આ ભૂમિએ અધ્યાત્મના આકાશને ત્રણ-ત્રણ તારા આપ્યાં છે
મોરબી પાસે આવેલાં વવાણિયા ગામમાં રાષ્ટ્રપિતા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ રાજચંદ્રનું જન્મ સ્થાન છે, નિમ કરોલી બાબા અને મા રામબાઈ જેવા વિભૂતિઓની સાધનાભૂમિ, કર્મભૂમિ છે
- Advertisement -
શ્રીમદ્દ રાજચંદ્રનું બાળપણ અહીં વિતેલું, આજે એ જન્મસ્થળ પર જ, શ્રીમદ્દ રાજચંદ્ર જન્મભૂવન નામની વિશાળ મંદિર બન્યું છે, ગુજરાત સરકારે આ સ્થળ પર્યટન સ્થળ તરીકે જાહેર કર્યું છે
નિમકરોલી બાબા ભારતના એક પરમ વંદનીય સંત છે, બાબાના આશ્રમ અને જગ્યાઓ ભારતમાં અનેક જગ્યાએ છે પરંતુ ગુજરાતમાં આ એકમાત્ર આશ્રમ વવાણીયા ખાતે આવેલો છે
સૌરાષ્ટ્રની ભૂમિ સંત સુરાઓના સતથી રળીયાત છે. સૌરાષ્ટ્રની ધરાએ તો અનેક સંતો આપ્યા પણ આ ભૂમિનું આકર્ષણ જ કંઈક એવું છે કે ભારતભરમાંથી અહીં આવીને અનેક મહાન વિભૂતિઓએ આ ભૂમિને પોતાનું ધર્મક્ષેત્ર -કર્મક્ષેત્ર બનાવ્યું છે. આજે આપણે સૌરાષ્ટ્રના એક એવા ગામની વાત કરવી છે જે કદમાં તો નાનું છે પણ તેનું કદ બહુ મોટું છે, મહત્વ બહુ મોટું છે. વિશ્વસ્તરે ભારતના અધ્યાત્મને અનેરી ઊંચાઈ આપી એવી ત્રણ ત્રણ મહાન હસ્તીઓ આ ભૂમિ સાથે કોઈને કોઈ રીતે જોડાયેલી છે.
- Advertisement -
ગુજરાતના સ્ટેટ હાઇવે નંબર 24 મોરબી જિલ્લાથી 30 કિલોમીટર દૂર હાઇવે પર વવાણિયા ગામ આવેલું છે. આ એ જ વવાણિયા કે જ્યાં એક વખત ધમધમતું બંદર હતું અને ઇતિહાસની તવારીખમાં જેનું નામ બહુ મહત્વ સાથે નોંધાયેલું છે. અહીં સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાતા મોરબીના નવલખી રોડ પર આવતાં આ ગામને તપસ્વીઓની ભૂમિ એટલા માટે કહીશું કે અહીંયા રાષ્ટ્રપિતા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ રાજચંદ્રનું જન્મ સ્થાન છે, બીજું સ્ટીવ જોબ જેવી અનેક મહાન હસ્તીઓના ગુરુ નિમ કરોલી બાબા અને મા રામબાઈ જેવા વિભૂતિઓની આ સાધનાભૂમિ, કર્મભૂમિ છે તો રાવણના ભાઈ કુબેર ભંડારીનો પણ અહીં એક ઐતિહાસિક મંદિર આવેલું છે.
સનાતન ધર્મના પ્રેમ અને કરુણાના મૂળભૂત સિદ્ધાંતને પોતાનો જીવનમંત્ર બનાવી અનેરી ઊંચાઈ આપનાર મા રામબાઈનું ભવ્ય મંદિર તેમજ આશ્રમ અહીં આવેલ છે. ઇતિહાસ પર નજર નાંખીએ તો, માતાશ્રી રાજબાઈમાં અને પીતાશ્રી જશા આપા ચાવડાને ત્યાં ઇ. સ.1778માં, હળવદના વાટાવદર(આજના મયુરનગર)માં રામબાઈનો જન્મ થયો. વાત એવી છે કે આ સમય 1794 આસપાસ, કારમો દુકાળ પડ્યો હતો. ચારોતરફ ત્રાહિમામ પોકારી ગયેલી પ્રજા વચ્ચે રાજાઓ પોતાના સામ્રાજ્યની હદ વિસ્તારવામાં પ્રવૃત હતાં. ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો અને માણસો ટપોટપ મરી રહ્યા હતાં.
