હીટવેવનો પ્રકોપ
હીટ વેવ એક્શન પ્લાન અંતર્ગત મનપા-પોલીસ વિભાગનું સંકલન; વાહનચાલકોને લૂ અને ઉગ્ર તાપમાનથી બચાવવા લેવાયો નિર્ણય
- Advertisement -
નાગરિકોને બપોરે બિનજરૂરી બહાર ન નીકળવા-પૂરતું પ્રવાહી લેવા અનુરોધ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં ઉનાળાની શરૂઆતની સાથે જ સૂર્યદેવ આકરા મિજાજમાં જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં થઈ રહેલા સતત વધારા અને આગામી દિવસોમાં હીટવેવની પ્રબળ શક્યતાઓને જોતા રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસ વિભાગ દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હીટ વેવ એક્શન પ્લાન અંતર્ગત લેવાયેલા આ નિર્ણય મુજબ, શહેરમાં વધતા તાપમાન અને ઉગ્ર ગરમીની અસરને ઘટાડવા માટે બપોરના 1:00 થી 4:00 વાગ્યા સુધી શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો તાત્કાલિક અસરથી બંધ રાખવામાં આવશે.
વહીવટી તંત્રના આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, બપોરના સમયે જ્યારે તાપમાન ચરમસીમાએ હોય ત્યારે વાહનચાલકોએ ટ્રાફિક સિગ્નલ વાળા ચોકમાં લાંબો સમય ઊભા રહેવું ન પડે. ધોમધખતા તડકામાં સિગ્નલ પર ઊભા રહેવાથી લૂ લાગવાની કે ડિહાઈડ્રેશનની શક્યતા વધી જતી હોય છે, ત્યારે આ નિર્ણયથી નાગરિકોને સીધા તાપથી મોટી રાહત મળશે. જોકે, આ સમયગાળા દરમિયાન ટ્રાફિકનું સુચારુ સંચાલન કરવા માટે જરૂરી પોઈન્ટ્સ પર ટ્રાફિક પોલીસ દ્વારા મેન્યુઅલી નિયમન કરવામાં આવશે. બીજી તરફ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગરમીના દિવસોમાં નાગરિકોને પોતાની કાળજી રાખવા માટે વિસ્તૃત માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે. મનપાએ અનુરોધ કર્યો છે કે બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો બહાર જવું અનિવાર્ય હોય, તો માથું ટોપી, છત્રી કે રૂમાલથી ઢાંકીને રાખવું અને શરીરમાં પાણીની ઉણપ ન સર્જાય તે માટે સતત પ્રવાહી લેતા રહેવું. ખાસ કરીને છાશ, લીંબુ પાણી અને નાળિયેર પાણી જેવા કુદરતી પેય પદાર્થોનું સેવન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા અને નાના બાળકો, વૃદ્ધો તથા બીમાર વ્યક્તિઓની વિશેષ સંભાળ રાખવી પણ અનિવાર્ય છે. તંત્રએ તાકીદ કરી છે કે જો ચક્કર આવવા કે ઉલટી જેવા લક્ષણો જણાય તો તુરંત તબીબી સલાહ લેવી. આમ, વહીવટી તંત્ર અને નાગરિકોના પરસ્પર સહયોગથી હીટવેવ સામે રક્ષણ મેળવી શકાશે.
- Advertisement -
ઉનાળાના તાપમાં બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા અંગે ’ખાસ-ખબર’ના અહેવાલને તંત્રએ આવકાર્યો
મહાપાલિકા દ્વારા ગાઈડલાઈન જારી: શું કાળજી રાખવી?
બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન ખૂબ જ જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવું
જો બહાર જવું અનિવાર્ય હોય તો માથું ઢાંકવા માટે ટોપી, છત્રી કે રૂમાલનો ઉપયોગ કરવો
પાણી, છાશ, લીંબુ પાણી અને નાળિયેર પાણી જેવા પ્રવાહીનું વધુ સેવન કરવું
ગરમીમાં રાહત મળે તેવા હળવા રંગના અને સુતરાઉ ઢીલા કપડાં પહેરવા
નાના બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓ તડકાના સંપર્કમાં ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું



