પવિત્ર ભૂમિ પ્રભાસ, જ્યાં ભગવાન સોમેશ્વર અને ભગવાન ભાલકેશ્વરનું હરિહર સ્વરૂપે અનુપમ સંગમ થાય છે, જ્યાં ભક્તિની ગૂંજમાં “જય શ્રીકૃષ્ણ” અને “હર હર મહાદેવ” એકસાથે ગુંજતા બને છે. પુણ્ય પર્વ પુત્રદા એકાદશી નિમિત્તે આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને વિશિષ્ટ વૈષ્ણવ દર્શન શ્રૃંગાર અર્પિત કરવામાં આવ્યો. શિવલિંગને ચંદનથી લિપ્ત તથા તિલકથી અલંકૃત કરવામાં આવ્યા હતા. ગર્ભગૃહમાં પુષ્પો અને પર્ણોથી સજાવવામાં આવેલ શ્રીવૃંદાવનની છબી અને ગોપાલને પ્રિય ગૌમૂર્તિઓની સજાવટ ભક્તોને કૃષ્ણમય ભાવનાથી મહાદેવના દર્શનમાં લીન થવા માટે આમંત્રણ આપતી હતી. આ વિશિષ્ટ શ્રૃંગાર દ્વારા ભક્તિભાવે સંદેશ આપવામાં આવ્યો કે શિવ અને વિષ્ણુ વચ્ચે ભેદ નથી એકત્વ છે, પરમ આનંદ છે અને પરમ અનુભવ છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે:
અર્થાત, ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ એકમેકના રૂપ છે. શિવના હૃદયમાં વિષ્ણુ વસે છે અને વિષ્ણુના હૃદયમાં શિવ. બંને એક પરબ્રહ્મના દ્વૈતવિહિન સ્વરૂપ છે.