મા બાપના ગુજરી જવાથી અનાથ થઈ ગયેલા બાળકોના ટોળા ને ટોળા ગામેગામ ભટકતાં હતા, જેને લોકો દુષ્કાળીયાં કહેતાં. જીવવા માટે આશરો અને રોટલો શોધતા બાળકોને અટકાવવા જે તે ગામના યુવાનો પાદરેથી જ ભગાડતાં હતાં.
સમાંતરે રામબાઈની વાત કરીએ તો, એ સમયે નાની ઉંમરે લગ્ન નક્કી થતાં હતા. રામબાઈના લગ્ન રાઠોડ કુલમાં થયા હતા. જ્યારે સાસરપક્ષ તેમને આણુ તેડવા આવ્યા હતા. અને રામબાઈ લગ્નની એક વિધી અંગે પાણીની હેલ ભરવા નદી કિનારે ગયાં હતાં ત્યાં તેમણે ભૂખ્યા તરસ્યા, આશરો શોધતા દુષ્કાળીયાં બાળકોને જોયા. તેમની કરુણ દયાજનક પરિસ્થિતિ જોઈને રામબાઈનું કરૂણામય હૃદય દ્રવી ઉઠ્યું. એમણે ગામના યુવાનોને તે બાળકોને ભગાડતાં રોકયાં. અને બધા બાળકોને પોતાની સાથે ઘેર લઈ આવ્યાં. ઘરે આવીને પિતૃ પક્ષ અને સાસરા પક્ષના લોકો સામે પોતાનો પક્ષ રાખતા રામબાઈ કહે છે કે હવેથી મારે આ અનાથ ગરીબ બાળકોની સેવા કરવામાં પસાર કરવુ છે મારે સન્યાસ લેવો છે અને આ અનાથોની મા થઈને રહેવું છે. હું લગ્ન કરવા માગતી નથી. ઘણી સમજાવટ છતાં એ યુગમાં, સમાજની ધારાઓથી વિપરીત, તેઓએ અડગ મન સાથે વૈરાગ્ય અને સેવાનો માર્ગ અપનાવ્યો. દુષ્કાળીયાં બાળકોને ટોળા સાથે લઈને ગામેગામ ભિક્ષા માંગી બાળકોને પોષવા એ તેમનો જીવનધર્મ અને જીવનક્રમ બની ગયો. સાયલાના લાલજી મહારાજના શિષ્ય કૃષ્ણદાસ પાસે દીક્ષા લેનાર રામબાઈનું કદ સેવા ઉપરાંત અધ્યાત્મના સ્તરે પણ ઘણું જ ઊંચું છે. તેમની સાધના અને સત વિશે અનેક વાતો જાણવા-સાંભળવા મળે છે. સમયાંતરે વવાણિયા ગામે રામબાઈ સ્થાયી થયા. ભક્તોની મદદથી આશ્રમની સ્થાપના કરી. અને ત્યારથી લઈને આજ સુધી આ રામબાઈ આશ્રમમાં સેવાકીય પ્રવૃત્તિ, સદાવ્રત નિરંતર ચાલુ છે.
