પૂર અને ભૂસ્ખલનમાં 128 લોકો ગુમ, 800થી વધુ ઘાયલ, શહેરો પાણીમાં ડૂબ્યા
ખાસ-ખબર ન્યૂઝ વિયેતનામ, તા.13
વાવાઝોડા યાગીના કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનના કારણે વિયેતનામમાં 199 લોકોનાં મોત થયા છે. વિયેતનામી અખબાર વીએન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર 128થી વધુ લોકો હજુ પણ ગુમ છે. 800થી વધુ ઘાયલ થયા છે.
- Advertisement -
લાલ નદીમાં પૂર આવ્યા બાદ રાજધાની હનોઈ ડૂબી ગઈ હતી. હાલમાં પાણીના સ્તરમાં ઘટાડો થયો છે, પરંતુ હજુ પણ ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. પાણી ભરાવાને કારણે હનોઈમાં ફાપ વાન-કાઉ ગી એક્સપ્રેસવેનો એક ભાગ પાણીમાં ડૂબી ગયો હતો. જેના કારણે વાહન વ્યવહાર થંભી ગયો હતો.
વયેતનામમાં લાખો લોકો પૂરથી પ્રભાવિત થયા છે. હજારો લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે. પૂરના કારણે સૌથી વધુ નુકસાન ખેડૂતોને થયું છે. વિયેતનામના કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર લગભગ 25 હજાર હેક્ટરમાં પાક નાશ પામ્યો છે.
મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂરને કારણે અત્યાર સુધીમાં લગભગ 15 લાખ મરઘીઓ અને બતક માર્યા ગયા છે. આ સિવાય 2500થી વધુ ભૂંડ, ભેંસ અને ગાયોના પણ મોત થયા છે.
10 સપ્ટેમ્બરે લાઓ કાઈ પ્રાંતમાં ભૂસ્ખલનને કારણે લાંગ નુ ગામ કાદવમાં દટાઈ ગયું હતું. આ ગામમાં 37 ઘર હતા, જેમાં 158 લોકો રહેતા હતા.
ભૂસ્ખલન બાદ સ્થાનિક લોકો ઘાયલ થયેલા 17 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં સફળ રહ્યા હતા. વીએન એક્સપ્રેસ અનુસાર, અત્યાર સુધીમાં 42 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. અને 53 લોકો હજુ પણ ગુમ છે.
- Advertisement -