બે દિવસ સુધી તોળાઈ રહેલો ખતરો
તોફાનની અસર વધુ જોવાય તો પ્રસારણ, રેડિયો નેટવર્ક, સંચાર તંત્ર સહિતનું ખોરવાઈ જશે: બ્લેકઆઉટ પણ થઈ શકે
ખાસ-ખબર સંવાદદાતા
આજે અને આવતીકાલે ધરતીએ વધુ એક ખતરાનો સામનો કરવો પડશે. આજે નવો સૂર્ય વિસ્ફોટ પૃથ્વી સાથે ટકરાવાની તૈયારીમાં છે જેના કારણે બે દિવસ સુધી ભૂ-ચુંબકીય તોફાન આવવાની આશંકા વ્યક્ત કરાઈ છે. આવી આગાહી એક સપ્તાહ પહેલાં પણ કરાઈ હતી જેની કોઈ જ અસર થવા પામી નથી.ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચના સેન્ટર ઑફ એક્સેલેન્સ ઈન સ્પેસ સાયન્સીસ (સીઈએસએસ)એ સોલાર ઈરપ્શન્સ અને ભૂ-ચુંબકીય તોફાન અંગે ટવીટ કરી જાણકારી આપી છે. સીઈએસએસના જણાવ્યા પ્રમાણે 6 ફેબ્રુઆરીએ સૂર્યના દક્ષિણ વિસ્તારમાં એક ફિલામેન્ટ વિસ્ફોટ જોવા મળ્યો હતો.આ સૌર વિસ્ફોટને સોલર હેલિઓસ્ફેરિક ઓબ્ઝર્વેટરી (એસઓએચઓ) મિશનના લાર્જ એંગલ એન્ડ સ્પેક્ટ્રોમેટ્રિક કોરોનાગ્રાફ (લાસ્કો)એ રેકોર્ડ કરી હતી.
એસઓએચઓ નાસા અને યુરોપીય અંતરિક્ષ એજન્સીનું સંયુક્ત મિશન છે. સૂરજનો અભ્યાસ કરવા માટે આ મિશનની સ્થાપના 1995માં કરવામાં આવી હતી.સીઈએસએસએ ટવીટમાં કહ્યું કે પૃથ્વીને 9 ફેબ્રુઆરીએ ભારતીય સમયાનુસાર સવારે 11:18 વાગ્યાથી લઈને 10 ફેબ્રુઆરીના બપોરે 3:23 વાગ્યા સુધી મધ્યમ સ્તરના ભુ-ચુંબકીય તોફાનનો સામનો કરવો પડી શકે છે. તેની ક્ષમતા 451-615 કિલોમીટર પ્રતિ સેકન્ડ રહી શકે છે. જો કે તેની અસર બહુ ખતરનાક રહેવાની સંભાવના નથી.
- Advertisement -
સૌર તોફાનને કારણે ભૂ-ચુંબકીય ગતિવિધિ વધી શકે છે.ભુ-ચુંબકીય તોફાનનેકારણે સંચાર તંત્ર, પ્રસારણ, રેડિયો નેટવર્ક, નેવિગેશન વગેરેમાં અડચણ આવી શકે છે.આ પહેલાં ધરતી ઉપર સૌર તોફાનનું સૌથી ભયાનક સ્વરૂપ માર્ચ-1989માં જોવા મળ્યું હતું ત્યારે સૌર તોફાનને કારણે કેનેડાની હાઈડ્રો ક્યુબેક ઈલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન સિસ્ટમ 9 કલાક માટે બ્લેકઆઉટ થઈ ગઈ હતી. ભુ-ચુંબકીય તોફાનને કારણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં મોટો ફેરફાર આવે છે. જ્યારે સૂરજથી આવનારા આવેશિક કણ (ચાર્જ્ડ પાર્ટિકલ્સ) ધરતીના ચુંબકીય ક્ષેત્ર સાથે ટકરાય છે.
ત્યારે ભુ-ચુંબકીય તોફાન આવે છે જેના કારણે ધરતીના ચુંબકીય ક્ષેત્રમાં થોડા સમય માટે અચડર ઉભી થાય છે.