રામબાઈ આશ્રમમાં વિશાળ પરિસરમાં અહીં સાયલાનાં કૃષ્ણદાસને હાથે રામજીની સ્થાપના થઇ છે. વિશાળ મંદિર ઉપરાંત રામબાઈની ધ્યાન કુટિર છે. અહીં ચોવીસેક રુમ બનાવવામાં આવ્યા છે.સ્વચ્છ અને સુઘડ આ રૂમ, નાતજાત જાતિ ધર્મના ભેદ વગર અહીં સૌને સમદ્રષ્ટિએ સાવ ટોકન ચાર્જ સાથે આપવામાં આવે છે. રામભાઈના મંદિરમાં, જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો એ કહેવત સાર્થક થઈ છે. નાતજાત જાતિ ધર્મના ભેદ વગર અહીં આવતા ભક્તો માટે રહેવાની તથા જમવાની ઉત્તમ સગવડ છે તેમજ સવારથી લઈને સાંજ સુધી ચા સતત મળી રહે છે. જમવાનું નિ:શુલ્ક છે. વિશાળ સુઘડ ભોજનગૃહમાં ઘરના ભોજન કરતા પણ વિશેષ એવું સ્વાદિષ્ટ ભોજન અહીં બન્ને ટાઈમ પીરસવામાં આવે છે. મંદિરના પૂજારી કહે છે કે રોજ સવારે આશરે ચારસોથી પાંચસો અને સાંજે બસ્સોથી ત્રણસો લોકો અહીં જમે છે. વહીવટ કર્તા જયસુખભાઈ હરિભાઈ રાઠોડ, મેણંદભાઈ બીજલભાઈ ડાંગર, તેમજ રામબાઈની જગ્યાના વર્તમાન પૂજારી, સંત પ્રભુદાસ બાપુ સાથેની અમારી મુલાકાતમાં તેઓએ અમને ખૂબ જ રસપૂર્વક આ જગ્યાનો ઇતિહાસ અને આશ્રમની પ્રવૃત્તિ વિશે માહિતી આપી (એના માટે અમે આભારી છીએ) એ મુજબ 191 વિઘા જમીન ધરાવતા આ આશ્રમમાં અને આશ્રમ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે. આ આશ્રમ ભૂકંપ પછી નવનિર્માણ થયેલ છે. બેસતા વર્ષે આ નાના એવા ગામમાં સાતેક હજાર લોકો આ આશ્રમની મુલાકાતે આવે છે.
વિપોરજોય વાવાઝોડા વખતે સમગ્ર મોરબી અને માળિયા પંથકની ભોજન વ્યવસ્થા અહીં કરવાની જવાબદારી આશ્રમે લીધી હતી. આ ઉપરાંત મેડિકલ, શૈક્ષણિક તેમજ વ્યસનમુક્તિ કેમ્પના આયોજનો, સર્જીકલ સાધનોનું નિ:શુલ્ક વિતરણ, સમાજલક્ષી કોઈપણ સેવાકીય પ્રવૃતિઓ, કુદરતી આપદા વખતે આ આશ્રમના દરવાજા ખુલ્લા મૂકી દેવામાં આવે છે. જાહેર સમારંભો માટે પણ જગ્યા ફાળવવામાં આવે છે. આશ્રમની વિશાળ ગૌશાળામાં લગભગ સિતેરેક ગાયો છે. આ ગાયના દૂધ, દહીં ઘીને વેચવામાં નથી આવતા પણ વહેંચવામાં આવે છે એટલે કે તેનો ઉપયોગ અહીંના ભોજનગૃહમાં મીઠાઈ, છાશ તેમજ ચા બનાવવામાં જ થાય છે, બહાર વેચાણ કરવામાં નથી આવતું. આ રામબાઈનું સત્ત જ છે કે સદીઓથી આ જગ્યા સેવાકીય માનવીય પ્રવૃતીથી ધમધમે છે.
આ ગામ, ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ એવા શ્રીમદ રાજચંદ્રનું જન્મ સ્થળ છે. શ્રીમદ્દ રાજચંદ્રનું બાળપણ અહીં વિતેલું. આજે એ જન્મસ્થળ પર જ, શ્રીમદ્દ રાજચંદ્ર જન્મભૂવન નામની વિશાળ મંદિર બન્યું છે. ગુજરાત સરકારે આ સ્થળ પર્યટન સ્થળ તરીકે જાહેર કર્યું છે. ખૂબ જ ભવ્ય અને સ્વચ્છ આ ભુવન, પરમ શાંતિની અનુભૂતિ કરાવતું શ્રીમદ રાજચંદ્રનું આ મંદિર કે જ્યાં તેમના જન્મ સ્થળના ઘરની પ્રતિકૃતિ બનાવેલી છે અહીં આવતા દિવ્યતાનો અનુભવ થાય છે આ ભવ્ય જન્મભુવનના વિશાળ પરિસરમાં મોર તેમજ અન્ય પક્ષીઓની હાજરી આ સ્થળને વધુ રમણીય બનાવે છે.ભવનના ઉપરના ભાગે એક સભા ભવન આવેલું છે. મહાવીરનું મંદિર છે. ભુવનમાં અંદરના ભાગમાં એટલે કે હોલમા ચિત્રોનું ક્રમવાર પ્રદર્શન છે જેના થકી શ્રીમદ રાજચંદ્ર જીવનચરિત્રનો ખ્યાલ આવે છે, જેમાં તેના જન્મથી લઈને નિર્વાણ સુધીની અનેક ઘટનાઓ તથા તેમના જીવન સાથે જોડાયેલી, આપણને માનવામાં પણ ન આવે તેવી વાતોનો અહીં નિર્દેશ છે.
