ચીનના આધ્યાત્મિક ગુરુ લાઓત્સે પરમ સત્ય માટે આવું કહી ગયા છે, “જે સત્યને નામથી ઓળખાવી શકાય તે શાશ્વત સત્ય હોતું નથી. જે પરમતત્ત્વને નામની મર્યાદામાં બાંધી શકાય તે પરમતત્ત્વ રહેતું નથી.” સત્ય જ્યારે જન્મ પામે છે અને દેહ ધારણ કરે છે એ સાથે જ તે મર્યાદામાં બંધાવાનું શરુ કરી દે છે. જ્યારે કોઈ નવજાત શિશુ જન્મે છે ત્યારે તે જન્મતાની સાથે જ અન્ય તમામ જીવ સૃષ્ટિથી માનવબાળ તરીકે અલગ પડે છે. તેનામાં રહેલી અમાપ સંભાવનાઓ મનુષ્યના બાળક સ્વરૂપે સીમિત થવા માંડે છે. એ પછી એને ઓળખ આપવામાં આવે છે કે આ ભારતનું છે, આ ચીનનું છે, આ અમેરિકાનું છે ઇત્યાદિ. એ સાથે જ એ પૃથ્વીના બાકીના દેશોથી અલગ પડે છે, એની વૈશ્વિક ઓળખની સંભાવના સીમિત થતી જાય છે. પછી એ પ્રાદેશિકતામાં પૂરાતો જાય છે, પછી એ છોકરો છે કે છોકરી એના આધારે પચાસ ટકા લિંગ ભેદની સીમામાં બંધાઈ જાય છે. પછી એની જ્ઞાતિ, કુળ એવી બધી ઓળખો રચાતી જાય છે. જ્યાં સુધી એનું નામ પાડવામાં નથી આવ્યું ત્યાં સુધી એ કરોડો નામોની સંભાવનામાં હોય છે, પરંતુ જ્યારે એને એક નામ આપવામાં આવે છે એ સાથે જ અન્ય કરોડો નામોની સંભાવનાઓ ખતમ થઈ જાય છે. હવે એ જીવનભર એક જ નામથી ઓળખાતો રહેશે. જેનું નામ તેનો નાશ છે, માટે લાઓત્સે કહે છે કે જેને નામથી ઓળખાવી શકાય કે એક શબ્દમાં સમાવી શકાય એ ક્યારેય અંતિમ સત્ય હોતું નથી. સત્ય તો અસીમિત હોય છે.
સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

You Might Also Like
Follow US
Find US on Social Medias


