મેઘાણી વંદના। આ સપ્તાહે જેમની જયંતી ઉજવાઈ એવા આપણા રાષ્ટ્રીય શાયરને સલામ
ગણતરીના શબ્દોમાં જ ભારત માતાની હજારો વર્ષોની વેદના વ્યક્ત કરતા ધગધગતા અંગારા
ગાવા કે સાંભળવા કરતાં પણ વધુ તો અનુભવવાનું ગીત, દરેક દેશવાસીએ દર્દરૂપે છાતીમાં સંઘરી રાખવાનું ગીત
તુષાર દવે
આ કમભાગી દેશનો ઈતિહાસ આક્રમણખોરોના જૂલ્મ-ઓ-સિતમના કારણે ‘મરેલાના રૂધિર અને જીવતાંના આંસુડાઓ’થી ભરેલો પડ્યો છે. ગ્રીકો, શકો, હુણો, ડચો, તુર્કો, મોઘલો અને અંગ્રેજોએ પોતાનો દાવ પૂરો કર્યો ત્યાં પોતાને મુજાહિદ્દીન ‘માનતા’ અધર્મીઓએ કાયર આક્રમણો શરૂ કર્યા. ભારત માતાની છાતીને લોહીલુહાણ કરનારા આક્રમણો પર 28 ઓગષ્ટે શુક્રવારે જેમની જન્મ જયંતી ઉજવાઈ તે ‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીએ એક અદભુત ગીત લખેલું. ગીત શું લખેલું… એમ જ કહો કે ગણતરીના શબ્દોમાં ભારત માતાની વેદના વ્યક્ત કરતા અંગારાઓ સર્જેલા. એ અંગારાઓ એટલે ‘છેલ્લી પ્રાર્થના’.
- Advertisement -
આ ગીત સાથે એક રસપ્રદ ઈતિહાસ જોડાયેલો છે. મેઘાણીએ અંગ્રેજો સામે લડતા સ્વાતંત્ર્ય સેનાનીઓને પાનો ચડાવવા ‘સિંધુડો’ નામનો કાવ્યસંગ્રહ લખેલો. ‘સિંધુડો’માં લખાયેલા ‘શબદ સોદાગર’ના એ શોણિતભીના શબ્દોએ તોપ જેવું કામ કર્યુ. અંગ્રેજ સરકારની ઉંઘ હરામ કરી નાખી. સરકારે ‘સિંધુડો’ની તમામ નકલો જપ્ત કરી લીધી. પરંતુ તેની હસ્તલિખિત કાનૂનભંગ આવૃત્તીની સેંકડો નકલો લોકોમાં ફરી વળી.
જ્યાં જ્યાં સિંધુડોના ગીતો ગવાતા ત્યાં ત્યાં ક્રાંતિની મશાલ પ્રજ્વલિત થઈ ઉઠતી. સરકાર ઘાંઘી થઈ ગઈ. મેઘાણી પર રાજદ્રોહ લગાવવામાં આવ્યો. 1930ના મે મહિનામાં ધંધુકાની અદાલતમાં એમની સામે કેસ ચાલ્યો. અદાલતી કાર્યવાહી દરમિયાન પોતાનુ નિવેદન વાંચ્યા બાદ મેઘાણીએ કોર્ટની પરવાનગી માંગી કે ‘મારે એક પ્રાર્થના ગાવી છે, પરવાનગી હોય તો ગાઉં’. કોર્ટે રજા આપી. મેઘાણીએ ‘છેલ્લી પાર્થના’ નામનું ગીત ગાવાનું શરૂ કર્યુ.
જેમ જેમ ગીત આગળ ચાલ્યુ તેમ તેમ કોર્ટમાં ઉપસ્થિત માનવ મેદની પૈકીની સેંકડો આંખોમાં અરબ સાગર હિલોળા લેવા માંડ્યો. કારણ કે, એ કોઈ સાધારણ ગીત નહીં પણ હિન્દુસ્તાન પરના આક્રમણોની કરુણકથા હતી. એ હજારો નિર્દોષોના રૂધિર અને ધગધગતાં આંસુડાં હતાં જેનો હિસાબ ઈતિહાસ માગી રહ્યો હતો. એ પ્રાર્થનાગીત અડધું ગવાયુ ન ગવાયુ ત્યાં તો સેંકડો ભાઈ-બહેનોની આંખો રૂમાલ, પહેરણની ચાળો અને સાળુના પાલવ નીચે છુપાઈ.
