ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેએ વિજયભાઈ સાથેના સંબંધ વિશે જણાવ્યું હતું કે, ભાજપના યુવા મોરચામાં, પ્રદેશની ટીમમાં તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો છે તેઓની કાર્ય પદ્ધતિ, કાર્યકર્તાઓ સાથેનો સંબંધ અદભુત હતો. મારા રાજકીય જીવનના ઘડતરમાં વિજયભાઈનો અમૂલ્ય ફાળો રહ્યો છે.
- Advertisement -
ફાટકમુક્ત, પાણીની છૂટ, અટલ સરોવર, હીરાસર એરપોર્ટ વિજયભાઈના પ્રયાસોની ભેટ: મેયર નયનાબેન પેઢડીયા

રાજકોટના મેયર નયનાબેન પેઢડીયાએ વિજયભાઈ રૂપાણી વિશે કહ્યું હતું કે, તેઓએ કોમન મેન હતા. રાજકોટમા અઢળક વિકાસકાર્યોની ભેટ આપી છે. વર્ષો પહેલા પાણીની હતી તે દૂર કરી. ફાટકમુક્ત, અટલ સરોવર, હીરાસર એરપોર્ટ અને એઈમ્સ હોસ્પિટલ વિજયભાઈના પ્રયાસોનું પરિણામ છે. તેમનું માર્ગદર્શન મને સતત મળ્યુ છે. નાનામાં નાનો કાર્યકર્તા પણ તેમને મળી શકે તેવું વ્યક્તિત્વ હતું.
ગુજરાતે મહાન નેતા ગુમાવ્યો, વિજયભાઇની ખોટ ક્યારેય નહીં પુરાય: નલીન ઝવેરી- સંજય લઠિયા
- Advertisement -

સૌરાષ્ટ્ર- કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ્રસ્ટ્રીઝ દ્વારા ગઇકાલે અમદાવાદ ખાતે જે પ્લેન ક્રેશની ઘટના બની તેના મૃતકોને શ્રધ્ધાંજલી પાઠવી છે. આ કરુણ ઘટનામાં અસંખ્ય લોકોએ જાન ગુમાવ્યા તેમાં મૃતકોની આત્માને શાંતિ મળે તથા તેમના પરીવારને ઇશ્વર દુખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર- કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ્રસ્ટ્રીઝના પ્રમુખ નલીન ઝવેરી અને મહામંત્રી સંજય લાઠિયાએ કહ્યું કે, આ મૃતકોમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ સામેલ હતા, ગુજરાતે એક દિર્ઘદ્રષ્ટા આગેવાન ગુમાવ્યો, ગુજરાતના વિકાસમાં તેમનો સિંહ ફાળો રહ્યો છે. તેની સેવા ગુજરાત ખાસ કરીને રાજકોટ ક્યારેય નહી ભુલે.
વિજયભાઈએ રાજકોટ-સૌરાષ્ટ્રનો ખરા અર્થમાં વિકાસ કર્યો: લાખાણી-રાવલ

રાજકોટ શહેર કોંગ્રેસના ઉપ પ્રમુખ સંજય લાખાણી જનરલ સેક્રેટરી કૃષ્ણદત રાવલે વિજયભાઈ રૂપાણીના નિધન અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું કહ્યું હતું કે, તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન રાજકોટ અને સૌરાષ્ટ્રને ખરા અર્થમાં વિકાસ કર્યો છે. તેમણે સ્માર્ટ સિટી સહિત અનેક ટીપી મંજૂર કરાવીને શહેરના વિકાસને એક અલગ દિશા આપી હતી. રાજકોટ- સૌરાષટ્રની જનતા સદા તેમના ઋણી રહેશે.
મારા પરિવારના મોભી જતા રહ્યા તેનું મને અસહ્ય દુ:ખ : ધારાસભ્ય ઉદય કાનગડ

