મોટાભાગના લોકો સુખ, સમૃદ્ધિ અને શાંતિ આ ત્રણ શબ્દોને સમાનાર્થી સમજી લે છે.
મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
– ડૉ.શરદ ઠાકર
શાંતિ એક એવી સ્થિતિ છે જ્યારે મન કોઈ પણ પ્રકારની ઉત્તેજનાને વશ થયા વિના સ્થિર અવસ્થામાં હોય. શાંતિને સુખ કે સમૃદ્ધિ સાથે કોઈ નિસ્બત નથી. જે લોકો શ્રીમંત છે તેઓ અપાર સમૃદ્ધિનાં કારણે ગૌરવ અને આનંદની ઉત્તેજનામાં જીવતા હોય છે, જે લોકો દરિદ્ર છે તેઓ ચિંતા અને દુ:ખના ભાવમાં જીવતા હોય છે. બંને પ્રકારના માણસો મનની સ્થિરતા જાળવી શકતા નથી.
જે લોકો સંસારનો ત્યાગ કરે છે તેમના માટે પણ ત્યાગનું મૂલ્ય જુદું-જુદું આંકવામાં આવે છે. ઝૂંપડીમાં રહેતો કોઈ ગરીબ માણસ સંસાર છોડીને સાધુ બને છે ત્યારે તેના ત્યાગનો મહિમા કરવામાં આવતો નથી. પરંતુ જ્યારે કોઈ ધનાઢ્ય માણસ અથવા રાજા સંસાર ત્યાગીને સાધુ બને છે ત્યારે એના ત્યાગને ખૂબ મોટો માનવામાં આવે છે. આની પાછળ ધનનો મહિમા રહેલો છે.
- Advertisement -
આપણે બે શબ્દોથી સુપેરે પરિચિત છીએ. રાગ અને વિરાગ. (વિરાગ એટલે વૈરાગ્ય) મનુષ્ય સંસારનાં ભૌતિક સુખોમાં રચ્યો-પચ્યો રહે ત્યારે તેને રાગી કહેવામાં આવે છે. જ્યારે તે ભૌતિક સુખોનો ત્યાગ કરે છે ત્યારે તેને વૈરાગી કહેવામાં આવે છે. આ બંને શબ્દોમાં ભૌતિક સુખ, સંપત્તિ, સમૃદ્ધિ અને ધન કોઈક ને કોઈક અર્થમાં સમાયેલું રહે છે, પણ સાચો નિર્લેપી શબ્દ વીતરાગી છે. જિનશાસનમાં વીતરાગ શબ્દનો સાચો ઉપયોગ થાય છે. વીતરાગ એટલે રાગ પણ નહીં, વિરાગ પણ નહીં. વીતરાગ શબ્દમાં ધનનો ભાવ જોવા મળતો નથી. માટે સાચા સાધકે વીતરાગી બનવું જોઈએ.


