએ પ્લાસ્ટિક મુક્ત ગિરનાર થીમને કેન્દ્રમાં રાખી સર્જનાત્મક રીતે પર્યાવરણ- પ્રકૃતિના જતન માટે સંદેશ આપતા ચિત્રો દિવાલ પર કંડાર્યાં હતા.આ વોલ પેઇન્ટિંગ સ્પર્ધામાં ભાગ લેનાર આર્ટિસ્ટ દિવ્યમ કહે છે કે, એક જવાબદાર નાગરિક તરીકે આપણા ગિરનાર સહિતના પ્રાકૃતિક સ્થળો પ્લાસ્ટિક કે અન્ય વસ્તુઓથી દૂષિત ન થાય તે માટે કાળજી લેવી જોઈએ. અમારા ચિત્રો પણ લોકોને એ જ સંદેશ આપે છે.અન્ય એક સ્પર્ધક શીતલ ભુવા કહે છે કે, પ્લાસ્ટિકના નહીવત ઉપયોગથી જ પ્રકૃતિ પર્યાવરણનું જતન થઈ શકશે. તેવા જ એક સ્પર્ધક પાર્થ મકવાણા જણાવે છે કે, પ્લાસ્ટિક પર્યાવરણ, પ્રકૃતિ અને જીવસૃષ્ટિ માટે હાનિકારક છે ત્યારે પ્લાસ્ટિકનો વપરાશ ન કરીએ અને અહીં આવતા પ્રવાસીઓ પણ પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવે. પ્રકૃતિના જતન સંવર્ધનમાં સૌ યોગદાન આપે. અમારા ચિત્રો- વોલ પેઇન્ટિંગ આજ સૂચવી રહ્યા છે.