- Advertisement -
ગીતમાં એક પછી એક આવતી જતી ચોટદાર પંક્તિઓએ બાકી રહેલાઓના સંયમના બંધ પણ તોડાવી નાખ્યાં. કોર્ટના ઓરડામાં, દ્વારમાં ખડકાયેલા અને ચારેબાજુ ઓસરીમાં ઊભેલા ભારતવાસીઓનાં પથ્થરો પણ ફાટી પડે તેમ હિબકવા લાગ્યા. પ્રાર્થના પૂરી કરી મેઘાણી બેઠા ત્યારબાદ પણ દસેક મિનિટ સુધી કોર્ટરૂમમાં એ ગીતના આફ્ટરશોક્સ અનુભવાતાં રહ્યાં. દેશભક્તિની એક સુનામી આવી ગઈ હતી. જેણે બધાંના હદય હચમચાવી નાંખેલાં. કેટલીય મિનિટો સુધી કોર્ટનું સમગ્ર મકાન ડૂસકાંઓ અને આર્તનાદોથી કંપતુ રહ્યું હતું. આ ગીતે મેઘાણીને બે વર્ષના કારાવાસની સજા ફટકારનાર મેજિસ્ટ્રેટની ‘પાપણોમાં પણ અદાલત’ ભરી દીધી હતી.
તમને કવિતાઓ ન ગમતી હોય કે સમજાતી ન હોય તો પણ વાંધો નહીં. કારણ કે, ‘છેલ્લી પ્રાર્થના’ એ ગાવા કે સાંભળવા કરતા પણ વધુ તો અનુભવવાનું ગીત છે. દર્દરૂપે છાતીમાં સંઘરી રાખવાનું ગીત છે. આજે આતંકવાદી હૂમલો થાય અને બે દિવસ ન્યુઝ ચેનલો પર તેના અહેવાલો જોઈને આપણે તે ભુલી જઈએ તે ન ચાલે. આપણે સતર્ક થવું-રહેવું પડશે. સરકારને કડક પગલાઓ લેવા મજબુર કરતા રહેવું પડશે. યાદ રાખજો કે જે દેશ પોતાનો ઈતિહાસ ભુલી જાય છે તેની ભુગોળ બદલાઈ જાય છે. આ વાત સાચી હોવાની સાબિતી માટે હિન્દુસ્તાન પરના હૂમલાઓનો ઈતિહાસ રિફર કરી લેવો.
પ્રસ્તુત છે આજથી થોડા પૂર્વે રાજકોટમાં યોજાયેલા ‘સૌરાષ્ટ્રનું અનોખુ પત્રકારત્વ’ વિષય પરના સેમિનારમાં વરિષ્ઠ પત્રકાર વિષ્ણુ પંડ્યાએ જેને એક પત્રકારની કવિતા ગણાવી હતી તે મેઘાણીનું ‘છેલ્લી પ્રાર્થના’ ગીત-
હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ;
કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ;
મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંઓ;
સમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુ ઓ!
અમારા યજ્ઞનો છેલ્લો બલિ: આમીન કે’જે!
ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફેર દેજે!
વધારે મૂલ લેવાં હોય તોયે માગી લેજે!
અમારા આખરી સંગ્રામમાં સાથે જ રે’જે!
પ્રભુજી! પેખજો આ છે અમારું યુદ્ધ છેલ્લું;
બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું –
અમારાં આંસુડાં ને લોહીની ધારે ધુએલું!
દુવા માગી રહ્યું, જો, સૈન્ય અમ તત્પર ઊભેલું!
નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે;
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે;
જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે:
ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે?;
જુઓ આ, તાત! ખુલ્લાં મૂકિયાં અંતર અમારાં,
જુઓ, હર જખ્મથી ઝરતી હજારો રક્તધારા,
જુઓ, છાના જલે અન્યાયના અગ્નિ-ધખારા:
સમર્પણ હો, સમર્પણ હો તને એ સર્વ, પ્યારા!
ભલે હો રાત કાળી – આપ દીવો લૈ ઊભા જો!
ભલે રણમાં પથારી-આપ છેલ્લાં નીર પાજો!
લડન્તાને મહા રણખંજરીના ઘોષ ગાજો!
મરન્તાને મધુરી બંસરીના સૂર વાજો!
તૂટે છે આભઊંચા આપણા આશા-મિનારા,
હજારો ભય તણી ભૂતાવળો કરતી હુંકારા,
સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા.
મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ-કિનારા.