ઉપર કહ્યું તેમ ચિત્ર દ્વારા તેમને આખી જીવનયાત્રા સમજાવવામાં આવી છે તેમાંથી અમુક મહત્વપૂર્ણ ઘટનાઓની વાત કરીએ તો શાળાના પ્રથમ જ દિવસે હજુ તો શિક્ષકે કક્કો પણ ન શીખવ્યો હોય ત્યારે શ્રીમદ રાજચંદ્ર પુસ્તક વાંચન કરે છે અને શિક્ષકના આશ્ચર્યનો પાર નથી રહેતો. બીજી વાત એવી છે કે બાળ રાજચંદ્ર ઝાડ પર છુપાઇને, કોઈના અંતિમયાત્રા અગ્નિદાહ આપતા જુએ છે અને ત્યારે તેમની સમક્ષ તેમના પૂર્વના નવસો ભવોનું સ્મરણ થાય છે, જ્ઞાન પ્રાપ્ત થાય છે. એક ચિત્ર મુજબ, શતાવધાનનો તેમનો પ્રયોગ જે મુંબઈમાં અંગ્રેજ અમલદારોની હાજરીમાં તેમણે કર્યો હતો તે છે. શતાવધાન એટલે કે એક જ સમયે જુદી જુદી સો બાબતો પર ધ્યાન આપવું. આપણે એક સમયે એક સાથે બે બાબત પર પણ પૂરતું ધ્યાન નથી આપી શકતા જ્યારે રાજચંદ્રની એ દિવ્ય શક્તિ, ચૈતસિક કે ધ્યાનશક્તિ કે એક જ સમયે એક સાથે બનતી સો બાબતો પર તેઓ ધ્યાન આપી શકતા. તેઓ અનેરી શક્તિ ધરાવતા હતા કે આંખે પાટો બાંધીને એક સાથે 100 પુસ્તકોની વચ્ચેથી તમે જે પુસ્તક માંગો તે પુસ્તક તેઓ આપી શકતા. ગાંધીજી સાથેના તેમના પત્ર વ્યવહારનો ઉલ્લેખ બતાવે છે કે ગાંધીજી જ્યારે કોઈ બાબતે મૂંઝાતા, આધ્યાત્મિક સ્તરના પ્રશ્નો હોય ત્યારે રાજચંન્દ્ર પાસે જ માર્ગદર્શન લેતા.
રાજચંદ્ર વિશે કશું કહેવાની જરૂર નથી એવી મહાન વિભૂતિના જન્મસ્થળને કોટી કોટી વંદન કરીને જ્યારે બહાર નીકળું છું ત્યારે ‘હું આત્મસ્વરૂપમાં લીન થઉં છું’ તેવા તેમના અંતિમ ઉચ્ચારણ સાથે તેઓએ નિર્વાણ સ્વીકાર્યું હતું તે યાદ આવે છે. વિશ્વવિખ્યાત એપલ કંપનીના સ્ટીવજોબ્સ ઉપરાંત અનેક જગવિખ્યાત હસ્તીએ જેમને ગુરુ માન્યા તેમનો અહીં આશ્રમ છે. સંકટ મોચન આશ્રમ, નિમકરોલી બાબાની તપોભૂમિ ખૂબ જ વિશાળ પરિસર અને કુદરતના સામે આવેલું આ સ્થળ જ્યાં બાબાએ પોતાના હાથે સ્થાપના કરેલી એ હનુમાનજીની મૂર્તિ અહીં આજે પણ છે. નિમકરોલી બાબા, ભારતના એક પરમ વંદનીય સંત, બાબાના આશ્રમ અને જગ્યાઓ ભારતભરમાં અનેક જગ્યાએ છે પરંતુ અહીં ગુજરાતમાં આ એકમાત્ર આશ્રમ વવાણિયા ખાતે આવેલો છે. જે સંકટમોચન હનુમાન મંદિર કહેવાય છે. બાબા અને વવાણિયાનો મહત્વપૂર્ણ નાતો રહ્યો છે. કહેવાય છે કે બાબાએ તેના જીવનના 10 વર્ષથી લઈને 18 વર્ષની ઉંમર સુધીનો ગાળો અહીં પસાર કર્યો હતો. આ સ્થળ પર લગભગ આઠેક વર્ષ તપસ્યા અને સાધના કરી અને અહીં અંજની તળાવમાં જ તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું, હનુમાનજીનો સાક્ષાત્કાર થયો. અહીં એ તળાવમાં અને વૃક્ષ નીચે બેસીને તપ કરતા તેથી તેઓ તલાવીયા બાબા કે તેલૈયા બાબા તરીકે ઓળખાતા. લોકવાયકા એવી પણ છે કે રામબાઈના ગુરુ રામદાસે તેમને દીક્ષા આપી હતી. મંદિર નીમ કરોલી બાબા હનુમાનજીના પરમ ભક્ત હતા અને એવું પણ કહેવાય છે કે તેઓ હનુમાનજીના અવતાર છે.
