ઝનાના હોસ્પિટલના સ્ટાફ દ્વારા પણ સહકાર ન અપાતો હોવાની અનેક ફરિયાદ ઉઠી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની એકમાત્ર એવી હોસ્પિટલ ઝનાના હોસ્પિટલ કે જ્યાં સૌરાષ્ટ્રભરના દર્દીઓ સારવાર માટે આવતાં હોય છે. ઝનાના હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં આવતી હોય છે. ફરી એકવખત વંદાના ત્રાસને લઈને ઝનાના હોસ્પિટલ વિવાદમાં આવી છે. હોસ્પિટલના એક વોર્ડમાં ઉંદર બાદ હવે વંદાઓ ફરતાં હોય તેવો વિડીયો સામે આવતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સરકારી ઝનાના હોસ્પિટલમાં ઉંદર બાદ હવે વંદાનો ત્રાસ સામે આવ્યો છે. ઝનાના હોસ્પિટલમાં દરરોજ હજારો સગર્ભા મહિલાઓ અને નવજાત બાળકોની સારવાર કરવામાં આવતી હોય છે. ત્યાં હવે ઉંદર બાદ વંદાનો ત્રાસ સામે આવતાં દર્દીઓ અને તેમના પરિવારજનોમાં હોસ્પિટલ તંત્રની સુવિધાને લઈને રોષ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલના એક વોર્ડમાં વંદાનો વિડીયો સામે આવ્યો છે. સ્વચ્છતાના અભાવના કારણે અહીં ઠેર ઠેર ગંદકી અને વંદાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. દર્દીઓના સગાઓએ હોસ્પિટલની બેદરકારી હોવાના આક્ષેપ કર્યા છે, એટલું જ નહીં હોસ્પિટલના સ્ટાફ દ્વારા પણ દર્દીઓને પરિવારજનોને સહકાર ન અપાતો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.