રાજકીય-સેવાકીય અને સામાજિક ક્ષેત્રે સદૈવ અગ્રેસર વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પોતાના વતન રાજકોટને એઈમ્સની ફાળવણી, અટલ સરોવર અને ન્યુ રેસકોર્ષની ભેટ આપીને રાજકોટવાસીઓના માનસ પટુમાં મુઠ્ઠી ઉચેરૂ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સાથોસાથ સંવેદનશીલ અને સાલસ સ્વભાવને કારણે તેઓએ કાર્યકર્તાઓ અને લોકોના હૃદયમાં અમીટ લોકચાહના પ્રાપ્ત કરી હતી. મને એવું લાગી રહ્યું છે મારા પરિવારના મોભી જતા રહ્યા છે જેનું મને ખૂબ જ દુ:ખ છે. ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓનું નિર્માણ અને ઘડતરમાં તેની ભૂમિકા મહત્વની હતી. મુખ્યમંત્રીપદે હોવા છતાંય કોઈપણ કાર્યક્રમમાં જનતા જનાર્દન સાથે હાથ મીલાવી તેના હાલ-ચાલ પુછવા, તેમની સાથે વાર્તાલાપ કરવો જેવી વિજયભાઈ રૂપાણીની સાદગી, સરળતા, સાહજિકતા અને સંવેદનશીલતા લોકોને સ્પર્શતી હતી.
શ્રેષ્ઠ સંગઠન અને વહીવટના માણસ: કશ્યપભાઈ શુક્લ

પૂર્વ કોર્પોરેટ અને ભાજપના આગેવાન કશ્યપભાઈ શુક્લએ વિજયભાઈ વિશે કહ્યું હતું કે, તેઓ શ્રેષ્ઠ સંગઠન અને વહીવટના માણસ હતા. મારા જેવા અનેક કાર્યકર્તાઓનું રાજકીય ઘડતર વિજયભાઈએ કર્યું છે. કાર્યકર્તાઓને શિસ્તતા અને પ્રમાણિકતાના અનેક પાઠ શીખવ્યા છે. મુખ્યમંત્રી બન્યા તો પણ તેનો સ્વભાવ સરળ જ રહ્યો. તેઓ મંદબુદ્ધિ અને વિકલાંગ બાળકોની હંમેશા ચિંતા કરતા તેમના દરેક કાર્યક્રમમાં જતા અને હેત કરતા.
જ્યારે તેઓ મેયર હતા ત્યારે સૌથી વધુ ગાર્ડન તેમણે બનાવ્યા: પૂર્વ કોર્પોરેટર કાશ્મીરાબેન નથવાણી

પૂર્વ કોર્પોરેટર કાશ્મીરાબેન નથવાણીએ વિજયભાઈ વિશે જણાવ્યું હતું કે, વિજયભાઈ બધા માટે ઈઝી એવેલેબલ હતા. ઈમરજન્સી વખતે તેઓ સૌથી યંગેસ્ટ કાર્યકર હતા. મેયર હતા ત્યારે રાજકોટમાં સૌથી વધુ ગાર્ડન તેમણે મંજૂર કરાવ્યા. જ્યાં પણ કોર્પોરેશનની ખરાબાની જગ્યા હોય ત્યાં ઠરાવ મંજૂર કરી લોકો માટે ગાર્ડન બનાવે. તેઓ લાઈટ, પાણી અને રસ્તાના કામોને હંમેશા પ્રાથમિકતા આપતા હતા.
વિજયભાઈ બાળપણથી જ એક સાહસી અને નિડર વ્યક્તિ હતા: પૂર્વ મેયર જનકભાઈ કોટક

રાજકોટના પૂર્વ મેયર જનકભાઈ કોટકે બાળપણના મિત્ર વિજયભાઈ રૂપાણી સાથેના સંસ્મરણો વાગોળતા જણાવ્યુ હતું કે, તેઓ બાળપણથી જ નીડર અને સાહસી હતા. સાબમતી જેલમાં પણ વિજયભાઈ રૂપાણીની કપાળની રેખા પણ ફરી ન હતી. જ્યારે મોટા મોટા કેદીઓ જેલમાં ચોધાર આંસુએ રડતા હતા ત્યારે નાની ઉંમરના વિજયભાઈ દિલાસો આપતા હતા. કેરલ રાજ્યના કાલીકાટ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં અમે સાથે હતા. હુ ટ્રેનમાં હતો જ્યારે વિજયભાઈ ચાર્ટર્ડ પ્લેનમાં આવ્યા હતા. પાછા ફરતી વખતે મને તેમની સાથે પ્લેનમાં મુસાફરી કરવા માટે વિજયભાઈએ આમંત્રણ આપ્યું એ મારા માટે જીવનભરની કમાણી છે વિજયભાઈ સીએમ હતા ત્યારે તેમની કોઈપણ સભામાં હું પાછળની સાઈડ બેઠો હોય ત્યારે અનાઉન્સમેન્ટ કરતા તેમને સ્ટેજ ઉપર બેસવા માટે મને બોલાવતા હતા.