મંદિરમાં કરોલી બાબાએ હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી હતી જે આજે પણ વિદ્યામાન છે.
હાલમાં આ જગ્યાએ હનુમાનજીનું એક ભવ્ય મંદિર, બાબા નિમકરોલીની દિવ્ય મૂર્તિ વાળું મંદિર, ધ્યાન કક્ષ આવેલા છે. તેમજ તળાવ પરિસરને સારી રીતે વિકસિત કરવામાં આવ્યું છે અને સાથે સાથે સુંદર બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરના ટ્રસ્ટીઓ અને વહીવટ કર્તા વ્યક્તિ સૌ પ્રચારથી દૂર રહેવા માંગે છે. અહીંનો એ નિયમ છે કે અહીં દાન કરનારને પાકી રિસીપ્ટ આપવામાં આવશે પણ કોઈના નામની તકતી અહીં લગાડવામાં નહીં આવે. ફક્ત શુદ્ધ ભક્તિના હેતુએ આ સ્થળને ચાર વર્ષ પહેલા નવનિર્મિત કરવામાં આવ્યું. અને ડિસે. 2022ના રોજ હનુમાનજીની નવી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. મંદિરના બે ટ્રસ્ટી કૈચીધામ, એક દિલ્હી સ્થિત છે અને ત્રણ ટ્રસ્ટી લોકલ છે. મંદિરમાં સવારના સાડા છથી સાંજે આઠ વાગ્યા સુધી પ્રવેશ મળી શકે છે. ત્યારબાદ કોઈપણ સંજોગોમાં અહીં પ્રવેશ મનાઈ છે. મંદીરમાં હનુમાન જયંતિ, રામનવમી, તુલસીદાસ જયંતી વગેરે ઉત્સવો ઉજવાય છે. ખૂબ જ ભવ્ય અને પરમ શાંતિની અનુભૂતિ કરાવતું આ પરિસરમાં જાણે કે બાબા નિમકરોલીની ચેતના અહીં સાક્ષાત છે એવું પ્રતિત થશે. આ ઉપરાંત અહીં અતિ પૌરાણિક કુબેર ભંડારીનું મંદિર છે જે લોકવાયકા પ્રમાણે બારસોથી આઠસો વર્ષ જૂનું છે. કુબેર ભંડારીની મૂર્તિનો માથાનો ભાગ અહીં પૂજાય છે અને તેનું ધડ કચ્છ સરહદે પાકિસ્તાનને અડીને આવેલા એક ગામમાં પૂજાય છે, તેની પાછળ પણ રસપ્રદ વાત છે. મોરબીના નાના એવા પણ ખૂબ જ મહત્વપૂર્ણ આ ગામ વવાણિયાના આ રમણીય સ્થળોની મુલાકાત પ્રવાસના હેતુએ લેવી હોય તો ચોમાસાનો સમય પસંદ કરવો. ચોમાસાનો સમય અહીં લીલાછમ લેન્ડ્સ્કેપનો સમય છે. નદી-તળાવમાં પુરજોરમાં વહેતુ પાણી અને પાણીમાં ખીલેલાં કમળો આ જગ્યાની શોભામાં વૃદ્ધિ કરે છે.
મંદિરમાં કરોલી બાબાએ હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી હતી જે આજે પણ વિદ્યામાન છે, હાલમાં આ જગ્યાએ હનુમાનજીનું એક ભવ્ય મંદિર, બાબા નિમકરોલીની દિવ્ય મૂર્તિ વાળું મંદિર, ધ્યાન કક્ષ આવેલા છે
કુબેર ભંડારીની મૂર્તિનો માથાનો ભાગ અહીં પૂજાય છે