અનેક રજૂઆત, ફરિયાદ અને અંતે નોટિસ છતા હજુ પણ જીવંત વીજવાયર અને થાંભલા નદીમાં જેમ છે તેમ પડ્યા છે, કંપનીએ ફરી વીજપોલ ઉભા કરવાની તસ્દી પણ ન લીધી.
વીજપોલ નદીમાં જમીન દોસ્ત થતા ડઝનબંધ રાષ્ટ્રીય પક્ષી મોરને કરંટ લાગતા મોત થયા હતા
- Advertisement -
ખેડૂતોએ રજૂઆત કરતા ચોટીલાના મામલતદારે કાર્યવાહી કરી
ખાસ-ખબર ન્યૂઝ ચોટીલા
ચોટીલા તાલુકાના વડાળી ગામે પવનચક્કીની વિન્ડ વર્લ્ડ ઇન્ડિયા લિમિટેડ નામની કંપની દ્વારા અનેક વીજપોલ નદીમાં જ ઉભા કરી દેવામાં આવ્યા છે. જો કે વરસાદના કારણે વીજપોલ જમીન દોસ્ત થયા હતા જેથી લોકોમાં ભય ફેલાયો હતો. તેમાં ડઝનબંધ રાષ્ટ્રીય પક્ષી મોરને કરંટ લાગતા મૃત્યુ થયાનું ગામ લોકો દ્વારા જણાવાયું છે. આ અંગેની રજૂઆત વડાળી ગામના મેતા મિતલકુમાર વિરાભાઇ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ચોટીલાના મામલતદાર દ્વારા આ મુદ્દે પવનચક્કી કંપની વિન્ડ વર્લ્ડ ઇન્ડિયા લિમિટેડ કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ વીજ વાયર દૂર કરવા માટે કંપનીને આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 23 જુલાઇના રોજ બપોરે 12 કલાકે મામલતદાર કચેરીએ હાજર રહેવા હુકમ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ મુદ્દે રજુઆત કરનારને પણ આધાર પુરાવા સાથે ઉપસ્થિત રહેવા જણાવ્યુ છે.
વીજપોલ દૂર નહીં થાય જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો: વિન્ડ વર્લ્ડ કંપની
ખેડૂતોએ સૌ પ્રથમ વિન્ડ વર્લ્ડ કંપનીને આ વીજપોલ દૂર કરવા માટેની રજૂઆત કરી હતી અને જણાવ્યુ હતુ કે આ વીજપોલ જમીનદોસ્ત થતા ડઝનબંધ મોરના મોત થયા છે ત્યારે તાકીદે આ પોલ હટાવવામાં આવે તે જરૂરી છે પરંતુ સામે કંપનીવાળાએ જણાવ્યુ કે વીજપોલ તો દૂર નહીં જ થાય જ્યાં ફરિયાદ કરવી હોય ત્યા કરી આપો.